Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ભારતનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે, ટેકનોલોજીની મદદથી લોકોનું જીવન સરળ થઇ ગયું: ગોરધનભાઇ ધાનાણી

એન.આર.આઇ. (એટલાન્ટા)ના લેઉવા પટેલ ગોરધનભાઇ ધાનાણી 'અકિલા'ના આંગણે : અમરેલી જીલ્લાના એક નાના ગામમાં ખેડૂત પરિવારમાં જન્મઃ હાઇસ્કુલથી જ લીડરશીપનો શોખઃ અમેરીકામાં ફરી વખત ટ્રમ્પનું શાસન આવે તેવી શકયતા

રાજકોટઃ તા.૨૧, છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનો વિકાસ ઝડપથી થઇ રહયો છે, આધુનિક ટેકનોલોજીની મદદથી લોકોનું જીવન સાવ સરળ થઇ ગયુ છે. આ શબ્દો છે મુળ ભારતના અને હાલ અમેરીકા નિવાસી શ્રી ગોરધનભાઇ ધાનાણી તેઓ 'અકિલા'ના આંગણે આવ્યા હતા અને 'અકિલા'ના વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે પોતાના વતન અને અમેરીકાના અનુભવો શેર કર્યા હતા.

તેઓએ જણાવેલ કે અમરેલી જીલ્લાના એક નાનકડા ગામમાં ખેડૂત પરિવારમાં મારો જન્મ થયો તે સમયે ખેડૂતો માટે કોઇ સુવિધા ન હતી. ખેડૂતો ઉપર અત્યાચારો થતા તેની સામે પણ અમે લડત આપી હતી. હાઇસ્કુલથી જ લીડરશીપનો શોખ હતો. કોલેજકાળ દરમિયાન પણ સચ્ચાઇની લડાઇ માટે અનેક વખત લડત આપી છે. બે વખત કોલેજના જીએસ  પણ બની ગયા છે.

મોટાભાઇ અમેરીકા હોય સંજોગોસાત ત્યાં જ કાયમી વસવાટ કરવાનુ નકકી કર્યું. અને નવેસરથી જીવનની શરૂઆત કરી. નોકરીઓ કરી અનેક ધંધાઓ કર્યા. ધીમે-ધીમે સફળતા મળવા લાગી. હાલમાં પાંચ ભાઇઓ-બહેનો, બા - બાપુજી સહિત આખો પરિવાર એટલાન્ટામાં સ્થાયી છે. ત્યાં ગઢયુર ધામ નામનું મંદિર પણ બનાવ્યું છે. જયાં દરરોજ અને દર રવિવારે સાંજે સત્સંગ ભજનના કાર્યક્રમો યોજાય છે.

તેઓએ જણાવેલ કે છેલ્લે ૨૦૦૫માં ગુજરાત આવ્યો હતો તે સમય કરતાં આજના ગુજરાતમાં ઘણો તફાવત છે. ખુબ જ વિકાસ થયો છે. દેશભરમાં ફોન, ઇન્ટરનેટ, કોમ્પ્યુટર જેવી સુવિધાઓથી લોકોનું જીવન સરળ બની ગયું છે. વિકાસ ઝડપભેર થઇ રહયો છે.

એક પ્રશ્નના જવાબમાં ગોરધનભાઇએ જણાવેલ કે અમેરીકામાં આ વખતે પણ ટ્રમ્પનું શાસન આવે તેવી પુરેપુરી શકયતા છે. હાલમાં ઇરાક, ઇરાન અને અમેરીકા વચ્ચે વોર જામી છે. તેઓના આ શાસનકાળમાં ઇકોનોમી અને વ્યાજદરો પણ જાળવી રાખ્યા છે.

તસ્વીરમાં અકિલાની વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે એન.આર.આઇ. એટલાન્ટાના ગોરધનભાઇ ધાનાણી તેમજ એડવોકેટ શ્રી કાન્તીલાલ સોરઠીયા જૈન અગ્રણી શ્રી ભરતભાઇ દોશી અને શ્રી અરવિંદભાઇ પરસાણા (સુરત) નજરે પડે છે.

(3:53 pm IST)