Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજકોટમાં તાબડતોબ એન્ટીજન કીટ મંગાવાઈ : પ૦ ધન્વંતરી રથ ચાલુ કરવા તજવીજ

શહેરમાં કોરોનાની બેફામ સ્થિતિ કાબુમાં લેવા તંત્રનો અથાગ પ્રયત્નો : આરોગ્ય કેન્દ્રો-ટેસ્ટીંગ બુથ પર લોકોનાં ટોળા : લોકો સ્વયં કાળજી રાખે તેવી ઉદિત અગ્રવાલની અપીલ : ૧૦૪ ની સેવા ૧ કલાકમાં મળે છે

રાજકોટ, તા. ૭ :. જાહેરમાં કોરોનાની સ્થિતિ બેફામ બની છે ત્યારે મનપાના આરોગ્ય કેન્દ્રો અને ટેસ્ટીંગ બુથ ઉપર સેંકડો લોકો ટેસ્ટીંગ માટે ઉમટી પડતા હોય બધી જ જગ્યાએ એન્ટીજન ટેસ્ટીંગ કીટની અછત સર્જાય છે. જો કે આ અછતને પહોંચી વળવા મનપા દ્વારા રાજ્ય સરકારમાંથી નવી ૨૫૦૦૦ એન્ટીજન કીટ તાબડતોબ મંગાવાય છે. ઉપરાંત મનપા પોતે પણ સરકારની ગ્રાન્ટમાંથી નવી એન્ટીજન કીટ ખરીદી અને કોરોના ટેસ્ટ માટે પ્રયાસો કરી રહ્યુ છે.

મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે ઘણા લોકો કોઈપણ જાતની તકલીફ ન હોવા છતા ટેસ્ટીંગ કરાવી રહ્યા છે. જેના કારણે તંત્રએ ટેસ્ટીંગ પર લગામ કસવી પડી છે ત્યારે લોકો ખોટા ટેસ્ટીંગ માટે ન આવે જેથી જે ખરેખર ટેસ્ટીંગની જરૂરીયાતવાળા લોકો છે તેનુ ટેસ્ટીંગ થઈ શકે. હાલમાં કીટની અછત નિવારવા નવી એન્ટીજન કીટો મંગાવાય રહી છે.

આ ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે ૪૮ ધનવન્તરી રથ તથા ૩૬ આરોગ્ય રથની સેવા સતત ચાલુ છે તેમજ વધુ ૫૦ જેટલા ધવન્તરી રથ શરૂ કરવા તજવીજ હાથ ધરાય છે. તેવી જ રીતે ૧૦૪ એમ્બ્યુલન્સની સેવા ચાલુ છે. ૧ કલાકની સમય મર્યાદામાં જ આ સેવા દર્દીને મળી રહેશે માટે કોઈએ ખોટો ઉહાપોહ કર્યા વગર ધીરજ રાખી અને ૧૦૪ની સેવા લેવી જોઈએ કેમ કે આ સેવા કારગત નિવડેલ છે ત્યારે નગરજનો આ બાબતે તંત્રને સહયોગી થાય તે જરૂરી છે.

અંતમાં શ્રી અગ્રવાલે અપીલ કરતા જણાવેલ છે કે વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ વધારે પ્રમાણમાં છે ત્યારે કોઈએ જરૂરી કામ વગર બહાર નિકળવુ ન જોઈએ અને બહાર નિકળવુ પડે તો માસ્ક ફરજીયાતપણે પહેરી રાખવુ જોઈએ.

  • તંત્રને પડયા પર પાટુ...આરોગ્ય કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થવા લાગતા સ્ટાફની ભારે અછત

રાજકોટઃ. શહેરમાં કોરોના બેફામ બન્યો છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. જેના કારણે હવે મનપા નવા ટેસ્ટીંગ બુથ શરૂ કરવા કે આરોગ્યની અન્ય સેવાઓ સુદ્રઢ બનાવવામાં લાચાર બન્યુ છે કેમ કે હવે આરોગ્ય કર્મચારીઓની જબરી અછત સર્જાઈ છે અને હાલમાં જેટલા કર્મચારીઓ છે તેની સુરક્ષા સાથે આરોગ્ય સેવાઓ ચાલુ રહે તે જોવુ પડે તેમ છે અન્યથા આરોગ્યની મહત્વની સેવા ઠપ્પ થઈ જાય તેવી ગંભીર સ્થિતિ ઉભી થયાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

  • મનપાના અધિકારીઓ-કર્મચારીઓની તમામ પ્રકારની રજા રદ્દ કરતા કમિશ્નર

રાજકોટઃ. નોવેલ કોરોના (કોવિડ-૧૯) વાયરસ કે જેને વુ (ડબલ્યુએચઓ) દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરવામાં આવેલ છે. હાલની નોવેલ કોરોના (કોવીડ-૧૯) વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોવેલ કોરોના (કોવીડ-૧૯) વાયરસને નિયંત્રણ કરવા તેમજ તેને સંલગ્ન વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેમા રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ-કર્મચારીઓની આ કામગીરી માટે જરૂરીયાત રહે છે.

જેથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ-કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ આ પરિપત્રથી રદ કરવામાં આવે છે તેમજ પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થવાનું રહેશે.

આ પરિપત્ર અગાઉ કોઈ અધિકારી-કર્મચારી રજા મંજુરી મેળવી પોતાની ફરજ પર હાજર ન હોય તો તેવા અધિકારીઓ-કર્મચારીઓની રજા પણ આ પરિપત્રથી રદ કરવામાં આવે છે તેમજ પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થવાનુ રહેશે.

(3:38 pm IST)