Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજે ૨૪ મોત : રાજકોટમાં બપોર સુધીમાં અ...ધ...ધ ૧૮૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૧૯ પૈકી એક કોવીડ ડેથ થયુઃ શહેરનો કુલ આંક ૨૦,૭૮૭ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૮૦૨ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૧.૨૪ ટકા થયો

 રાજકોટ તા. ૭: શહેર - જિલ્લામાં કોરોના ફરી હાહાકાર મચાવી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસ અને મૃત્યુનો આંક વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૨૪નાં મૃત્યુ થયા છે. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૮૦ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૬નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૭નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨૪ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૧૯ પૈકી બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૩૯૩   બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૩૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૨૪ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં ૧૮૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૮૦ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૦,૭૮૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૮,૮૦૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૮,૪૭૦ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૨૧કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૩.૭૯ ટકા થયો  હતો. જયારે ૧૫૩ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૧૯,૪૫૩ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૦,૭૮૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૬ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૧૬૩૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:15 pm IST)