Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભગવતીપરામાં પાંચ શખ્સોનો ડેલી ઠેંકી ઘરમાં ઘુસી ટ્રાફિક બ્રિગેડ રવિ અને ભાઇ અમિત પર હુમલોઃ હત્યાનો પ્રયાસ

તું કેમ મને અને મારી પ્રેમિકાને બદનામ કરે છે? કહી પાનની દૂકાને રાતે ૯ વાગ્યે ડખ્ખો કર્યા બાદ ૯:૪૫ કલાકે કાવત્રુ ઘડી તૂટી પડ્યાઃ જીજ્ઞેશ ઉર્ફ જીગો ગાંગડીયાને એક છોકરી સાથે પ્રેમ હોઇ તેના વિશે ટ્રાફિક બ્રિગેડ રવિ લાલુકીયાના ભાઇ અમિત લાલુકીયાએ ખોટી વાતો કર્યાની શંકા રાખી ધમાલ મચાવાઇઃ બી-ડિવીઝન પોલીસે જીગો, શકિલ, જયેશ અને બે અજાણ્યાની શોધખોળ આદરીઃ આજે તો બેમાંથી ગમે તેને પુરો કરી નાંખવો છે...ત્રણ જણે હાકલા પડકારા કરતાં બંને ભાઇઓ બચવા માટે ડેલી બહાર ભાગ્યા તો બે અજાણ્યાએ પકડીને પછાડી દીધા

હીચકારા હુમલામાં ગંભીર ઇજા પામનાર ટ્રફિક બ્રિગેડ રવિ લાલકીયા તથા બાજુમાં તેનો ભાઇ અમિત લાલકીયા નજરે પડે છે

રાજકોટ તા. ૨૯: ભગવતીપરામાં રહેતાં અને ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવતાં રાવળદેવ યુવાન અને તેના ભાઇ પર રાત્રીના ઘરની ડેલી ઠેંકીને આવેલા શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી છરીથી હુમલો કરી ઇજા કરી હત્યાનો પ્રયાસ કરતાં પોલીસે  ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ટ્રાફિક બ્રિગેડના ભાઇએ હુમલાખોર પૈકીના એક શખ્સને શેરીની એક છોકરી સાથે પ્રેમસંબંધ હોઇ તે બાબતે ખોટી વાતો ફેલાવ્યાની શંકા કરી આ હુમલો કર્યાનું બહાર આવ્યું છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ગંભીર ઇજા પામનાર ટ્રાફિક બ્રિગેડ કર્મચારી રવિ વાલજીભાઇ (વાલાભાઇ) લાલુકીયા (રાવળદેવ) (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી ભગવતીપરાના જયેશ, શકિલ રાઉમા અને જીજ્ઞેશ ઉર્ફ જીગો ગોવિંદભાઇ ગાંગડીયા તથા બે અજાણ્યા સામે આઇપીસી ૩૦૭, ૩૨૩, ૫૦૬ (૨), ૪૫૨, ૫૦૪, ૧૨૦ (બી), ૧૩૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

રવિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મુળ વાંકાનેરના કાસીયાગાળા ગામનો વતની છું. હાલમાં ભગવતીપરા શિવમ્ પાર્ક ૨૫ વારીયા કવાર્ટર નં. ૧૦૧ શેરી નં. ૫માં રહુ છું અને ટીઆરબી તરીકે ફરજ બજાવુ છું. હું બે ભાઇમાં નાનો છું. મારા માતાનું નામ શારદાબેન છે. પિતા વાલજીભાઇ મજૂરી કરે છે.

રવિવારે રાતે પોણા દસેક વાગ્યે હું અને મારો ભાઇ તથા માતા, પિતા ઘરે સુતા હતાં ત્યારે એકાએક અમારા ઘરની ડેલી ખખડવાનો અવાજ આવતાં અમે જાગીને જોતાં જયેશ, જીજ્ઞેશ ઉર્ફ જીગો અને શકિલ ડેલી ઠેંકીને અંદર આવેલા દેખાયા હતાં. આ ત્રણેયએ અમને ગાળો દેવાનું શરૂ કર્યુ હતું. તેમજ ઢીકાઅપાટુ મારવા માંડ્યા હતાં. હું ડેલી ખોલી ભાગવા જતાં આ ત્રણેયએ 'આજે આ બે માંથી ગમે તેને પુરો કરી નાંખવો છે, જાનથી મારી નાંખવો છે' તેવું બોલતાં હોઇ હું અને ભાઇ અમિત બંને ડેલી ખોલી બહાર નીકળતાં અને ભાગવા જતાં બીજા બે અજાણ્યા શખ્સો બહાર ઉભા હોઇ તેણે અમને પકડવાની કોશિષ કરતાં હું પડી ગયો હતો. ત્યાં જયેશ અને અજાણ્યાએ મારા પગ પકડી લીધા હતાં. શકિે છરીથી મને ગળા અને માથાના ભાગે મારવા પ્રયાસ કરતાં મેં ડાબો હાથ આડો રાખી દેતાં હાથમાં ગંભીર ઇજા થઇ હતી.

જયેશે નેફામાંથી છરી કાઢી મારા ડાબા ખભા પર ઇજા કરી હતી. આ શખ્સો એકટીવા અને બાઇક લઇને આવ્યા હતાં. લોકો ભેગા થતાં ભાગી ગયા હતાં. મારો મિત્ર હુશેનભાઇ આવી જતાં મને હોસ્પિટલે લઇ ગયા હતાં.  મારા ભાઇ અમિતે વાત કરી હતી કે તેને પણ જીજ્ઞેશ અને અજાણ્યાએ પકડી લઇ લોખંડની મુઠથી માર માર્યો છે.

ઝઘડાનું કારણ એવું છે કે શેરીમાં રહેતી એક છોકરી સાથે જીજ્ઞેશ ઉર્ફ જીગાને પ્રેમસંબંધ હોઇ જીગો આ છોકરીને અગાઉ ખરાબ રીતે બોલાવતો હતો. રવિવારે રાતે નવેક વાગ્યે અમિત ભગવતીપરા પુલ પાસે ફાકી ખાવા મિત્ર હુશેન સાથે ગયો ત્યારે ત્યાં જીજ્ઞેશ ઉર્ફ જીગો પણ ઉભો હોઇ તેણે અમિત સાથે વાત કરી હતી કે તું મને અને છોકરીને ખોટી રીતે બદનામ કેમ કરે છે? ઝઘડો થતાં અમિત અને હુશેન ત્યાંથી નીકળી ગયા હતા઼.

એ પછી રાત્રીના પ્લાન ઘડી જીજ્ઞેશ, શકિલ, જયેશ અને બે અજાણ્યા શખ્સોએ ડેલી ઠેંકી ઘરમાં ઘુસી હુમલો કયો ર્હતો અને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ અમિતે જણાવતાં પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ જે. એ. ખાચર, રાઇટર ચંદ્રસિંહ ઝાલા, ડી. સ્ટાફના વિરમભાઇ ધગલ સહિતની ટીમે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.

છરીના ઘાથી હાથની નસ કપાઇ ગઇ હોઇ ટ્રાફિક બ્રિગેડને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.

(12:57 pm IST)