Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના નવનિયુકત હોદેદારોની ઘોષણા

તંદુરસ્ત-પ્રસન્ન સમાજ અભિયાન શરૂ થશેઃ ડો. કમાણી-ડો. ગોંડલિયા

લોકો બિમાર ન પડે, તનમનથી સક્ષમ બને, સંયુકત પરિવારની ભાવના દ્રઢ બને, મેદાની રમતો વિકસે તેવા પ્રયાસો થશેઃ વિવિધ કેમ્પ-સેમીનારોના આયોજન થશે

ઈન્ડિયન મેડિકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ્લ કમાણી (મો. ૯૯૧૩૫ ૯૯૬૯૯) તથા સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલિયા (મો. ૯૫૫૮૮ ૦૦૩૯૯) નજરે પડે છે

રાજકોટ, તા. ૫ :. વર્તમાન જીવનશૈલી અને અમુક વ્યસનોના કારણે સમાજમાં વિવિધ રોગનું પ્રમાણ વધ્યુ છે ત્યારે તબીબીના સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા નવી પહેલ કરી લોકો રોગમાં સપડાય જ નહીં અને શારીરિક-માનસિક રીતે તંદુરસ્ત બને એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. તબીબો સહિત સમસ્ત સમાજ તન-મનથી સદા પ્રફુલીત રહે અને બધામાં પારીવારિક ભાવના દ્રઢ બને, સંયુકત પરિવારો વધે અને લોકો પરિવારના સભ્યોની હુંફથી સુખ-શાંતિનો અનુભવ કરે એ માટે અમો પ્રયત્નશીલ રહીશું એવું ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવનિયુકત પ્રમુખ અને જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી અને સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયુ છે. લોકો માંદા જ ન પડે અને સ્વસ્થ - તંદુરસ્ત સમાજની રચના થાય એવા ઉમદા હેતુ સાથે અમારી ટીમ સતત કાર્યરત રહેશે અને સાથે સાથે રોગમાં સપડાશે તો તેમના માટે ઉત્તમ સારવાર કરવાની અમારી ફરજ પણ બજાવીશું. તંદુરસ્તી એ જ આપણી સંપત્તિ છે એવુ લોકો સમજે એ જરૂરી છે.

પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું છે કે હાલના સમયમાં લોકો સતત તાણ હેઠળ જીવતા હોય છે, અનિયમીત જીવનશૈલી અને વ્યસનોના કારણે લોકો અનેક રોગમાં સપડાતા હોય છે. એક અભ્યાસ મુજબ મોટાભાગના રોગને લોકો સામેથી આમંત્રણ આપતા હોય છે. અનિયમીત અને આળસુ જીવન, ખાન-પાનમાં બેદરકારી, તમાકુ, દારૂ, સિગારેટ વગેરે જેવા વ્યસનના કારણે મોટાભાગના રોગ આવતા હોય છે. લોકો જાણતા હોવા છતાં બેદરકાર રહી વિવિધ રોગ જેવા કે મેદસ્વીતા, ડાયાબીટીસ, બી.પી., કોલેસ્ટરોલ, હૃદયરોગ, કેન્સર, કિડનીના રોગને આમંત્રે છે અને પરિવારની એક વ્યકિતની ભુલ આખા પરિવારે સહન કરવી પડતી હોય છે. અનેક કિસ્સામાં પરિવારની મુખ્ય કમાનાર વ્યકિત આવા ગંભીર રોગમાં સપડાય અને એના પરિણામે આખો પરિવાર બરબાદ થતો હોવાનું આપણે સમાજમાં જોતા હોય છીએ. આવી પરિસ્થિતિમાં અમે તબીબો દર્દીની શકય એટલી સારી સારવાર કરવાનો પ્રયાસ કરતા જ કોઈએ છીએ પણ ઈન્ડીયન મેડીકલ એસોસીએશનના તબીબોએ તબીબ તરીકેની જવાબદારી નિભાવવા સાથે સમાજ પ્રત્યેની પોતાની ફરજ સમજી આવા રોગમાં ફસાતા લોકોને બચાવી શકાય એ માટે લોકજાગૃતિ અભિયાન હાથ ધરવાનુ નક્કી કર્યુ છે. લોકોની બિમારી એ જ તબીબ માટે આવકનુ સાધન છે પણ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે લોકો બિમાર ન પડે, રોગમુકત સમાજની રચના થાય અને બધા સુખશાંતિથી રહે. આ માટે આ વર્ષે અમે તબીબો સાથે ધર્મગુરૂઓનું સંકલન કરી સમાજને ટેન્શન મુકત, વ્યસનમુકત કરવા વિવિધ સેમીનારો કરવાના છીએ. ગત વર્ષની અમારી ટીમ દ્વારા વિવિધ રોગ વિશે લોકજાગૃતિ માટે લાઈવ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જે આગામી વરસે પણ ચાલુ જ રહેશે અને લોકોના મનમાં ઉઠતા સવાલોનં શકય એટલા સંતોષકારક માર્ગદર્શન આપતા રહીશું.

તેમના જણાવ્યા અનુસાર તંદુરસ્ત સમાજની રચના સાથે તબીબો પણ તંદુરસ્ત રહે એ માટે ખાસ રમત-ગમત ક્ષેત્રે તબીબો માટે વિવિધ આયોજન કરવામાં આવશે. કોરોના કાળમાંથી આપણે મુકત થઈએ અને જો સામાન્ય પરિસ્થિતિ થઈ જશે તો તબીબી જગતના ઈતિહાસમાં પ્રથમ વખત એવા તબીબો માટેના ખાસ ઓલમ્પીકનું આયોજન રાજકોટ ખાતે કરવાની અમારી ઈચ્છા છે. જેમાં ગુજરાતભરના તબીબો માટે ઈન્ડોર-આઉટડોર રમતોની રાજ્યકક્ષાની સ્પર્ધા રાખવામાં આવશે. ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટ બોલ, સાયકલીંગ, મોટર રેસ વગેરે ઈન્ડોર - આઉટડોર ગેઈમ માટે રાજ્યકક્ષાના આ ઓલમ્પીક દ્વારા તબીબોમાં રમતગમત પ્રત્યે આકર્ષણ ઉભુ કરવા સાથે તબીબો પણ તંદુરસ્ત રહે એ ભાવના છે.

આ ઉપરાંત સમાજ સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુકિત માટેના કેમ્પ, વિવિધ સમાજના સંગઠનો સાથે સેમીનાર, કોલેજ સહિત શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી યુવા વર્ગને વિવિધ રોગ વિશે જાગૃત કરતા સેમીનાર વગેરેનું આયોજન કરવામાં આવશે. રેસકોર્ષ સ્થિત આઈ.એમ.એ. ગાર્ડનને પુનઃ ધબકતો કરવામાં આવશે.

ઈન્ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષના હોદેદારોમાં પ્રમુખ તરીકે જાણીતા ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી તરીકે જાણીતા રેડીયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોેંડલીયા, આઈ.પી.પી. ડો. જય ધીરવાણી, પ્રેસીડન્ટ ઈલેકટ ડો. સંજય ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પારસ ડી. શાહ, એડિટર ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. વિપુલ અઘેરા, જોઈન્ટ ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઈન્ટ સેક્રેટરી ડો. વિમલ સરાડવા, ડો. બિરજુ મોરીની નિમણૂંક કરવામાં આવી છે. એકઝીકયુટીવ કમિટીમાં ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા, ડો. પિયુષ ઉનડકટ, ડો. રૂપેશ મહેતા, ડો. મમતાબેન લીંબાસીયા, ડો. મનિષાબેન પટેલ, ડો. હેતલ વડેરા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. દર્શન સુરેજા, યંગ એકઝીકયુટીવ તરીકે ડો. સંજય ટીલાળા, ડો. પરીન કંટેસરીયા, ડો. તુષાર પટેલ, ડો. રાજન રામાણી, ડો. જીજ્ઞેશ ભિમાણી, ડો. પ્રિયંકાબેન સુતરીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ચિંતન કણસાગરા, ડો. રાજેશ રામ, ડો. ચિરાગ બરોચીયા અને નિકેત દોમડીયાની વરણી કરવામાં આવી છે. કો. ઓપ્ટ મેમ્બર તરીકે ડો. રાજેશ સાકરીયા, ડો. ડેનિસ આરદેસણા, ડો. ઝલક ઉપાધ્યાય, ડો. મિલન રોકડ અને ડો. આઝાદ ગુપ્તા, એડિટોરીયલ બોર્ડમાં ડો. વિમલ હેમાણી, ડો. સેજુલ અંટાળા, ડો. જીતેન્દ્ર પટેલ, ડો. કૃપાલ પુજારા, ડો. વિરલ જેઠવાની નિમણૂક કરવામાં આવી છે. એફ.પી.એ. મેમ્બર તરીકે ડો. વી.બી. કાસુંદ્રા, ડો. કે.એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. ભરત ચાવડા અને ડો. કીરીટ કાનાણીની નિમણૂક કરવામાં આવી છે. આઈ.એમ.એ. મહિલા વિંગના પ્રમુખ તરીકે ડો. સ્વાતીબેન પોપટ અને સેક્રેટરી તરીકે ડો. વૃન્દા અગ્રાવત સેવા આપે છે.

આઈ.એમ.એ. રાજકોટની નવનિયુકત ટીમને આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. રશ્મી ઉપાધ્યાય, પેટ્રન ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે. શાહ, ડો. પ્રકાશ મોઢા અને ડો. સુશિલ કારીયા, એડવાઈઝરી બોર્ડના ડો. અતુલ પંડયા, ડો. ભરત કાકડીયા, ડો. ભાવિન કોઠારી, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી ઉપરાંત જાણીતા તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. કાંત જોગાણી, ડો. ચેતન લાલસેતા, ડો. નિતીન લાલ, ડો. યજ્ઞેશ પોપટ, ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે સહિત તબીબી અગ્રણીઓ અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

  • મહામારીમાં પારિવારિક મનોબળ મજબૂત રાખો

ડો. કમાણીના જણાવ્યા અનુસાર વર્તમાન કોરોના મહામારીમાં છેલ્લા એક વર્ષ જેવા સમયથી સતત લોકો ભયના વાતાવરણમાં જીવે છે, હાલ કોરોનાનો ભરડો વધુ ભયંકર બન્યો છે. આ વખતેના ટ્રેન્ડમાં નાના બાળકોથી લઈ પરિવારના વડીલો સુધીના આખા પરિવારો કોરોના સંક્રમિત થતા હોવાનું દેખાય છે ત્યારે લોકો માનસિક રીતે મજબુત બને એ જરૂરી છે. માસ્ક, સેનેટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સીંગના નિયમોનું પુરા મનથી પાલન કરી કોરોના સાથે જીવતા આપણે શિખવુ પડશે. કોરોના નવા નવા સ્વરૂપ દેખાડી રહ્યો છે પણ તબીબો પણ કોરોનાની સંપૂર્ણ સારવાર માટે સજ્જ છે એટલે લોકોને ગભરાવાની જરૂર નથી, લોકો ફકત ખુદ સાવચેત રહે અને પરિવાર, સમાજને સાવચેત રાખે એ જરૂરી છે. કોરોનાના કારણે દર્દી અને તેના પરિવારના લોકો માનસિક રીતે ભાંગી પડતા હોવાનું અનેક કેસમાં સામે આવ્યુ છે. આવા સમયે અમે તબીબો દર્દીની સારવાર તો કરીએ જ છીએ સાથે સાથે દર્દી અને પરિવારનું મનોબળ મજબુત બને એ માટે ધર્મગુરૂઓ સાથે સંકલન કરી લાઈવ સેમીનારોનું આયોજન હાથ ધરવામાં આવશે. કોરોનાની સારવારથી કોઈ વંચિત ન રહે એ માટે અમારી ટીમ સરકારી તંત્ર સાથે સતત ખડેપગે હાજર છે અને બનતા તમામ પ્રયાસો કરી લોકોને સારામાં સારી સારવાર આપવા અમે કટીબદ્ધ છીએ. સરકાર દ્વારા કોરોના વેકસીનેશન કરવામાં આવી રહ્યુ છે તેનો વ્યાપ વધે અને વધુને વધુ લોકોને કોરોના વેકસીન આપી શકાય એ માટે પણ અમારા પ્રયાસો રહેશે. લોકો કોરોના સંક્રમીત બને જ નહી એ માટે અમો સતત જાગૃતિના પ્રયાસો કરતા રહીશું અને છતાં પણ કોઈ કોરોનાના સંક્રમણનો ભોગ બનશે તો સારવાર માટે તબીબો ખડેપગે રહેશે. કોરોના સામે પણ આપણે સતત લડતા રહીશું અને તંત્રની સાથે રહી જરૂરી તમામ મદદ કરીશું.

ઈન્ડીયન મેડીકલ એસો.ના સેક્રેટરી જાણીતા રેડીયોલોજીસ્ટ ડો. દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યુ છે કે, અમે આ વરસે તબીબી વ્યવસાયથી ઉપર ઉઠી સમાજમાં સંયુકત પરિવારની ભાવના વધુ વિકસે એવા પ્રયાસો કરવાના છીએ. આપણે જોઈએ છીએ કે અત્યારે વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે જે સમાજ માટે કલંક સમાન છે, જનરેશન ગેઈપના કારણે મા-બાપ અને બાળકો વચ્ચે મતભેદો થતા જોવા મળે છે. આ સમસ્યા સામાજીક રીતે વધતી જતી હોય એવા સમયે અમે બાળકો અને તમામ ઉંમરના મહિલાઓ, પુરૂષો માટે વિવિધ સેમીનારો ગોઠવી નાની નાની ગેરસમજના કારણે ઉભા થતા મોટાપ્રશ્નો ટાળવા પ્રયાસ કરશું. આપણા વડીલો પાસે આપણે સાંભળતા આવ્યા છીએ કે અગાઉના જમાનામાં સંયુકત પરિવારો હતા, મોટા પરિવારો હતા ત્યારે પરિવારના સભ્યો એકબીજાના સહારે અનેક મુશ્કેલીનો સામનો આસાનીથી કરી શકતા હતા. હવે પરિવાર નાના થતા જાય છે ત્યારે મા-બાપ અને સંતાનો સાથે રહે તો પણ એકબીજાને હુંફ આપી શકે છે. નાના બાળક સાથે તેના મા-બાપ અને દાદા-દાદી એમ ત્રણ પેઢી હળીમળીને કિલ્લોલ કરતી હોય એવા પરિવાર વધશે તો તેની અસર જે તે પરિવારના સ્વાસ્થ્ય પર જ પડશે. જે પરિવારના તમામ સદસ્યો હળીમળીને ધીગામસ્તી સાથે જીવતા હોય ત્યાં ટેન્શનના કારણે થતા રોગ ઓછા જોવા મળે છે. ધર્મગુરૂઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરે સાથે લાઈવ સેમીનારોનું નિયમીત આયોજન કરી લોકોને પરિવારીક ભાવના વધુ મજબુત બને એ માટે સમજાવશું. તબીબો દ્વારા આ પ્રકારે કદાચ પ્રથમ પ્રયાસ કરી રહ્યા છીએ જેમા સમાજનો સાથ મળશે એવી આશા છે.

(11:31 am IST)