Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રેલ્વેમાં નોકરીના નામે કોૈભાંડમાં સુત્રધારનો વધુ એક સાગ્રીત રાકેશ બિહારથી પકડાયો

અગાઉના ૭ આરોપીઓ રિમાન્ડ પરઃ તપાસમાં વધુ એક નામ સામે આવતાં ધરપકડ : સિક્કા, લેપટોપ સહિતની ચીજવસ્તુઓ કબ્જે કરવામાં આવીઃ નોકરી વાંચ્છુઓને શોધવામાં હિમાંશુને મદદ કરતો'તોઃ ૧૪ દિવસના રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો

રાજકોટ તા. ૭: રેલ્વેમાં નોકરીના નામે નોકરીવાંચ્છુઓ પાસેથી ૧૫-૧૫ લાખ સેટીંગના અને ૨૮ હજાર પીડીએફ ફાઇલીંગ સહિત ડોકયુમેન્ટ ચાર્જ પેટે ઉઘરાવી લઇ નોકરી વાંચ્છુઓને રેલ્વેનો બોગસ કોલ લેટર આપી લખનોૈ રેલ્વે સ્ટેશન પાસે ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ સેન્ટરમાં લઇ જઇ ૬૮ લાખની ઠગાઇ કરવાનાઆંતરરાજ્ય કોૈભાંડમાં ઝડપાયેલા યુપી, જામનગર, અમદાવાદ અને નર્મદા જીલ્લાના ૭ શખ્સો છઠ્ઠી સુધી રિમાન્ડ પર હોઇ તેની વિશેષ પુછતાછમાં સુત્રધારના વધુ એક સાગ્રીતનું નામ સામે આવતાં બિહારથી તેને ઝડપી લેવાયો છે અને રાજકોટ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

આ કોૈભાંડમાં પકડાયેલા છ આરોપીઓ હિમાંશુ ઉદયભાણ પાંડે (ઉ.વ.૩૨-રહે. અલકનંદા એન્કલાવ, અવધ શિલ્પ રામ સોસાયટલ પાસે લખનોૈ યુ. પી.), શશીપ્રસાદ ઉર્ફ અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા (ઉ.વ.૧૯-રહે. ગાજીપુરમ કારા લખનોૈ, મુળ દરગાહપુર નવાડીહ રોહતાસ બિહાર), સુરજ રમેશ મોૈર્ય (ઉ.વ.૨૦-રહે. પારાગાવ રામજીપુરમ લખનોૈ) તથા અમદાવાદના સેલા ગામના કલ્પેશ પ્રભુદાસ શેઠ તેમજ જામનગરના ફલ્લાના શૈલેષ ઉર્ફ સેટીંગ મનસુખભાઇ દલસાણીયા તથા નર્મદાના નાદોલ તાબેના રાજપીપળાના ઇકબાલઅહેમદ ઉર્ફ મુન્નો અબ્દુલકરીમ ખત્રી તથા તાલિમ સેન્ટર માટે જગ્યા ભાડે આપનાર લખનોૈના પીપરસંડ ગામ અલીનગર જયપુરીયા સ્કૂલ પાસે રહેતાં અટલ મદનગોપાલ ત્રિપાઠી (ઉ.વ.૩૩)ને પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં આ તમામ રિમાન્ડ પર છે.

અગાઉ મુખ્ય સુત્રધાર હિમાંશુના લખનોૈ ખાતેના ઘરે જડતી કરતાં ૭ લાખની રોકડ મળતાં કબ્જે કરી હતી. આ બધાએ ભેગા મળી બે મહિનામાં જેટલા નોકરીવાંચ્છુઓ ફસાય એટલાને ફસાવી લઇ રૂપિયા એકઠા કરી લઇ બાદમાં તાલિમ સેન્ટર બંધ કરી કોૈભાંડનો સંકેલો કરી લેવાનો પ્લાન ઘડ્યો હતો. પરંતુ એ પહેલા જ રાજકોટ પોલીસને આ કાવત્રાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી ગઇ હતી.

હવે હિમાંશુને ગુનામાં મદદ કરનાર આરા ભોજપુર જીલ્લાના બિહીયા તાબેના સેન્ડોર ગામના રાકેશ ઉર્ફ અંકુશ ઉર્ફ રાહુલ નાનહક ભગત (ઉ.વ.૨૩)ને બિહારથી પકડી લઇ સાસારામ કોર્ટમાંથી ટ્રાન્જીટ રિમાન્ડ મેળવી રાજકોટ લાવવામાં આવ્યો છે અને બપોરે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ જયુભા પરમાર, દિગુભા જાડેજા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા,   પુષ્પરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ અને અનિલસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે. રેલ્વેમાં નોકરીના નામે આ ટોળકીએ ગુજરાત-રાજકોટ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, વેસ્ટ બેંગાલ, બિહાર, યુપી સીહતના રાજ્યોના નોકરીવાંચ્છુઓને ફસાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

(4:17 pm IST)