Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત કોન્વોકેશન કાંડમાં તત્કાલીન કુલપતિ - ઉપકુલપતિ - કુલ સચિવ સહિતના લોકો દોષિત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસના સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયાએ કુલપતિને આપેલ આવેદન

રાજકોટ તા. ૨૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત કોન્વોકેશન હોલના બાંધકામમાં ગેરરીતિ મુદ્દે તાજેતરમાં મળેલી સિન્ડીકેટે બહુમતિથી કરેલા ઠરાવ સામે કોંગ્રેસના સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયાએ વિરોધ નોંધાવી તત્કાલિન કુલપતિ - ઉપકુલપતિ - કુલ સચિવ સહિતના ૭ લોકોને દોષિત ઠેરવી પગલા લેવા માંગ કરી છે.

હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયાએ કુલપતિ ડો. નિતીન પેથાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, સિન્ડીકેટની બેઠકમાં થનાર કોન્વોકેશન હોલના બાંધકામના ખર્ચ માટે જવાબદારી નક્કી કરવા અને જુના બાંધકામ અંગે નિયમ વિરૂધ્ધ થયેલા નિર્ણયો માટે તમામ લોકોની જવાબદારી નક્કી કરી દોષિતો સામે પગલા લેવાનો એજન્ડા હતો.

હરદેવસિંહ જાડેજા અને ધરમ કાંબલિયાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, જાહેર હિસાબ સમિતિ સમક્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવને બદલે અન્ય અધિકારીઓને મોકલીને યુનિવર્સિટી જાહેર હિસાબ સમિતીને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ પણ ભૂતકાળમાં કરી છે. સિન્ડીકેટની બેઠકમાં એજન્ડામાં દર્શાવ્યા મુજબ દોષિતો સામે પગલા લેવા અંગે નિર્ણય કરવાની છે ત્યારે અમારો સ્પષ્ટ અભિપ્રાય છે કે, અમારી દ્રષ્ટિએ તત્કાલિન કુલપતિ, તત્કાલિન ઉપકુલપતિ, તત્કાલિન કુલસચિવ, તત્કાલિન ઇજનેર, આર્કિટેક, તત્કાલિન ચિફ ઓફિસર, તત્કાલિન ઓડીટર લોકોની જવાબદારી નિયત કરી શકાય છે.

(3:55 pm IST)