Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પેટ્રોલ-ડીઝલના ભાવ તાકીદે કાબુ કરો : તખુભા

જન જાગૃતિ અભિયાન મંચનો મુખ્‍યમંત્રીને પત્ર : આર્થિક ભીસમાં રહેલા લોકોમાં ભાવ વધારાથી તીવ્ર આક્રોશ : ગુજરાતમાં લીટરે રૂા. પ થી ૮ સુધી રાહત આપો

રાજકોટ, તા. રર :  જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને પેટ્રોલ ડીઝલના ભાવમાં તાકીદે રાહત આપવા માંગણી કરી છે.

પત્રમાં જણાવ્‍યું છે કે, આપ સંવેદનશીલ મુખ્‍યમંત્રી તરીકે પ્રજામાં છાપ ધરાવો છો. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલમાં એકધારો ભાવ વધારો થઇ રહેલ છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ રૂા. સો. (૧૦૦) થવા ઉપર છે. ભૂતકાળમાં આંતરરાષ્‍ટ્રીય કે દેશની નબળા અર્થતંત્ર કે અન્‍ય કારણોસર આવો ભાવ વધારો થયેલ નથી. આ ભાવ વધારાથી સમગ્ર પ્રજા ખૂબજ હેરાન, પરેશાન અને સખ્‍ત નારાજ છે. તેમાં પણ ખાસ કરી ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી બની ગઇ છે. નોકરી અને ધંધા માટે વાહન અનિવાર્ય છે. આવક ફીકસ અને નબળી છે. આવા સંજોગોમાં પેટ્રોલ ભાવ વધારાથી તેઓ ખુબ જ મુંઝવણ અને કફોડી સ્‍થિતિમાં મુકાયા છે. જેથી પ્રજા નારાજ અને રોષમાં છે. પટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે જીવન જરૂરીયાતની તમામ ચીજ વસ્‍તુના ભાવ વધવા લાગેલ છે જેના કારણે આમ આદમીનું મંથલી બજેટ વેરણછરણ થઇ ગયેલ છે. તખુભા આગળ લખે છે કે, કોરોનાના કારણે સમાજના તમામ વર્ગના લોકો ખુબ જ આર્થિક ભીંસમાં ફસાયેલા છે. લોક-ડાઉન ઓપન બાદ વેપાર ધંધાની ગાડી સામાન્‍ય ગતીએ પટરી પર ચડેલ છે. આવા સંજોગોમાં આ ભાવ વધારો પ્રજાએ સહન કરવો મુશ્‍કેલ અને કઠીન છે. અસહ્ય ભાવ વધારાથી પ્રજાના તમામ વર્ગમાં ખુબ જ રોષ અને નારજગીમાં સતત વધારો થઇ રહેલ છે. આ નારાજગી અને રોષ ઉગ્ર આંદોલનમાં રૂપાંતર થાય તે પહેલા આ રાજયની સમગ્ર પ્રજાની લાગણી અને માંગણીને લક્ષમાં રાખી આ ભાવ વધારામાં રૂા. પ થી રૂા. ૮ જેટલી રાહત આપવા તાકીદે નિર્ણય કરવા રાજયની સમગ્ર પ્રજા વતી ભારપૂર્વક વિનંતી સહ અપીલ તખુભાએ કરી છે.

(4:13 pm IST)