Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રંગપરમાં પૂ.ધીર ગુરૂદેવની નિશ્રામાં શાંતિનાથ જૈન ઉપાશ્રયનું ઉદ્દઘાટન

રાજકોટ તા.૨૧: રાજકોટ-પડધરીના રસ્તે ચોકીઢાણીની બાજુમાં મારૂતિ રેસીડેન્સી, હાઇવે ટચ શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર નિર્મિત અને પડધરી જૈન સંઘ સંચાલિત માતુશ્રી કાંતાબેન ગુલાબચંદ ઝોંસા-શાંતિનાથ જૈન ઉપાશ્રયનું ઉદ્દઘાટન તા. ૧૯ના અનુગ્રહ પ્રદાતા પૂ. ધીરગુરૂદેવ તથા મૂ.પદ્દમાજી મ.સ. ઠાણા-૪ ની ઉપસ્થિતિમાં દેશ-વિદેશના ભાવિકોના જયનાદે શ્રીમતી અમીતા અને જગદીશ ઝોંસા તથા માતુશ્રી જયોત્સનાબેન ધીરજલાલ શાહ-વ્યાખ્યાન હોલ એવં કલ્પનાબેન અને ગિરીશભાઇ દેસાઇ તથા જી-સેવન ગ્રુપે ગૌતમ ગોચરી ગૃહ અને ડો. ચંદ્રાવારીઆ, જયંત કામદાર વગેરેએ પ્રેમ-ધીર સ્વાધ્યાય કક્ષનું ઉદ્દઘાટન કરેલ. તાલોદ્દઘાટનનો લાભ નીતા રાજેશ શાહે લીધેલ.

સમારોહનાં પ્રારંભે રેખા ઝોંસાના ભકિતગીત બાદ અમીતા ઝોંસાએ ગુરૂ ઋણ સ્વીકારી કહેલ કે આ જીવનમાં શય્યાદાન-મહાદાનની સમજ અને નામકરણનો જન્મદિન નિમિત્તે લાભ તેમજ માત્ર ૩ મહિનામાં  સાતાકારી ઉપાશ્રય બન્યો આ બધુ મિરેકલ જ છે. જે ગુરૂ કૃપા વિના શકય નથી.

વિદેશોમાં પ્રસારક તરલાબેન દોશી તેમજ ડો. ચંદ્રાબેન વારીઆએ ગુરૂદેવના ખાસ કરીને સાધ્વીજી ભગવંતોના સંયમ સુરક્ષાર્થે ઉપાશ્રય નિર્માણની પ્રવૃતિને બિરદાવી હતી. પડધરીના ટ્રસ્ટી સુભાષ પટેલ, પરેશ પટેલ, બિપીન પટેલ, અશ્વીન શાહે દાતાઓનું સન્માન કરેલ. નિર્માણ નિયોજક નીલેશ બાટવીયાનું બહુમાન કરાયેલ. રજનીભાઇ બાવીસીએ દાતાઓની ભાવનાને બિરદાવી હતી.

પૂ. ગુરૂદેવે ધર્મસભાને જણાવેલ કે આહારના દાન કરતાં પાણીનું, પાણીનાં દાન કરતાં વસ્ત્રોનું દાન કરતાં રજોહરણનું, રજોહરણનાં દાન કરતાં ઉપાશ્રયનું દાન વધે છે. જીવનમાં સંકલ્પ કરવો કે મારે નાનું કે મોટું શય્યાદાન (વસતીદાન) કરવું જ છે.

આ પ્રસંગે વિલેપારલાના જયદીપ કામદાર, ભદ્રેશ ડેલીવાલા, ઋષભ મહિલા મંડળ તેમજ નટુભાઇ શેઠ, પ્રતાપભાઇ વોરા, સુધીરભાઇ બાટવીયા, શિરીષભાઇ બાટવીયા, ભૂપતભાઇ મહેતા, સતીષભાઇ શેઠ વગેરેની હાજરી હતી.

શય્યાદાન કળશનો લાભ જીતુભાઇ ઝોંસા અને સાતાકારી પાટનો લાભ દીપેન અને હિતેષ જે. કામદારે લીધેલ. ગૌતમ પ્રસાદીનો લાભ જગદીશ ભાઇ ઝોંસા પરિવારે લીધેલ. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ભાવિકોએ અનુપમ શાંતિનો અહેસાસ કરી ધન્યતા અનુભવી હતી.

(3:38 pm IST)