Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સાંજે ૮ વાગે ઘરમાં પહોંચી જજોઃકર્ફયુનો કડક અમલ કરાવવા માટે પોલીસ તૈયાર

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનલોક-૧૧ અને કર્ફયુના જાહેરનામામાં ફેરફાર કર્યો : લોકોએ આ સમયમાં બહાર નીકળવું નહિ, કોઇપણ માર્ગ, રાહદારી રસ્તાઓ, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તેમજ જાહેર જગ્યાએ ઉભા રહેવું નહિ, રખડવું નહિ કે પગપાળા અથવા વાહન મારફત હરવું ફરવું નહિ

રાજકોટ તા. ૭: કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે રાજ્યના અન્ય ત્રણ  મહાનગરોની જેમ રાજકોટમાં પણ રાત્રી કર્ફયુનો સમય ગત તા.૧/૪થી એક કલાક વધારી દેવામાં આવ્યો હોઇ રાતના ૧૦ના બદલે રાતના ૯થી સવારના ૬ સુધી કર્ફયુ અમલમાં મુકાયો હતો. તે સાથે અનલોક-૧૧નું જાહેરનામુ પણ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે બહાર પાડ્યું હતું. પરંતુ કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી જતાં ગઇકાલે રાજ્ય સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. હાઇકોર્ટના સુચન અંતર્ગત સરકારે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના ૨૦ શહેરોમાં રાત્રી કર્ફયુ આગામી ૩૦/૪ સુધી અમલી બનાવ્યો છે. નવા નિયમો અનુસાર આજ તા. ૭થી કર્ફયુનો સમય રાતના ૯ને બદલે સાંજના ૮નો કરાયો છે. આજથી જ નવા નિયમ મુજબ કર્ફયુનો કડક અમલ પોલીસ કરાવશે. લોકોને સાંજના ૮ સુધીમાં ઘરે પહોંચી જવું જરૂરી છે. અન્યથા પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડે તેમ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અનલોક-૧૧ અને કર્ફયુના જાહેરનામામાં આજે સુધારો કર્યો છે. તે મુજબ ૭/૪ થી ૩૦/૪ સુધી દરરોજ સાંજના ૦૮:૦૦થી સવારના ૦૬:૦૦ સુધી શહેરમાં કર્ફયુ અમલી રહેશે. આ કારણે લોકોએ આ સમયમાં બહાર નીકળવું નહિ, કોઇપણ માર્ગ, રાહદારી રસ્તાઓ, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તેમજ જાહેર જગ્યાએ ઉભા રહેવું નહિ, રખડવું નહિ કે પગપાળા અથવા વાહન મારફત હરવું ફરવું નહિ.

૧૦/૪થી ૩૦/૪ સુધી લગ્ન-સત્કાર સમારંભોમાં બંધ કે ખુલ્લી જગ્યામાં ૧૦૦થી વધુ લોકોને એકઠા કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધીત નિયમો અને માર્ગદર્શક સુચનાઓ યથાવત રહેશે. રાજકીય, સામાજીક અને અન્ય મેડાવડાઓ ઉપર પણ આ દિવસોમાં સંપુર્ણ પ્રતિબંધ રહેશે. કોઇપણ સંમેલનમાં ૫૦થી વધુ લોકો એકત્ર થઇ શકશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંધીત સુચનાઓ યથાવત રહેશે. ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે. અગાઉ બહાર પાડવામાં આવેલી સુચનાઓનું કડક પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનાર સામે આઇપીસી ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ મુજબ કાર્યવાહી થશે. અગાઉના જાહેરનામા મુજબ જેને આ જાહેરનામામાંથી અપવાદમાં રખાયા છે તે યથાવત રહેશે.

કર્ફયુના સમયગાળામાં માત્ર મહિલા કોલેજ અન્ડર બ્રિજ એક જ ખુલો રહેશે. એ સિવાયના તમામ અન્ડર બ્રિજ બંધ રહેશે. તેમજ કૈસરે-હિન્દ-પુલ સિવાયના તમામ પુલ પણ બંધ રહેશે. આજ સાંજના ૮થી કર્ફયુનો અમલ શરૂ થશે અને ૩૦મી એપ્રિલ સુધી યથાવત રહેશે.

(3:14 pm IST)