Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાકાળે આઇસ્ક્રીમ ઉદ્યોગની કેડ ભાંગી નાખી

બે વર્ષ પહેલા રાજકોટમાં રોજ ૧૦ થી ૧૫ લાખનો આઇસ્ક્રીમ ખવાતો : હવે ધંધો ચોપટ

રાત્રી કર્ફયુના ગ્રહણથી ધંધો ત્રીજા ભાગનો થઇ ગયો : સીઝન નિષ્ફળ જવાનો ભય

રાજકોટ, તા. ૭ : આકરા ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. સવારથી તીવ્ર તડકો પડી રહ્યો છે. એ કારણે લોકો ટાઢક મેળવવા અધીરા બની જાય છે. આવા સમયે કોલ્ડ્રીંકસ અને આઇક્રીમની માગ વધી જતી હોય છે પણ આ વ્યવસાયને અત્યારે કોરોનાને લીધે માઠી અસર પડી છે. વેપારીઓ કહે છે, ગયા વર્ષે ધંધો સાવ ઠપ હતો. આ વખતે ૩૦-૪૦ ટકા સુધી પહોંચેલું ટર્નઓવર હવે નાઇટ કર્ફયુ અને ફરીથી વધવા લાગેલા કોરોનાના કેસને લીધે ઘટવા લાગ્યું છે. ગયા વર્ષની ખોટ હવે સરભર થાય તેવી કોઇ શકયતા નહીં હોવાનું વેપારીઓએ કહ્યું હતું.

રાજકોટમાં 'સ્વાદપ્રિય જનતા શહેરમાં રાત્રીના મહાલતી હોય છે. રાત્રે જમ્યા પછી લોકો ટહેલવા જાય ત્યારે આઇસક્રીમ, ઠંડા પીણાં કે શેરડીનો રસ પીતા હોય છે. પણ માગ આ વખતે ઓછી છે. બે વર્ષ પહેલાં રાજકોટમાં રોજ રૂ. ૧૦-૧૫ લાખની કિંમતનો આઈસ્ ક્રીમ ખવાઈ જતો. નાના મોટા કાર્યક્રમો, ધંધા રોજગારના શુભારંભો અને લગ્નોના પ્રસંગોમાં આઈક્રીમ વધુ ખવાતો પણ આ વખતે બધું બંધ છે. પ્રસંગો બંધ કે નહી જેવા છે એટલે આઇક્રીમની માગ નથી. રાત્રે કફર્યુને લીધે વેચાણ થતું નથી. દિવસે ગ્રાહકો આવતા નથી એવું વેપારીઓ કહે છે. આઈક્રીમના ધંધાને ભારે અસર થઇ હોવાનું વેપારીઓ કહે છે. વેપારી આલમે ધંધો ઘટી જવા પાછળ એકમાત્ર રાત્રી કર્ફયુ વિલન બનતું હોવાનું જણાવ્યું હતું. વેપારીઓએ ઉમેર્યું કે એક વર્ષથી કોરોના મહામારીને લીધે ૩૦-૪૦ ટકા ધંધો થઇ ગયો છે. એટલે કે ૫-૬ લાખનો માંડ આઈક્રીમ ઉપડે છે.

શહેરના અમુક વેપારીઓએ નામ નહીં લખવાની શરતે કહ્યું કે લગ્ન પ્રસંગ સહિતના શુભ પ્રસંગો પર બ્રેક લાગી ગઈ છે. વધુ માણસો એકત્ર કરી શકાય તેવા કાર્યક્રમો પણ થઇ શકતા નથી એ કારણે આઈક્રીમની ખપત ઘટી ગઈ છે.

ઉનાળામાં દિવસે ધોમધખતા તડકામાં કોઈ નીકળતું નથી. એટલે મોડી રાત્રી સુધી ધંધા રોજગાર ચાલુ રાખવાથી વકરો કરાય છે. પણ રાત્રી કફર્યુને લીધે હવે ૮ વાગ્યા પહેલાં જ દુકાનો વધાવીને ઘરે ચાલ્યા જવું પડતું હોવાથી રાત્રિનો મહત્વનો ધંધો ગુમાવવો પડે છે.

(10:21 am IST)