Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ યાર્ડમાં વિવિધ ૩૪ જણસીઓની આવકોઃ ૯ કરોડે ટર્ન ઓવર પહોંચ્યું

ઘઉં, ચણા, મગફળી અને કપાસનું ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ વેચાણની કાર્યવાહીઃ અન્ય જણસીઓની દેૈનિક આવકો શરૂ કરાઇ : યાર્ડમાં કામ કરતા ૩ર મજુરો રાજસ્થાનથી પરત ફર્યાઃ લોકલ લેવલે ઇમીટેશનમાં કામ કરતા કારીગરો યાર્ડમાં કામે લાગ્યા

તસ્વીરમાં રાજસ્થાનથી પરત ફરેલ મજુરોનું મેડીકલ ચેકપઅ થઇ રહયું છે તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૨: રાજકોટ યાર્ડમાં આજે લોકડાઉન બાદ પ્રથમ જ વાર વિવિધ  ૩૪ જણસીઓની આવકો થતા યાર્ડનું ટર્નઓવર ૯ કરોડ આસપાસ પહોંચ્યું હતું. યાર્ડમાં ધીમે ધીમે વિવિધ જણસીઓની હરરાજીનો ધમધમાટ ફરી પુર્વવત થઇ રહયો છે.

લોકડાઉનમાં માર્કેટયાર્ડમાંથી મજુરો ચાલ્યા જતા થોડો સમય યાર્ડ બંધ રહયું હતું. ત્યાર બાદ રાજય સરકારની સુચના અન્વયે  યાર્ડમાં સોશ્યલ ડીસ્ટન્સની અમલવારી સાથે ઘઉં અને ચણાની આવકો શરૂ કરાઇ હતી. ત્યાર બાદ ધીમે ધીમ જીરૂ, ધાણા, કપાસ અને મગફળીની આવકો શરૂ કરાઇ હતી. બે દિ' પહેલા ચણા, ઘઉં, મગફળી અને કપાસની ઓન લાઇન રજીસ્ટ્રેશન કર્યા બાદ જ વેચાણની કાર્યવાહી શરૂ કરાઇ હતી. .

યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, અને સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યા મુજબ  આજે ઓનલાઇન રજીસ્ટ્રેશન વેચાણની સાથે અન્ય જણસીઓની આવકો પણ શરૂ કરાતા વિવિધ ૩૪ જણસીઓની આવકો થઇ હતી. અને યાર્ડનું ટર્નઓવર લોકડાઉનમાં પ્રથમવાર જ ૯ કરોડની આસપાસ પહોંચ્યું હતું. સીઝનમાં યાર્ડનું ટર્નઓવર સામાન્ય રીતે ૧૦ થી ૧૧ કરોડ હોય છે. લોકડાઉનના પ્રારંભે અમુક જણસીઓની આવકો શરૂ કરાતા ટર્નઓવર ૩ થી ૪ કરોડ જ હતું. પરંતુ આજથી અન્ય વિવિધ જણસીઓની આવકો શરૂ કરાતા ટર્નઓવર વધ્યું છે.

દરમિયાન રાજકોટ યાર્ડમાં કામ કરતા ૩ર મજુરો આજે રાજસ્થાનથી પરત કર્યા હતા. આ મજુરોનું મેડીકલ ચેકપઅપ કરાવાયું હતુંં.  યાર્ડમાં મોટા ભાગે રાજસ્થાની મજુરો જ કામ કરે છે અને અનેક મજુરો લોકડાઉનમાં રાજસ્થાન ચાલ્યા ગયા હતા. બીજી બાજુ લોકકડાઉનમાં લોકલ મજુરોની સંખ્યામાં પણ વધારો થઇ રહયો છે. ઇમીટેશનનું કામ કરતા કારીગરો યાર્ડમાં મજુરી કામે લાગી જતા મજુરોની અછતનો પ્રશ્ન મહદ અંશે હલ થઇ ગયો છે.

(3:46 pm IST)