Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોબાઇલ ફોનનું વળગણ માસુમ ભાર્ગવને મોત સુધી દોરી ગયું: ફાંસો ખાઇ લીધો

એકના એક ૧૪ વર્ષના લાડકવાયા દિકરાના મોતથી મવડી જયનારાયણ પાકના પટેલ પરિવારમાં કલ્પાંતઃ માત અઢી વાગ્યે પાણી પીવા જાગ્યા ત્યારે દિકરો લટકતો મળ્યો

રાજકોટ તા. ૨૯: મોબાઇલ ફોન વધુ એક છાત્રના મોતનું કારણ બન્યો છે. મવડી બાપા સિતારામ ચોકથી આગળ જયનારાયણ પાર્કમાં રહેતાં અને ધોરણ-૧૦માં ભણતા ભાર્ગવ મનસુખભાઇ સિરોયા (પટેલ) (ઉ.વ.૧૪)એ પંખામાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. માતાએ મોબાઇલ ફોન ન આપતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ જયનારાયણ પાર્ક-૧માં રહેતાં કિરણબેન મનસુખભાઇ સિરોયા (પટેલ) ગઇકાલે મધરાતે અઢી વાગ્યા આસપાસ જાગીને અગાસીએથી નીચે પાણી પીવા આવ્યા ત્યારે લાડકવાયા ભાર્ગવને લટકતો જોતાં ચીસાચીસ કરી મુકી હતી. બીજા પરિવારજનો જાગી જતાં ૧૦૮ બોલાવાઇ હતી. પરંતુ તેના ઇએમટીએ ભાર્ગવને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ભાર્ગવ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા મનસુખભાઇ કાનજીભાઇ સિરોયા (ડાંડ) મુળ ગોંડલના ગુંદાસરાના વતની છે અને રાજકોટમાં કારખાનુ ધરાવે છે. ભાર્ગવના કાકા હિતેષભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે જ ભાર્ગવ ધોરણ-૧૦માં આવ્યો છે. તે ગુરૂકુળમાં ભણે છે. શનિવારે રોંઢે તે રમવા જતો હતો ત્યારે તેણે મોબાઇલ ફોન માંગ્યો હતો. પણ માતાએ તેને મોબાઇલ ફોન આપ્યો નહોતો. એ પછી તે રાતે નિત્યક્રમ મુજબ બધાની સાથે જમ્યો હતો. બધા અગાસીએ સુવા ગયા હતાં. પરંતુ તે હું નીચે સુઇ જાવ છું કહી નીચેના રૂમમાં જતો રહ્યો હતો. રાત્રીના અઢી વાગ્યે તેના મમ્મી પાણી પીવા જાગ્યા ત્યારે ઘટનાની જાણ થઇ હતી. ભાર્ગવને દસમા ધોરણમાં આવ્યો હોવાથી વધુ મોબાઇલનો ઉપયોગ નહિ કરવા સમજાવાયો હતો. પરંતુ છતાં તેનાથી મોબાઇલ ફોનનું વળગણ છુટ્યુ નહોતું. આ વળણગ તેના મોતનું કારણ બન્યું હતું. (૧૪.૧૧)

(2:51 pm IST)