Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ચૂંટણી પંચના યુથ આઇકોન ચેતેશ્વર પૂજારાનું અભિવાદન કરતુ જીલ્લા ચૂંટણી તંત્રઃ રપ મીએ ખાસ આમંત્રણ અપાયું

ભારતના વન્ડર બોય રાજકોટના 'ચિન્ટુ' એ ઓસ્ટ્રેલીયાને પછાડવામાં મહત્વનું યોગદાન આપવા બદલ... : રેસકોર્સ રીંગ રોડ પર ચેતેશ્વર અભિનંદન-આવકાર આપતુ આજે બોર્ડ મુકાશે

રાજકોટ તા. ર૧ :.. ભારતના વન્ડર બોય, રાજકોટના પનોતા પુત્ર અને તાજેતરમાં ભારતે ગાબા ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાને ધોબી પછાડ આપી ઐતિહાસિક જીત મેળવી તેમાં બીજી ઇનીંગ્ઝમાં સિંહફાળો આપનાર રાજકોટના 'ચિન્ટુ' એટલે કે ચેતેશ્વર પુજારાના આ મહત્વના યોગદાન બદલ રાજકોટ કલેકટર તંત્ર-જીલ્લા ચૂંટણી તંત્ર આજે ખાસ અભિવાદન કરી રહ્યું છે, આજે તેમને આવકારતું - અભિવાદન કરતું વિશાળ બોર્ડ ચૂંટણી પંચની સુચના બાદ જીલ્લા તંત્ર દ્વારા રેસકોર્સ રીંગ રોડ, ગેલેક્ષી-૧ર માળના બિલ્ડીંગ પાસે આજે બપોર પછી ખુલ્લુ મુકાશે તેમ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી ધાધલે 'અકિલા'ને જણાવ્યું હતું.તેમણે જણાવેલ કે ચેતેશ્વર પૂજારા ચૂંટણી પંચના ગુજરાત માટે મતદાર જાગૃતિ - અચૂક મતદાન કરો સહિતની બાબતે ખાસ યુથ આઇકોન-બ્રાન્ડ એમ્બેસેડર છે, તાજેતરમાં તેમણે ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ શ્રેણી વિજયમાં ખાસ યોગદાન આપ્યું છે, અને તે વિરલ સિધ્ધિ બદલ તેમનું ચૂંટણી પંચ દ્વારા ખાસ અભિવાદન કરાયું છે.શ્રી ધાધલે જણાવેલ કે રપ મીએ રાજકોટ સહિત દેશભરમાં મતદાતા દિવસની ઉજવણી થશે, તે સંદર્ભે રાજકોટમાં યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં પણ ચેતેશ્વર ખાસ હાજર રહે, મતદાન જાગૃતિ અંગે સંદેશ પાઠવે તે સંદર્ભે આગામી ૧ થી ર દિવસમાં ખાસ આમંત્રણ પાઠવાશે, શ્રી ધાધલે જણાવેલ કે ચેતેશ્વરનું શેડયુલ બહુ ટાઇટ છે, તેઓ ઉપસ્થિત રહે તેવી શકયતા ઓછી છે, આમ છતાં અમે આમંત્રણ પાઠવી રહ્યા છીએ. આજે મૂકાનાર બેનરમાં લખાયું છે કે સ્થિતિ હતી વિષમ પણ પ્રદર્શન કર્યુ શાનદાર, ઓસ્ટ્રેલીયા સામે શ્રેણી વિજય માટે ભારતીય ટીમને અભિનંદન તથા કોરોના મહામારી છતા સક્રિય રીતે ભાગ ભજવનાર મતદારોને પણ અભિનંદન.

(3:23 pm IST)