Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રવિવારે એકી તારીખ હોય તો ૧ નંબરવાળા દુકાન ખોલે બેકી હોય તો ૨ નંબરવાળા ખોલી શકશે

રવિવારે દુકાન ખોલી શકાશે : ઉદિત અગ્રવાલ : એકી-બેકીના નિયમનું ચુસ્ત પાલન કરવું પડશે નહિ તો દંડ ફટકારાશે

રાજકોટ તા. ૨૨ : રવિવારે રજાના દિવસે દુકાનો ખલી શકાશે કે કેમ? તે બાબતે વહિવટી તંત્રએ કોઇ સ્પષ્ટતા કરી નહી હોવાથી વેપારીઓમાં આ મુદ્દે ભારે મુંઝવણ ફેલાઇ હતી. ત્યારે મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે એકી તારીખ હોય તો ૧ નંબરવાળા અને બેકી તારીખ હોય તો ૨ નંબરવાળા દુકાનો ખોલી શકશે. આમ, વેપારીઓએ એકી-બેકીના નિયમ મુજબ જ રવિવારે દુકાન ખોલવી પડશે તેનો ભંગ કરનારને દંડ ફટકારાશે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ મહાનગરપાલિકા દ્વારા ઓડ-ઇવન નંબર દ્વારા એકી-બેકી તારીખે દુકાનો ખુલ્લી રાખવાની પ્રણાલીને સરળ બનાવવા માટે શહેરની દુકાનો પર એક (૧) અને બે (૨) નંબરના સ્ટીકર લગાવવામાં આવેલ છે. આ સંદર્ભમાં જાહેર જનતા જોગ એક સંદેશમાં મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જે દુકાનો પર એક (૧) નંબરનું સ્ટીકર લગાવવામાં આવેલ છે તે દુકાનધારકો એકી તારીખે દુકાન ખુલ્લી રાખી શકશે, તેમજ જે દુકાનો પર બે (૨) નંબરનું સ્ટીકર લગાવવામાં આવેલ છે તે દુકાન ધારકોએ પોતાની દુકાન બેકી નંબરની તારીખે દુકાન ખોલવાની રહેશે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રવિવારે પણ આ જ પ્રણાલીનો અમલ કરવાનો રહેશે, જેમકે આ રવિવારે ૨૪ તારીખ એટલે કે બેકી નંબરની તારીખ આવતી હોવાથી જે દુકાનો પર બે (૨) નંબરનુ સ્ટીકર લગાવેલ છે તે દુકાનો ખુલ્લી રહેશે તેમજ તેના પછીના રવિવારે ૩૧ તારીખ આવતી હોવાથી જે દુકાનો પર એક (૧) નંબરનુ સ્ટીકર લગાવેલ હોય તે દુકાનો ખુલ્લી રહેશે.

જે દુકાન ધારકોને સ્ટીકર પ્રમાણે દુકાનો ખુલ્લી રાખવામાં કે અન્ય કોઈ પણ પ્રશ્નો હોય તો પોતાના વોર્ડના વોર્ડ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે, તેમ પણ મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું.

(3:11 pm IST)