Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

મનપાએ જૂનમાં બે જનરલ બોર્ડ યોજવા પડશે

એપ્રિલ મહિનાનું પેન્ડીંગ બોર્ડ ૩૦ જૂન સુધીમાં યોજવા સરકારની લીલીઝંડી : જૂન મહિનાનું રેગ્યુલર બોર્ડ ૨૦ જૂન પહેલા યોજવું પડશે

રાજકોટ તા. ૨૨ : કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં તા.૩૧ મે  સુધી લોકડાઉનને ધ્યાને રાખી મહાનગરપાલિકાના સાધારણ મીટીંગ (જનરલ બોર્ડ)ની મીટીંગ બોલાવવા માટે રાજય સરકાર દ્વારા તા.૩૦ જૂન સુધી બોલાવવા મંજુર કરવામાં આવેલ છે. મ્યુ. કોર્પોરેશને જૂનમાં બે જનરલ બોર્ડ યોજવા પડશે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એક યાદીમાં જણાવે છે કે, વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેના અનુસંધાને તા.૨૫ માર્ચ ૨૦૨૦થી તબક્કાવાર સમગ્ર દેશમાં તા.૩૧ મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર સભાની સામાન્ય દ્વિમાસિક મીટીંગ ગત તા.૨૦ એપ્રિલ સુધીમાં બી.પી.એમ.સી. એકટની જોગવાઈ અનુસાર બોલાવવાની થતી હતી. પરંતુ દેશમાં લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં લઇ રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા તા.૩૧-૦૫-૨૦૨૦ સુધી મુદત લંબાવવામાં આવેલ.

વિશેષમાં, કોરોના વાયરસ અંતર્ગત સમગ્ર દેશમાં લોકડાઉન ૦૪ તા.૩૧ મે સુધી લંબાવવામાં આવેલ છે. જેથી તા.૩૧ મે સુધીમાં જનરલ બોર્ડની મીટીંગ બોલાવવા અંગે મ્યુનિસિપલ સેક્રેટરીશ્રી એચ.પી. રૂપારેલીઆએ રાજય સરકારશ્રીનું માર્ગદર્શન મેળવવા મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર પાઠવેલ. જેના અનુસંધાને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સરકારશ્રીને પત્ર પાઠવ્યો હતો. જેના અનુસંધાને શહેરી વિકાસ અને શહેરીગૃહ નિર્માણ વિભાગના તા.૨૧મેના પત્રથી જણાવ્યા મુજબ હાલની લોકડાઉનની સ્થિતિમાં મહાનગરપાલિકાની સાધારણ સભાની બેઠકો નિયત સમય મર્યાદામાં બોલાવી શકાય તેમ ન હોય વિશેષ તા.૩૦ જૂન સુધીમાં બોલાવવા મંજૂરી આપવામાં આવેલ છે.

આ અંગેની સતાવાર સુત્રોના જણાવ્યા મુજબ રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા લોકડાઉન ના કારણે મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવાની મુદત ૩૦ જૂન સુધી કરવામાં આવી છે. અગાઉ રાજય સરકારે ૩૧મી સુધીની મુદત આપી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-૦૪ ૩૧ મે સુધી લંબાવવામાં આવતા મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે બોર્ડ બોલાવવા અંગે રાજય સરકાર પાસે માર્ગદર્શન માગ્યું હતું .જે અન્વેય વિકાસ વિભાગે ૩૧ મેના બદલે ૩૦ જૂન સુધી સામાન્ય સભા બોલાવાની મંજૂરી આપી છે.

એપ્રિલ મહિનાનું પેન્ડીંગ બોર્ડ ૩૦ જુન સુધીમાં યોજવા સરકારની લીલીઝંડી આપવામાં આવી છે ત્યારે જુન મહિનાનું રેગ્યુલર બોર્ડ ૨૦ જુન પહેલા યોજવું પડશે. આમ, જૂનમાં બે વખત બોર્ડ મળશે.

રાજકોટ આગામી ૩૧ મે  પહેલા રાજકોટ કોર્પોરેશનનું જનરલ બોર્ડ યોજવું ફરજીયાત હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનની સ્થીતીમાં જનરલબોર્ડ યોજવું અશકય હોઇ આ બાબતે રાજય સરકારનું માર્ગદર્શન માંગવામાં આવતા સરકારે ખાસ કિસ્સામાં રાજકોટ કોર્પોરેશનને ૩૦ જુને સુધીમાં જનરલ બોર્ડ યોજવા મંજુરી આપી છે.

અત્રે નોંધનિય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દર બે મહિને બોલાવવામાં આવે છે. છેલ્લે ડિસેમ્બર માસમાં જનરલ બોર્ડ મીટીંગ યોજાઇ હતી. ફેબ્રુઆરી માસમાં યોજાયેલ બોર્ડમાં માત્ર બજેટ અંગે ચર્ચાઓ થઈ હતી.

(2:56 pm IST)