Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયાએ રાહુલગીરીને બથ ભરી પકડી રાખ્યો, દિવુુએ છરી દીધી અને જયુ મંઢે બે ઘા ઝીંકી હત્યા કરી!

રાહુલગીરી બે મિત્રો પ્રતિપાલસિંહ અને મયુર સાથે ઉભો'તો ત્યારે બીજા ચાર મિત્રો આવ્યા...મજાક-મજાકમાં ગાળાગાળી થઇ ને એકની લોથ ઢળી : ઘટના નજરે જોનારા મિત્રો પ્રતિપાલસિંહ જાડેજા અને મયુર કુવાડીયાએ રાહુલગીરીના પિતા સુરેશભારથીને સમગ્ર ઘટના વર્ણવીઃ તેના આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી : જયુ મંઢે-મશ્કરી કેમ કરે છે? કહી ગાળ દીધી, રાહુલગીરીએ ગાળ દેવાની ના કહેતાં વાત વણસી

મિત્રએ મોત દીધું: છરીના બે ઘાથી રાહુલભારથીના પડખામાંથી આંતરડુ બહાર આવી ગયું હતું (પ્રથમ તસ્વીર), તેનો મૃતદેહ (ઉપર) અને ફાઇલ ફોટો (નીચે) જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: આ તે કેવા મિત્રો?...મજાક-મજાકમાં ગાળાગાળી અને મિત્રના હાથે જ મિત્રની હત્યા?...કોઠારીયાના રણુજા મંદિર પાસે હરિદર્શન હોલ પાસે કંઇક આવી જ ઘટનામાં વાવડીના ૨૪ વર્ષના બાવાજી યુવાનને તેના મિત્રોએ ગાળો દેવાના મામલે છરીના બે ઘા ઝીંકી આંતરડુ કાઢી નાંખી હત્યા કરી નાંખી હતી. બાવાજી યુવાન બીજા બે મિત્રો સાથે ઉભો હતો ત્યારે તેનો જ એક મિત્ર આહિર શખ્સ અને બીજા ત્રણ મિત્રો આવ્યા હતાં. આ વખતે આહિર શખ્સે મિત્ર બાવાજી યુવાનને કેમ તું મશ્કરી કરે છે? કહી ગાળ ભાંડતા બાવાજી યુવાને ગાળ દેવાની ના પાડતાં દરબાર અને બીજા આહિર શખ્સે તેને બથ ભરી પકડી લીધો હતો અને અન્ય દરબાર શખ્સે છરી કાઢીને આપતાં આહિર શખ્સે બે ઘા ઝીંકી દીધા હતાં. આ ઘા જીવલેણ નીવડ્યા હતાં. ચાર આરોપીઓ આજીડેમ પોલીસના હાથવેંતમાં છે.

હત્યાની ઘટના જાહેર થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આજીડેમ પીઆઇ એ. એસ. ચાવડા સહિતનો કાફલો બનાવ સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો અને કાર્યવાહી કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાનો ભોગ બનેલા રાહુલભારથી (ઉ.વ.૨૪)ના પિતા વાવડી આંગન રેસિડેન્સી બ્લોક નં. બી-૨૦૧માં રહેતાં સુરેશભારથી નારણભારથી ગોસ્વામી (ઉ.વ.૫૫)ની ફરિયાદ પરથી રાહુલભારથીના જ મિત્રો જયુ મંઢ (આહિર), દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયા સામે આઇપી ૩૦૨, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.

સુરેશભારથીએ પોલીસને જણાવ્યું હતું કે હું વાવડીમાં ઇલેકટ્રીક કામની દૂકાન રાખી ગુજરાન ચલાવું છું. મારે સંતાનમાં ત્રણ દિકરી અને એક દિકરો છે. જેમાં મોટી હેતલબેન (ઉ.૨૯), એ પછી કાજલબેન (ઉ.૨૭) અને અલ્પાબેન (ઉ.૨૫) છે અને આ ત્રણેયના લગ્ન થઇ ગયા છે. દિકરો રાહુલભારથી (ઉ.૨૪) સોૈથી નાનો અને અપરિણીત હતો.

સોમવારે સાંજે આઠેક વાગ્યે હું મારી દૂકાને હતો ત્યારે મારા ભાણેજના દિકરા ચિન્ટૂ ભીમજીભાઇ ગોસ્વામીએ મને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા દિકરા રાહુલભારથીને છરી મારી દીધી છે અને સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે. તમે સીધા ત્યાં આવો, તેમ કહેતાં હું સિવિલ હોસ્પિટલે આવ્યો હતો. અહિ રાહુલભારથીના મિત્ર પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા તથા મયુર દાનાભાઇ કુવાડીયા મળ્યા હતાં. તેણે વાત કરી હતી કે સાંજના સાતેક વાગ્યે અમો બંને તથા રાહુલભારથી એમ ત્રણેય કોઠારીયા રોડ હરિદર્શન મોલ પાસે બાઇક રાખીને બેઠા હતાંત્યાં સાંજે સાડા સાતેક વાગ્યે જયુ મંઢ, દિવુ જાડેજા, દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયા એમ ચારેય આવ્યા હતાં અને અમે બધા અંદરો-અંદર ઠઠ્ઠા મશ્કરી કરતાં હતાં.

મશ્કરીમાં જયુ મંઢ (આહિર)એ રાહુલભારથીને ગાળ દઇ કહેલ કે કેમ મશ્કરી કરે છે? આથી રાહુલભારથીએ જયુને ગાળો દેવાની ના પાડતાં જયુ સહિતના ચારેય ઉશ્કેરાઇ ગયા હતાં અને રાહુલભારથી સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતાં. રાહુલભારથીએ પ્રતિકાર કરતાં દેવો જાડેજા અને દિવ્યેશ લાવડીયાએ રાહુલભારથીને બથ ભરી પકડી લીધો હતો અને બાદમાં દિવુ જાડેજાએ નેફામાંથી છરી કાઢી જયુ મંઢ (આહિર)ને આપતાં જયુએ પેટના ડાબા ભાગે બે ઘા ઝીંકી દીધા હતાં. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં જયુ મંઢ સહિતના ચારેય ભાગી ગયા હતાં. એ પછી અમે મિત્રો (પ્રતિપાલસિંહ, મયુર સહિતના) રાહુલભારથીને સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. અહિ ડોકટરે રાહુલભારથીને મૃત જાહેર કર્યો હતો.

ઉપરોકત વાત મૃતક રાહુલભારથીના મિત્રો પ્રતિપાલસિંહ અને મયુરે પિતા સુરેશભારથી ગોસ્વામીને જણાવતાં તેમણે તે મુજબની ફરિયાદ નોંધાવી હતી. છરીના જોરદાર ઘાને કારણે પેટમાંથી આંતરડુ બહાર નીકળી ગયું હતું. હત્યા મજાક-મશ્કરીમાં ગાળો બોલવા મામલે જ થયાનું હાલ બહાર આવ્યું છે. ચારેય આરોપીઓ હાથવેંતમાં હોવાનું કહેવાય છે. જેની પુછતાછ બાદ સાચુ કારણ બહાર આવશે.

હત્યાના આ બનાવથી બાવાજી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એમ. જે. રાઠોડ, ભરતસિંહ પરમાર, કનકસિંહ સોલંકી, શૈલેષભાઇ ભીંસડીયા, શૈલેષભાઇ નેચડા સહિતની ટીમે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી હતી.

જિંદગી કા સફર હૈ યે કૈસા સફર...

૧૬મીએ જિંદગીના ૨૩વર્ષ પુરા કરનાર રાહુલભારથીની ૨૦મીએ જિંદગી પુરી ત્રણ બહેનનો એક જ ભાઇ અને માતા-પિતાનો આધાર હતો

. હત્યાનો ભોગ બનનાર રાહુલભારથીનો હજુ ગત ૧૬મીએ જ ૨૪મો જન્મ દિવસ હતો. ગઇકાલે મિત્રોના હાથે જ તેની જિંદગીનો અંત આવી ગયો હતો. જેની સાથે દરરોજ હરતો-ફરતો એ મિત્રો જ ગાળો બોલવા જેવી વાતમાં મિત્રની હત્યામાં નિમીત બન્યા છે. રાહુલભારથી ત્રણ બહેનથી નાનો હતો. તેના ત્રણ બહેનો સાસરે છે. એકના એક વીરાની હત્યા થયાની વાતથી બહેનો પણ શોકમાં ગરક થઇ ગઇ હતી.

પિતા સુરેશભારથીએ કહ્યું-છેલ્લે બપોરે સાડા ત્રણે દિકરા સાથે વાત થતાં તેણે હમણા ઘરે આવું છું,

એવું કહ્યું ને સાંજે તેની હત્યાના વાવડ આવ્યા

. એકનો એક દિકરો ગુમાવનાર પિતા સુરેશભારથી ગોસ્વામી આ ઘટનાથી હતપ્રભ થઇ ગયા છે. સુરેશભારથી મુળ માણાવદરના સરદારગઢના વતની છે અને હાલ ઘણા સમયથી વાવડીમાં રહે છે. તેણે કહ્યું હતું કે ગઇકાલે સવારે જ દિકરો ઘરેથી નીકળ્યો હતો. તે મારી સાથે જ કામે આવતો હતો. બપોરે જે તે સાઇટ પર કામ ચાલતું હોઇ ત્યાં જ અમે ટિફીન જમી લેતાં હતાં. પણ ગઇકાલે તે મિત્રો સાથે જવાનું કહીને ગયો હતો. છેલ્લે બપોરે સાડા ત્રણેક વાગ્યે મેં તેને ફોન કરતાં તેણે થોડી વારમાં જ ઘરે આવે છે એવી વાત કરી હતી. એ પછી હું કામે જતો રહ્યો હતો, ને સાંજે તેને છરી લાગી ગયાનો મને ફોન આવ્યો હતો. પિતા સુરેશભારથી અને માતા બેનાબેન એકના એક કંધોતરથી હત્યાથી ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે.

(3:34 pm IST)