Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

લોકો ફરિયાદ કોને કરે ? પ્રજાના પ્રતિનીધિઓ કયાં ?

લોકડાઉન-૪માં છૂટછાટ છતાં અનેક કોર્પોરેટરો - પદાધિકારીઓ અદૃશ્ય !!

મુખ્યમંત્રીનું 'હું પણ કોરોના વોરિયર' અભિયાન શું હોદ્દેદારો માટે નથી ? કોર્પોરેટરોની ગેરહાજરીને કારણે સમિતિઓ બંધ હાલતમાં : વહિવટી પ્રક્રિયા અટકી પડી

રાજકોટ તા. ૨૨ : શહેરમાં લોકડાઉન-૪માં સરકારે દુકાનો વગેરે ખોલવાની છૂટછાટ આપી છે ત્યારે જનજીવન ધીમી ગતિએ સામાન્ય થઇ રહ્યું છે અને નાગરિકો પણ સાવચેતી રાખે તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગઇકાલે જ 'હું પણ કોરોના વોરિયર' અભિયાન શરૂ કરી અને હવે લોકોએ જ સીધી કોરોના સામે લડાઇ લડવી પડશે તેવું સ્પષ્ટ જાહેર કરી દીધું છે. છતાં પ્રજાના પ્રતિનિધિ એવા અનેક કોર્પોરેટરો - પદાધિકારીઓ બહાર નિકળવામાં ખચકાટ અનુભવી રહ્યા હોવાની પ્રતિતિ લોકોને થઇ રહી છે. કેમકે રસ્તા - ગટર - પાણી લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની રજૂઆત વખતે કોર્પોરેટરો મળતા નહી હોવાની ફરિયાદો મળી રહી છે.

નાગરિકોને પ્રશ્નો ઉકેલવાની મૂળભૂત જવાબદારી જેથી છે તેવા પ્રજાએ ચૂંટેલા કોર્પોરેટરોની છે અને પ્રથમ ત્રણ લોકડાઉનમાં બહાર નિકળવાની મનાઇ હતી. તેથી કોઇ પણ ઘરની બહાર ન નિકળે તે સ્વાભાવિક છે પરંતુ હવે વેપાર - ધંધાની છૂટ છે. લોકો સાવચેતી સાથે બહાર નીકળી રહ્યા છે. સરકારે પણ 'દરેક નાગરિકને કોરોના વોરિયર' બનવા અપીલ કરી છે ત્યારે બિમાર - અશકત કે મોટી ઉંમરના કોર્પોરેટરો બહાર ન નિકળે તે વ્યાજબી છે પરંતુ સંપૂર્ણ તંદુરસ્ત યુવા અને કોરોના સામે લડવાની સાવધાનીને સંપૂર્ણ રીતે જાણતા અનેક કોર્પોરેટરો હજુ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે કોર્પોરેશન કચેરીએ કે પોતાના મત વિસ્તારમાં જતાં નહી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. મ્યુ. કોર્પોરેશનમાં વિવિધ ૧૫ જેટલી સમિતિઓ છે. જેમાં કોર્પોરેટરો સભ્ય પદે હોય છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે સમિતિની બેઠકો મળી નથી જેના કારણે વહિવટી પ્રક્રિયા અટકી પડી છે. નિતી વિષયક નિર્ણયો પેન્ડીંગ છે. જેની વિપરીત અસર પ્રજા માટેના વિકાસકાર્યો ઉપર પડી રહી છે. મ્યુ. કોર્પોરેશનમાં દરરોજ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા બે-ત્રણ પદાધિકારીઓ દેખાય છે ત્યારે પોતાના વિસ્તારમાં પાણી, સફાઇ, લાઇટ, ગટર વગેરે જેવી મ્યુ. કોર્પોરેશનને લગત ફરિયાદો માટે આવતા અરજદારોને ધક્કા થઇ રહ્યા છે. સામાન્ય દિવસોમાં ફોટો સેશન માટે અગ્રીમ હરોળમાં દેખાતા આજે હવે પ્રજાને ખરી મુશ્કેલી છે ત્યારે પ્રજાને નોંધારા મૂકી પોતે અદૃશ્ય કેમ થઇ રહ્યા છે ? શું આ કોર્પોરેટરોને મુખ્યમંત્રીનું 'કોરોના વોરિયર' અભિયાન લાગુ નથી પડતુ? તેવા સવાલો પ્રજામાં ઉઠવા પામ્યા છે.

(2:59 pm IST)