Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ૭ હજાર ફીડરના વિસ્તારમાં જીઇબી દ્વારા મેઇનટેનન્સ શરૃઃ ૩ હજાર ફીડરમાં કામગીરી પૂરી

રાજકોટ સબ ડીવીઝન વાઇઝ કોન્ટ્રાકટર-જીઇબીની ૩ ગેંગો ઉતારાઇઃ પરપ્રાંતિય મજૂરો ચાલ્યા જતા થોડી મુશ્કેલી : સવારે ૬ થી ૧૦ લાઇટો બંધ કરાય છેઃ જમ્પર ઇન્સ્યુલેટર બદલવા-ઝાડની ડાળીઓ સહિતની કામગીરીઃ ૧૦ જૂન પહેલા આટોપી લેવાશે : શહેરમાં ત્રણ એજન્સીના ૧૦૦ મીટર રીડરો દ્વારા ગ્રાહકોને બીલો આપવાનું પણ શરૂ

રાજકોટ તા. રર :.. રાજકોટ વીજ તંત્રે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નોટીફાઇડ શટડાઉન સાથે સવારે ૬ થી ૧૦ દરમિયાન ૭ હજાર ફીડર વિસ્તારમાં મેઇનટેનન્સ પ્રક્રિયા હાથ ધરી છે, અને આમાંથી લગભગ ૩ હજાર ફીડર ક્ષેત્રમાં કામગીરી પૂર્ણ થઇ ગયાનું ચીફ ઇજનેરશ્રી ગાંધીએ 'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યુ હતું કે ચોમાસુ આવી પહોંચ્યું છે, આ લોકડાઉન હોય, કામગીરી ખોરંભે પડી હતી, આમ તો ધીમેધીમે ૧ લી મેથી કામગીરી શરૂ કરી હતી, પરંતુ લોકડાઉન-૪ આવ્યા બાદ કામગીરી ઝડપી બનાવી છે, હાલ દરેક સબ ડીવીઝનમાં કોન્ટ્રાકટરો અને વીજ સ્ટાફ મળી કુલ -૩-૩ ગેંગો ઉતારી દેવાઇ છે, અને ૧૦ જુન પહેલા કામો આટોપી લેવા કામગીરી પુર્ણ કરી લેવા આદશો કર્યા છે.

શ્રી ગાંધીએ ઉમેર્યુ હતું કે નોટીફાઇડ શટ-ડાઉન સાથે ૬ થી ૧૦ દરમિયાન લાઇટો બંધ કરી, જમ્પર-ઇન્સ્યુલેટર  બદલવા, ઝાડની ડાળીઓ નડતરૂપ હોય તો તે કાપવા, તથા અન્ય રીપેરીંગ કામગીરી હાથ પર લેવાય છે.

પરપ્રાંતિય મજૂરો તથા ગોધરા બાજુના મજૂરો ચાલ્યા જતા હાલ થોડી મુશ્કેલી છે., પરંતુ આમ છતા ૧૦ જુન પહેલા કામગીરી આટોપી લેવાશે.

તેમણે જણાવેલ કે રાજકોટમાં ગ્રાહકોને મીટર રીડરો દ્વારા બીલો દેવાનું શરૂ કરાયું છે, કુલ ત્રણ એજન્સીના ૮૦ થી ૧૦૦ જેટલા મીટર રીડરો દ્વારા બીલો અપાઇ રહ્યા છે., ગ્રાહકોને કોઇ ફરીયાદ નહી રહે, કારણ કે સ્લેબ પાડીને બીલો અપાશે.

(3:46 pm IST)