Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગાંજા મિશ્રીત મનાતી પડીકીઓ શાપરના રંજન રાયએ ઇન્દોરથી મંગાવી'તીઃ ધરપકડ

જય રામનાથ એજન્સીના રાજેશ ભેડાની ધરપકડ બાદ માલવીયાનગર પોલીસે પડીકી મંગાવનાર મુળ ઓરિસ્સાના રંજનને પકડ્યોઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ તા. ૨૯:  આયુર્વેદિક ઓૈષધીના નામે વેંચાતી ગાંજા મિશ્રીત ગોળીઓની કુલ ૮૯૧ પડીકીઓ એસઓજીએ શોધી કાઢી હતી. એ પહેલા તા. ૫/૩ના રોજ ગોંડલ રોડ રાજકમલ પંપ સામે હિમાલયા કોમ્પ્લેક્ષમાં જય રામનાથ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી તરંગ વિજયાવટી આયુર્વેદિક ઓૈષધીની ૫૦૮૦ પડીકી (કિંમત રૂ. ૫૦૮૦)ની નશાકારક ગણી કબ્જે કરી હતી. આ ગોળીઓમાં નશાકારક દ્રવ્યની હાજરી છે કે કેમ? તે ચકાસવા ગાંધીનગર એફએસએલમાં મોકલાઇ હતી. જેનો રિપોર્ટ ગઇકાલે આવ્યો હતો અને તેમાં ગાંજાની હાજરી હોવાનો અભિપ્રાય આવતાં એજન્સી સંચાલક રાજેશ વલ્લભભાઇ ભેડા (ખાંટ) (ઉ.વ.૫૨-રહે. ગીતાનગર-૫, ગોંડલ રોડ પીએનટી કોલોની પાછળ) સામે એનડીપીએસ એકટની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પડીકીઓની સપ્લાય કરનાર મુળ ઓરિસ્સાના નમકના ગામના હાલ શાપર વેરાવળ ભકિતધામ સોસાયટી-૧માં રહેતાં અને પાનની કેબીન ધરાવતાં રંજન ખિતીશચંદ્ર રાય (ઉ.૩૬)ની ધરપકડ કરી છે. ઇન્દોરથી આવી પડીકીઓ લાવીને તે સપ્લાય કરતો હતો. 

એસઓજીએ ત્રણ દિવસ પહેલા દરોડા પાડી ગાંજા મિશ્રીત મનાતી પડીકીઓ પકડી ત્રણ શખ્સોને પકડ્યા હતાં. સોૈથી પહેલા આ પડીકીઓ જેની પાસેથી મળી હતી તે રાજેશ ભેડા સામે ગુનો નોંધી તેની ધરપકડ થયા બાદ પુછતાછમાં તેણે શાપરના રંજન રાયનું નામ આપતાં માલવીયાનગર પોલીસે તેને દબોચી લીધો છે. તે ઇન્દોરથી પડીકીઓ મંગાવી પોતાની પાનની કેબીનમાંથી રાજેશને સપ્લાય કરતો હોવાનું તેણે કબુલ્યું છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, મશરીભાઇ ભેટારીયા, મયુરભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ જાડેજા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ, મહેશભાઇ ચાવડા સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)