Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પાળ ગામમાં કરોડોની ૧ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવતા રૂરલ પ્રાંતઃ ફેન્સીંગ-મકાન તોડી પડાયા

મામલતદારથી કલેકટર સુધી થયેલ કેસો હારી ગયા બાદ આજે સવારે ઓપરેશન

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટની ભાગોળે અને લોધીકાના પાળ ગામમાં સરકારી ૧ હજાર ચો. મી. જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ આજે રૂરલ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઇ, લોધીકા મામલતદાર શ્રી રાણાવાસીયા, તથા સ્ટાફે દુર કરી જેસીબી ફેરવી દઇ જમીનનો કબજો લઇ લીધો હતો, આ જમીન કરોડોની થતી હોવાનું સૂત્રોએ ઉમેર્યુ હતું.

ઘણા સમયથી એક ભરવાડે દબાણ કરી ૧ થી ર મકાનો-ફેન્સીંગ આ ૧ હજાર ચો. મી. સરકારી જમીન ઉપર બાંધી લીધા હતા, આ મતલબના કેસો મામલતદાર- ડે. કલેકટર અને કલેકટર સુધી ચાલ્યા હતા, કલેકટરે પણ આ કેસ ફગાવી દિધેલ, આ પછી કલેકટરની સૂચના બાદ રૂરલ પ્રાંત શ્રી વિરેન્દ્ર દેસાઇએ દબાણ હટાવ ઓપરેશન હાથ ધરી ઉભી કરાયેલ ફ્રેન્સીંગ -ર જેટલા મકાનો, એક વંડો વિગેરે તોડી પાડયા હતા,

દરમિયાન રૂરલ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઇએ જણાવેલ કે ઉપરોકત જમીન રૂડા વિસ્તારની અને સર્વે નં. ૩ર૬ પૈકીની અત્યંત કિંમતી  જમીન હતી. જેનો કબ્જો સરકાર હસ્તક લેવાયો છે.

(4:10 pm IST)