Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજકોટમાં કોરોના કેડો મુકતો નથીઃ આજે ૧ મોતઃ બપોર સુધીમાં ૧૮ કેસ

શહેરમાં કુલ કેસનો આંક ૧૪,૮૩૮એ પહોંચ્યો : આજ દિન સુધીમાં કુલ ૧૪,૨૫૭ દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : રિકવરી રેટ ૯૬.૨૦ ટકા : સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ રાજકોટ શહેર અને જીલ્લામાં કોરોનાથી ગઇકાલે એક પણ મૃત્યુ જાહેર કર્યુ નથીઃ કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૪૬ બેડ ખાલી

રાજકોટ, તા.૨૧:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એક મોત થયું છે. શહેરમાં બપોર સુધીમાં૧૮ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૦નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૧ ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૧ દર્દીએ દમ તોડી દીધા હતો.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ શહેર અને જીલ્લામાં ગઇકાલે  કોરોનાથી ૧ પૈકી એક પણ મોત જાહેર કર્યુ નથી.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૩૪૬ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૮ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૮૩૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૪,૨૫૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૯૬.૨૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૨૮૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૧૨ ટકા થયો  હતો. જયારે ૬૬ દર્દીઓને સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૬૦,૦૬૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૪,૦૧૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૫ ટકા થયો છે.

નવા ૬ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં  ગઇકાલે અર્જુન પાર્ક, પુષ્કર ધામ, અકુંર સોસાયટી, બજરંગવાડી, પ્રહલાદ પ્લોટ, ભગવતી એપાર્ટમેન્ટ સહિતના નવા ૬ વિસ્તારોમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જયારે હાલમાં ૩૫ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(3:49 pm IST)