Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

'લોભીયાનું ધન ધુતારા ધુતે'...દરરોજ ર૦ થી ૩૦ હજાર કમાવાની લાલચમાં ૧૯ લોકોએ લાખો ગુમાવ્યાઃ સુરતના બેને દબોચી લેતી રાજકોટ સાઇબર ક્રાઇમ

'મેટા ટ્રેડર 5' નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી પ્રાથમીક તબક્કે ૧ લાખ ભરાવી નફાની અમુક ટકા રકમ પરત આપી વિશ્વાસ જીતી લેતા'તા

સુરતના બે ભેજાબાજોને મુંબઇથી ઝડપી લઇ તેમણે કરેલી લાખોની છેતરપીંડીનો ભોગ રાજકોટ સાયબર સેલે ખોલી નાખ્યો હતો. જેની વિગતો પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે સુરતના જયેશ હિંમતલાલ વાઘેલા નામના ૪૪ વર્ષીય ભોય (રહે. વૈષ્ણોદેવી સ્કાય, મોરાભાગલ, સુરત) અને વિકાસ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ મહેતા (ઉ.વ.ર૯, રહે. ઉપર મુજબ)ને પકડી પાડી રાજકોટ સહીત ગુજરાતના અન્ય સ્થળે રહેતા ૧૯ જેટલા લોકો સાથે ૬૮ લાખથી વધુ મોટી રકમની છેતરપીંડી કર્યાનું શોધી કાઢયું છે. આ અગાઉ આ કારસ્તાનમાં અગાઉ ૩ આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

છેતરપીંડીબાજો લોકોને ટેક્ષ મેસેજ મોકલી લલચાવતા હતા. 'અર્ન ડેઇલી રૂ. ર૦૦૦૦ ટુ ૩૦૦૦૦ વીથ ધ હેલ્પઓફ ફોરેક્ષ ઓટો સોફટવેર, કોલ અસ નાઉ, લાઇવ ડેમો ૦૭૪૩૩૦૮૧૧ર૮' લખાણવાળો ટેક્ષ મેસેજ વાંચી વાતચીતનો દોર આગળ ચલાવતા લોકો છેતરપીંડીનો ભોગ બન્યા હતા. આવા લોકોને પ્રથમ તબક્કે મેટા ટ્રેડર-5 એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ૧ લાખની રકમ ભરાવતા હતા. નફા પેટે અમુક ટકાવારી પરત મોકલાવી લોકોનો વિશ્વાસ જીતવામાં આવતો હતો. બાકીના રૂપીયા તબક્કાવાર આંગડીયા મારફત મેળવી લઇ ફોન સ્વીચ ઓફ કરી જવાબ આપવાનું બંધ કરી દેતા હતા. આરોપીઓએ ખોટી પેઢી બનાવી તેના નામે કરંટ ખાતા ખોલાવ્યા હતા. જેમાં ઝુલુ ટ્રેડીંગ નામની કંપનીના આઇસીઆઇસીઆઇમાં ખોલાવેલા ખાતામાં ૬૪ લાખ ૮૯ હજાર ૭૦૪ તેમજ કુરસો ડે ટ્રેડીંગના નામે એયુ સ્મોલ ફાયનાન્સ બેંકમાં ખોલાવેલા ખાતામાં ૪૯ લાખ ૪૪ હજાર ૯૧૨ જેવી મોટી રકમનો ૧૯ વ્યકિત સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટના અંગે સાઇબર ક્રાઇમ અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે ગુન્હા નોંધાયેલા હતા. જેમાં ઝડપી લેવાયા બંન્ને ભાગતા-ફરતા હતા. ઉપરોકત છેતરપીંડીબાજોને સાઇબર પોલીસ કમિશ્નર - અમદાવાદ, શ્રી જી.ડી.પલાસણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ સી.એસ.પટેલ અને કોન્સ્ટેબલ રાહુલ ઠાકોરએ મુંબઇ ખાતેથી  પકડી પાડયા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ફર્નાન્ડીસ, પીએસઆઇ સી.એસ.પટેલ, પીએસઆઇ જે.કે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ સંજય ઠાકર, જયદેવ બોસીયા અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઇએ પણ સક્રિય ભાગ ભજવ્યો હતો. બંન્નેની વધુ પુછપરછ ચાલી રહી છે.

(4:12 pm IST)