Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પુષ્કરધામ રોડ પર બનશે ખાણીપીણી બજાર ભકિતનગર સર્કલે હોકર્સ ઝોન

વોર્ડ નં. ૩માં મોરબી રોડ બાયપાસ રોડથી એઇમ્સને જોડતો ડી.પી. રોડ ૧૩ કરોડના ખર્ચે બનશે : કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટિમાં ૩૪ દરખાસ્તોને લીલીઝંડી આપશે ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ તા. ૭ : મ.ન.પા. દ્વારા પુષ્કરધામ મેઇન રોડ ઉપર ખાણીપીણી બજાર બનાવવા સહિત ૩૪ દરખાસ્તો અંગે આવતીકાલે સવારે ૧૧ વાગ્યે યોજાનાર સ્ટેન્ડીંગ કમિટિમાં નિર્ણયો લેવાનાર છે.

આ અંગે સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ રજૂ થયેલ દરખાસ્તમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૧૦માં પુષ્કરધામ મેઇન રોડ પર હોકર્સ ઝોન બાજુમાં ૬૪૬ ચો.મી.ના પ્લોટ ફૂડ ઝોન (ખાણી-પીણી બજાર) માટેનો કોન્ટ્રાકટ શ્રી રામ ગૃહ ઉદ્યોગને વાર્ષિક ૨૧,૨૧,૧૧૧ના ભાડેથી આપવા દરખાસ્ત છે.

જ્યારે સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં. ૩માં મોરબી બાયપાસ રોડથી રૂડા આર.એમ.સી. બાઉન્ડ્રી સુધી એઇમ્સ હોસ્પિટલને જોડતો ૩૦.૦૦ મી. ડી.પી. રોડને બનાવવાના કામે રૂ. ૧૩,૬૯,૩૪,૦૦૦નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામમાં આશરે ૨૪૦૦.૦૦ ચો.મી. લંબાઇમાં રસ્તા પર ક્રસ્ટ ડીઝાઇન મુજબ જરૂરી ખોદાણ કરીને મોરમ ફીલીંગ કરીને ડામર કાર્પેટીંગ કામનો સમાવેશ થયેલ છે.

ઉપરોકત વિગતે (એલ-૧) બીડરશ્રી પવન કન્સ્ટ્રકશન કાું. દ્વારા ૩૫.૧૦% ઓછા ભાવ રજુ થયેલ છે. જે વ્યાજબી હોય, એડી. સિટી એન્જીનિયરશ્રીના અભિપ્રાય અનુસાર મંજુર કરવામાં આવેલ છે. અને આ કામનું એસ્ટીમેન્ટ રૂ. ૧૩,૬૯,૩૪,૦૦૦નું હોય બીડરના ૩૫.૧૦% ઓછા ભાવ આવતા એકંદરે રૂ. ૮,૮૮,૭૦,૧૬૬ની ખર્ચ મર્યાદામાં કામ કરવાનું થશે.

આ ઉપરાંત નવા ૪ બ્રીજ બને છે તેના થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનનો ખર્ચ મટીરિયલ ખરીદીના ૦.૪૫ ટકા તથા પ્રોજેકટ ખર્ચના ૦.૭૦ ટકા લેખે ડેલ્ફ એન્જીનિયર્સ તથા જીંદાલ્સ કન્સલ્ટીંગ એજન્સીને ચૂકવવા અંગે તેમજ કાલાવડ રોડ પ્રેમ મંદિર સામે ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનના ફૂડ કોર્ટનું સંચાલન સોંપવા, કર્મચારીઓને તબીબી સહાય તેમજ રોડ - રસ્તા, પેવિંગ બ્લોક સહિત કુલ ૩૪ દરખાસ્તોનો નિર્ણય લેવાશે.

(3:15 pm IST)