Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

એન્ટીલેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના ગુનામાં જેલહવાલે રહેલા કોંગી કોર્પોરેટરના પતિ કનકસિંહ જાડેજાની જામીન અરજી રદ

૧૯૭૦માં જમીન વેચી નાખ્યા બાદ જમીનમાં પેશકદમી કરતા ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ર૧ : રાજકોટના સેશન્સ જજ શ્રી દેસાઇએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ મહિલા કોર્પોરેટરના પતિ કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ થયેલ ધરપકડ બાદ તેઓએ કરેલ જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે આરોપીએ ફરીયાદીની જમીનમાં કંપાઉન્ડ વોલ તોડી પેશકદમી કરેલ હોવાનું જણાય છે.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, ગોંડલ રોડ ઉપર સ્વામીનારાયણની પ્રેમવતી હોટલ પાછળ આવેલ જમીન સર્વે નં.૩૮ ફરીયાદીની માલીકીની હતી જે તેણીએ આરોપી કનકસિંહના પુર્વ જ પાસેથી સને-૧૯૭૦ ની સાલમાં ખરીદ કરેલ હતી. ત્યારબાદ ફરીયાદી બહેને આ જમીન ઉપર કંપાઉન્ડ વોલ ચણાવેલ હતી. આ જમીનનું ક્ષેત્રફળ જે તે સમયે ૩૧-ગુંઠા થયેલ હતું અને આ સમગ્ર ૩૧-ગુંઠા જમીન ફરીયાદી બહેનને વેચવામાં આવેલ હતી. ત્યારબાદ હાલ થોડા સમય પહેલા આ વિસ્તારની સમગ્ર જમીનની ફેરમાપણી કરતા સીટી સર્વે અધિકારીએ આ જમીન પર-ગુંઠા હોવાનું જણાવેલ. આ રીતે સર્વે નં.૩૮ ની કુલ જમીન ૩૧-ગુંઠા હતી તે ફેરમાપણી કરી પર-ગુંઠા નોંધવામાં આવેલ. આમ થતા કનકસિંહ જાડેજાએ ર૧-ગુંઠા જમીન પોતાની માલીકીની હોવાનું જણાવી વિવાદ ઉભો કરેલ કે ફરીયાદી બહેનને તેઓના પુર્વ જે ફકત ૩૧-ગુંઠા જમીન વેચેલ છે અને તેથી ફરેમાપણી મુજબ આ જમીન પર-ગુંઠા થતી હોવાથી તેઓ ર૧-ગુંઠાની જમીનના માલીક છે.

આ મુજબના વિવાદો ઉત્પન્ન કરી કનકસિંહ જાડેજાએ ફરીયાદીની જમીન ઉપરની કંપાઉન્ડ વોલ તોડી પેશકદમી કરેલ. આમ થતા ફરીયાદી બહેને પોલીસમાં એન્ટી લેન્ડ ગ્રેબીંંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવેલ. આરોપીની પુછપરછ કરતા તેઓએ પોતાની વિવાદ રજુ કરેલ પરંતુ આરોપીના આ વિવાદને કોઇપણ રેવન્યુ અધિકારીએ માન્ય રાખેલ ન હોવાથી આરોપી કનકસિંહની પોલીસે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ધરપકડ કરેલ. ત્યારબાદ આરોપી કનકસિંહની ૬-દિવસની પોલીસની રીમાન્ડ મેળવવામાં આવેલ જે દરમ્યાન આરોપીએ ઉઠાવેલ ક્ષેત્રફળ સંબંધેની તકરારો ગ્રાહ્ય રહેલ ન હોવા છતા આરોપી કનકસિંહે ફરીયાદીની જમીન ઉપરની કંપાઉન્ડ વોલ તોડી જમીનનો કબ્જો પેશકદમીથી મેળવેલ.

જામીન અરજીની દલીલો સમયે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના સ્પેશ્યલ પી.પી.સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરેલ હતી કે આરોપીએ પોતાની બીનપાયાદાર તકરાર રેવન્યુ અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત કરી વિવાદવાળી ૩૧-ગુંઠા જમીન ઉપર પોતાનું નામ ધારણકર્તા તરીકે દાખલ કરાવેલ હોવા છતા આ પ્રકારના ખોટા વિવાદોને સક્ષમ અધિકારીઓએ જયારે માન્ય રાખેલ ન હોય ત્યારે ફરીયાદીની જમીન ઉપરની કંપાઉન્ડ વોલ તોડી આ જમીનનો કબ્જો લેવો સ્પષ્ટપણે ગેરકાનુની અને ગુનાહિત કૃત્ય છે. આરોપીની વર્તણુક અંગે રજુઆત કરવામાં આવેલ કે કંપાઉન્ડ વોલ તોડવામાં તેઓની સાથે તેઓના પિતા મહેન્દ્રસિંહ સહીત-પ ઇસમો હતા.

જેઓ પાંચેય આરોપીઓ નાશતા-ફરતા છ. આરોપી કનકસિંહ અને તેઓના પિતા મહેન્દ્રસિંહ મહિલા કોર્પોરેટરના પતિ તરીકે કાયદાને માન આપનાર નાગરીક તરીકે પોતાને સમાજમાં દર્શાવતા હોય ત્યારે ખાનગી રાહે આ પ્રકારના ગેરકાનુની કૃત્યો કરી જમીન હડપ કરવાના ગુનાઓ આચરે છે. સામાન્ય ગુનેગાર કરતા સામાજીક જીવનમાં સક્રિય વ્યકિતઓએ કાયદાને સુસંગત હોય તે જ પ્રકારના કૃત્યો કરવા જોઇએ તેમ છતા હાલના આરોપીઓએ પોતાનો નિહિત સ્વાર્થ સાધવા કોર્પોરેશનની ચુંટણીના સમયગાળામાં આ પ્રકારના ગેરકાનુની ગુનાહીત કૃત્યો કરેલ છે. તેને વધુ ગંભીરતાથી કોર્ટે મુલવવા જોઇએ. શ્રી સરકાર તરફેની  આ તમામ દલીલોના અંતે સ્પેશ્યલ જજશ્રી યુ.ટી.દેશાઇએ આરોપી કનકસિંહ જાડેજાની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં સરકાર તરફે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળના સ્પેશ્યલ પી.પી.તરીકે સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.

(3:45 pm IST)