Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકડાઉન ખુલતાં જ હોસ્પિટલમાં ચોર-ગઠીયાઓના આટાફેરા શરૃઃ બે ફોન તફડાવી ભાગતો શખ્સ રંગેહાથ પકડાતાં ધોલધપાટ

રાજકોટઃ કોરોના મહામારીને કારણે લોકડાઉન અમલી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા નહિવત રહેતી હતી. ઇમર્જન્સી સિવાય લગભગ કોઇ લોકો દવા લેવા પણ આવતાં નહોતાં. પરંતુ લોકડાઉન ખુલવાની સાથે જ તમામ ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. તો સાથો સાથ ચોર-ગઠીયા-ઉઠાવગીરોના આંટાફેરા પણ શરૂ થઇ ગયા છે. સિવિલની સિકયુરીટીએ અગાઉ અનેક વખત આવા શખ્સોને પકડીને પોલીસને સોંપ્યા છે. ત્યાં આજે ઓપીડીમાં ત્રીજા માળે એક ઉઠાવગીર દર્દીના સગાનો સ્વાંગ રચીને પહોંચી ગયો હતો અને હોસ્પિટલના જ મહિલા કર્મચારી પ્રવિણાબેન તથા બીજા એક વ્યકિત વિજયભાઇનો મોબાઇલ ફોન નજર ચુકવી બઠ્ઠાવી લીધો હતો. આ શખ્સ   ભાગવા જતો હતો ત્યાં જ રંગહાથ પકડાઇ જતાં લોકોએ તેને બરાબરનો મેથીપાક આપી દીધો હતો. પણ તે ઓયમાડી ઓયબાપા...ના અવાજો કરી બેભાન થવાનું નાટક કરી પડી ગયો હતો. જેના ફોન ચોરાયા હતાં તેને પરત મળી જતાં એમણે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. એ દરમિયાન આ શખ્સ ઉભો થઇ નોૈ દો ગ્યારહ થઇ ગયો હતો. અગાઉ પણ તે આ રીતે પકડાયાની ચર્ચા થતી હતી.

(3:47 pm IST)