Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ફનવર્લ્ડમાં ટિકિટના રૂ. ૩૦થી ૪૦૦ થશેઃ ભાવવધારાની તજવીજ

ફનવર્લ્ડ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ કંપનીએ ચાર્જ વધારવા મંજુરી માંગીઃ ૧૧ વર્ષથી ટિકિટના દરમાં વધારો નથી થયો - પાર્ક સંચાલન ૨૦૦ ટકા મોંઘુ થયુઃ હવે ચાર્જ વધારવો જરૂરી હોવાના કારણો દર્શાવી તંત્રને પત્ર પાઠવાયો

રાજકોટ તા. ૨૧ : શહેરના હાર્દસમા રેસકોર્ષમાં આવેલ 'ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક'માં ટિકિટનો ભાવ રૂ. ૩૦થી ૪૦૦ સુધીનો કરવા સંચાલક કંપની ફનવર્લ્ડ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ દ્વારા તજવીજ હાથ ધરી અને આ બાબતે તંત્રની મંજુરી માંગી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ફનવર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક દ્વારા ટિકિટના જે દર વધારવાનો વિનંતીપત્ર પાઠવાયો છે તેમાં જણાવાયું છે કે, રાજકોટમાં છેલ્લા ૨૮ વર્ષથી ફનવર્લ્ડના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું મનોરંજન પુરૃં પાડે છે અને તેમાં ટ્રેઇની સ્ટાફ દ્વારા સુરક્ષીત - સ્વચ્છ વાતાવરણમાં અન્ય એમ્યુઝમેન્ટ પાર્કની સરખામણીએ 'ફનવર્લ્ડ' અત્યંત ઓછા દરે નગરજનોને મનોરંજન પુરૃં પાડે છે અને અત્યાર સુધીમાં આ એમ્યુઝમેન્ટ પાર્કમાં ૧૦ કરોડ જેટલું રોકાણ કરાયું છે. આમ છતાં છેલ્લા ૧૧ વર્ષથી 'ફનવર્લ્ડ'ના ટિકિટ ચાર્જમાં કોઇ વધારો થયો નથી જેની સામે રાઇડસની મંજુરી, મટીરીયલ્સ, સંચાલન ખર્ચ વગેરેમાં મોંઘવારીના હીસાબે ૨૦૦ ટકાનો વધારો થઇ ગયો છે ત્યારે હવે ટીકીટના ચાર્જ વધારો કરવો જરૂરી બની ગયો છે.

ટિકિટ ચાર્જ વધારીને જે નવો દર પત્રમાં દર્શાવાયો છે તેમાં બાળકોની એન્ટ્રી ફી રૂ. ૩૦, પુખ્ત વયનાની એન્ટ્રી ફી રૂ. ૪૦ રાખવા તથા રાઇડ્સની ફી પણ બાળકોના રૂ. ૩૦ અને રૂ. ૪૦ તથા ન્યુ રાઇડ્સના બાળકોના રૂ. ૪૦ અને પુખ્તવયના રૂ. ૬૦ અને સ્પેશિયલ ઇફેકટ-શોમાં બાળકોના રૂ. ૮૦ તથા પુખ્ત વયનાના રૂ. ૧૨૦ તેમજ અનલીમીટેડ રાઇડ્સમાં બાળકોના રૂ. ૩૦૦ અને પુખ્ત વયના માટે રૂ. ૪૦૦ વગેરે ટિકિટ ચાર્જ રાખવા માટે આપત્રમાં મંજુરી માંગવામાં આવી છે.

જો કે આ પત્રના આધારે હજુ કોર્પોરેશનના અધિકારીઓ યોગ્યતા તપાસીને સ્ટેન્ડીંગ કમિટિને ભાવ વધારા માટે દરખાસ્ત કરે અને આ કમિટિ આ ભાવ-વધારો માન્ય રાખે તો જ ટિકિટ ચાર્જ વધી શકશે.

(3:53 pm IST)