Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જ્યુબીલી સિગ્નલ પરના સ્ટાફે હાથેથી ઇશારો કર્યો, ચાલકે બાઇક જવા દીધું ને ઘરે આવ્યો ૫૦૦નો ઇ-મેમો

પરસાણાનગરના પ્રકાશભાઇ ખખ્ખરે કહ્યું-મારા દિકરાને ઇજા થઇ હોઇ મિત્ર તેને બાઇકમાં બેસાડી હોસ્પિટલે લઇ જતો'તો હું તો દંડ ભરી દઇશ, પણ રોજ માંડ ૨૦૦-૩૦૦ કમાનારાને આવા ખોટા મેમો આવે તો શું હાલત થતી હશે?

શહેરમાં અનેક એવા ટ્રાફિક પોઇન્ટ છે જ્યાં લાલ લાઇટ ચાલુ હોય છતાં ફરજ પરના વોર્ડન કે ટ્રાફિક કર્મચારી હાથથી ઇશારો કરી વાહન ચાલકને જવાની સંજ્ઞા બતાવી દે છે. આથી વાહન ચાલક લાલ લાઇટ હોય છતાં આગળ વધી જાય છે અને આ કારણે સિગ્નલ તોડ્યાનો ફોટો ઓટોજનરેટ કેમેરાથી પડી જાય છે અને જે તે વાહન ચાલકને ઘરે મેમો આવી જાય છે. આ વાતનો પુરાવો જામનગર રોડ પર પરસાણાનગર અમરનાથ પાર્કમાં રહેતાં પ્રકાશભાઇ નટવરલાલ ખખ્ખરે આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મારો દિકરો દર્શન (ઉ.વ.૨૪) મેટોડા નોકરી કરે છે. ૧૬/૧/૨૧ના બપોરે તે મારા નામથી નોંધાયેલુ બાઇ જીજે૦૩એચએન-૭૨૩૯ લઇને નીકળ્યો ત્યારે ધરમ ટોકિઝ પાસે સ્લીપ થઇ જતાં ઇજા થઇ હતી.

તે પોતે બાઇક હંકારી શકે તેમ ન હોઇ ફોન કરી મિત્રને બોલાવતાં મિત્ર આવ્યો હતો અને મારા પુત્રને મારા નામના બાઇક પર બેસાડી હોસ્પિટલે લઇ જવા નીકળ્યો હતો. જ્યુબીલી બાગ પાસેના સિગ્નલ પર લાલ લાઇટ ચાલુ હોઇ પુત્રના મિત્રએ બાઇક ઉભુ રાખી દીધુ હતું. પરંતુ ફરજ પરના કર્મચારીએ હાથથી ઇશારો કરી જવાનું કહેતાં બીજા વાહનોની સાથે પુત્રના મિત્રએ પણ બાઇક હંકાર્યુ હતું.

એ પછી મને ૨૦/૧ના રોજ મારા ઘરે રૂ. ૫૦૦નો ઇ-મેમો મળ્યો હતો. જેમાં સિગ્નલ તોડ્યાનું કારણ જણાવાયું છે. જાણી જોઇને આવું કરાયું હોય તેમ સ્પષ્ટ લાગે છે. હું તો કદાચ મેમો ભરી પણ દઇશ પરંતુ નાના માણસો, મજૂરો કે જે રોજના ત્રણસો-ચારસો કમાતા હોય તેને આવા ૫૦૦-૫૦૦ના દંડના ડામ આવે તો તેમની હાલત કેવી થતી હશે? રોજે રોજ આ રીતે કેટલા વાહન ચાલકોને આ રીતે લાલ લાઇટ ચાલુ હોય છતાં જવા દઇને તેને ધરાર નિયમનો ભંગ કરનારા વાહન ચાલકમાં ખપાવી દંડ વસુલાતો હશે એ એક મોટો અને તપાસ માંગી લે તેવો સવાલ છે. તેમ વધુમાં પ્રકાશભાઇએ જણાવી સંબંધીત અધિકારીઓ આ સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવે અને વાહનચાલકોને કારણવગર લૂંટાતા બચાવે તેવી લાગણી દર્શાવી છે. તસ્વીરમાં પ્રકાશભાઇ ખખ્ખર અને તેમને મળેલા ઇ-મેમોની પ્રતિતી જોઇ શકાય છે.

(3:16 pm IST)
  • તેલંગણામાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરનું કોવિડ રસી લીધા પછીના થોડા કલાકોમાં જ મોત નીપજતા ભારે ગભરાટ ફેલાયો ૧૯ જાન્યુઆરીએ તેલંગાણામાં નિર્મલ જિલ્લાના કૂંતાલા પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટરમાં કોરોના વિરોધી રસી લીધા પછી ૪૨ વર્ષિય એમ્બ્યુલન્સ ડ્રાઈવર વિઠલના મોતથી રાજ્યના અનેક લોકોમાં ભયનો માહોલ સર્જાયાનું ઇન્ડિયા ટુ ડે નોંધે છે. access_time 12:09 pm IST

  • મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવ્યો: અનેક શંકા કુશંકા : ઉત્તર પ્રદેશના લખનૌ પંથકના બીકેટી વિસ્તારમાં એક મંદિરના પૂજારીનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ. access_time 12:51 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST