Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રાત્રે જ ચોરીઓ કરતી ટોળકીને ક્રાઇમ બ્રાંચે દબોચીઃ ૨૨ ગુના ઉકેલાયા

થાનના મોહસીન ઉર્ફ આશીફ, થોરાળાના જહાગીરશા, થાનના સમીર ઉર્ફ સલિમ અને મિતુલને મુદ્દામાલ સાથે પકડી લેવાયાઃ ચારેય મુળ થાનના વતની : બંધ કારખાના, ફાર્મ હાઉસ, દૂકાનોમાં ઘુસી રોકડ સહિતની ચીજવસ્તુઓ ચોરી નજીકમાં જે વાહન પડ્યું હોઇ તે પણ ઉઠાવીને ભાગી જવાની ટેવઃ કામગીરી કરનાર ટીમને ૧૫ હજારનો પુરષ્કાર આપતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : એસીપી જે. એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમના મયુરભાઇ પટેલ, કુલદિપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી સફળતા : ઘઉ, તેલના ડબ્બા, ખાંડ, હળદર, મસાલા, ગેસના ચુલા, બાટલા, પાન-ફાકી પણ ચોરી લેતા'તા

વિગતો આપી રહેલા એસીપી ક્રાઇમ જયદિપસિંહ એચ. સરવૈયા, પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા તથા કામગીરી કરનાર ટીમ અને ઝડપાયેલી તસ્કર ટોળકીના ચારેય સાગ્રીતો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: છેલ્લા પાંચ મહિનામાં રાજકોટ, વાંકાનેર, થાનગઢ, કુવાડવા, ચોટીલા પંથકમાં રાત્રીના સમયે જ બંધ મકાનો, કારખાના, દૂકાનો કે ફાર્મ હાઉસમાં ત્રાટકી તાળા તોડી ચોરીઓ કરતી થાનની ટોળકીના ૪ શખ્સોને શહેર ક્રાઇમ બ્રાંચે દબોચી લઇ ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ટોળકી જ્યાં ચોરી કરે ત્યાં નજીકમાંથી વાહનની ઉઠાંતરી કરવાની પણ ટેવ ધરાવે છે. અત્યાર સુધીમાં ચોરીના ૨૨ ગુના આ ટોળકીએ આચર્યા હોવાની કબુલાત આપી છે. જેમાં છ જેટલા ગુના નોંધાઇ ચુકયા હતાં.

ક્રાઇમ બ્રાંચે થાનગઢ મંગલ ચોક જાલી રોડ પર જુના ભરવાડ વાસ પાસે રહેતાં મોહસીનશા ઉર્ફ આશીફ જુશબશા રાઠોડ (શાહમદાર-ફકીર) (ઉ.વ.૨૫), હાલ થોરાળા રામનગર-૨માં રહેતાં મુળ થાન ભીડભંજન સોસાયટીના જહાગીરશા રહેમાનશા રાઠોડ (ઉ.૩૫), થાન ભીડભંજન સોસાયટીના સમીર ઉર્ફ સલિમ ઉર્ફ શાહરૂખ અલ્લારખાભાઇ શાહમદાર (ઉ.૩૮) તથા થાન વિરાજનગર મેળાના મેદાના પાસે રહેતાં મિતુલ પ્રવિણભાઇ પરમાર (ઉ.૨૧)ને  ભાવનગર રોડ પર રામનગરમાંથી પકડી લીધા છે.

આ ચારેય પાસેથી રોકડા રૂ. ૪૯૫૦, ચાંદીની ત્રણ મુર્તિ, ચાર બાઇક, એક એકટીવા, એક સબ મર્શીબલ પંપ, પાંચ હોર્સપાવરની કુવાની મોટર (દેડકો), છ ગેસના બાટલા, ગ્રાઇન્ડીંગ મશીન ૫, ટેબલ પંખા-૨, ચાલીસ વોલ્ટના એચપીએલ કંપનીના બે લેમ્પ, ગેસનો ચુલો ૧, પ્લાસ્ટીકની કોથળીઓને સિલાઇ કરવાનું મશીન, ગ્રાઇન્ડીંગ વ્હીલ નંગ ૧૯, કટીંગ વ્હીલ-૦૩, પક્કડ ત્રણ નંગ, ફલેકસીબલ પાનુ-૧, ડીસમીસ સેટ-૧, પાના નંગ ૮, નાની કુહાડી-૧, રક્ષા કંપનીનું પાઉચ ૦૧, હાથના મોજા પેકેટ નંગ ૭, એરેડાઇટ ટ્યુબ-૬, વાયર ટેપ-૪ મળી કુલ રૂ. ૧,૪૧,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ચારેય રાત્રીના સમયે બંધ કારખાના, ફાર્મહાઉસ, દૂકાનોના તાળા તોડી ચોરીઓ કરવાની ટેવ ધરાવે છે અને બાદમાં જે તે ચોરીના સ્થળે શેરીમાં વાહન પડ્યું હોય તો તે ચોરી લેવાની ટેવ ધરાવે છે. છેલ્લા પાંચ મહિનામાં આ ટોળકીએ ૨૨ ચોરીના ગુના આચર્યાનું ખુલ્યું છે.

જેમાં ત્રણ મહિના પહેલા થાન રોડ પરથી બાઇક ચોરી, વાંકાનેર દિવાનપરામાંથી બીજુ બાઇક, થાનમાંથી એક બાઇક, ધમલપર-સરધારકા પાસે આવેલી જૈનકો ફેકટરીમાંથી વાહન ચોરી, વીસ દિવસ પહેલા ગવરીદળમાં વરદાન હાર્ડવેરમાંથી ચોરી, ગવરીદળમાંથી વધુ એક સહકાર ઇન્ડસ્ટ્રી પાસેથી વાહન ચોરી, વાંકાનેર પંચાસર રોડ પર સ્વસ્તિક કારખાનામાંથી ચોરી, પાંચ મહિના પહેલા દલડી ગામ પાસેથી કારખાનામાંથી ચોરી, વાંકાનેરના પલાસડી ગામ પાસેથી મોમીન પ્રાથમિક શાળા પાસે મદ્રેસામાંથી ડુંગળી, બટાટા, ઘઉના કટ્ટા, તેલના ડબ્બા, હળદર તેમજ મસાલાની ચોરી કરી હતી!

આશરે ત્રણ મહિના પહેલા ધમલપર સરધારકા ચોકી પાસે મામા સરકાર નામની હોટેલમાંથી ગેસના બાટલા, ફાકીઓ, વેફરના પેકેટ, લુણસરીયા પાસે પાનની કેબીન તોડવાનો પ્રયાસ, પંચાસર રોડ પર છાયા ફિક્રાટેક દૂકાનમાંથી ચોરી, મોરબી વાંકાનેર હાઇવે પર કેબીનમાંથી ખાંડ, તમાકુ, વિમલ ગુટકાની ચોરી, જાલી ગામના પાટીયે રવેચી મોગલ ટી સ્ટોલ પાસેથી ચીચોડાની મોટર અને ખાવાની ચીજવસ્તુઓ, વાંકાનેર ખાતે પંચાસર રોડ પર શ્રીનાથ મીનરલ વોટર નામી દૂકાનમાંથી તમાકુ, દ્રાક્ષની ચોરી, પંચાસર રોડ પરથી શકિત કૃપા નામની દૂકાન પાસેથી ચોરીનો પ્રયાસ, વાંકાનેર મોરબી હાઇવે પર વઘાસીયા ટોલ નાકા પાસે બાબા રામદેવ નામની હોટેલમાંથી તેલના ડબ્બા, ગેસના ચુલા અને બાટલાની ચોરી, ગંજીવાડા નાકે અમરકૃપા હાર્ડવેર નામની દૂકાનમાંથી ચોરી, કુવાડવા રોડ માલીયાસણ પાસે કેબીનમાંથી રોકડા, પંખો, ગેસનો બાટલો, પાન-મસાલાની ચોરી, બેડી ખોરાણા રોડ પર ફાર્મમાંથી મોટરો, ગ્રાઇન્ડરની ચોરી, બેડી ચોકડી-સોખડા તરફ જતાં મહાકાલ મારબલ પાસેથી ગ્રાઇન્ડર મશીન, કટરની ચોરી અને તરઘડીથી આગળ જય દ્વારકાધીશ હોટેલ પાસે કેબીનમાંથી ગેસના બાટલા, પંખાની ચોરીઓ કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદિપસિંહ એચ. સરવૈયાની રાહબરી અને પીઆઇ એચ. એમ. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મયુરભાઇ પટેલ, કોન્સ. કુલદીપસિંહ જાડેજા અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી આ ડિટેકશન થયું હતું. સાથે અમીતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા પણ જોડાયા હતાં. કામગીરી કરનાર ટીમને પોલીસ કમિશનર તરફથી ૧૫ હજારનું પુરષ્કાર અપાયું હતું.

(3:43 pm IST)