Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નવાગામના અશરફ કુરેશીના આપઘાતથી પરિવારનો હર્યોભર્યો માળો પિંખાયોઃ વ્યાજખોરોનો ત્રાસ કારણભુત

પરમ દિવસે ફાંસો ખાઇ લેનાર યુવાનને વ્યાજખોરો સતત હેરાન કરતાં હોવાનો પત્નિ અમીનાબેનનો આક્ષેપઃ બે સંતાનો નોધારાઃ પાંચ હજારના પાંચ લાખ મંગાતા હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: શહેરના નવાગામમાં છપ્પનીયા કવાર્ટર શકિત સોસાયટી-૮ કવાર્ટર નં. ૫૬માં રહેતાં અશરફભાઇ રફિકભાઇ કુરેશી (ઉ.વ.૩૦)એ પરમ દિવસે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથકિમ તપાસમાં આર્થિક ભીંસને લીધે પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું. જો કે આપઘાત કરનારના પત્નિ અમીનાબેને આક્ષેપો સાથે જણાવ્યું છે કે આર્થિક ભીંસને કારણે નહિ પણ બે વ્યાજખોરની ધમકી-ત્રાસને લીધે મારા પતિ આ પગલુ ભરવા મજબૂર થયા છે. અશરફભાઇના આ પગલાથી બે માસુમ સંતાન, પત્નિ નોધારા થઇ ગયા છે અને પરિવારનો હર્યોભર્યો માળો પિંખાઇ ગયો છે.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને મહેશભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ અશરફભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્ર માહિર (ઉ.૭) અને ફૈઝાન (ઉ.૨) છે. લોકડાઉનને કારણે સતત બે મહિનાથી તે ઘરે હતો. બાદમાં પત્નિ-સંતાનો સાથે રૂખડીયાપરામાં સગાની બાજુમાં ભાડેથી રહેવા જતો રહ્યો હતો.

પરમ દિવસે રૂખડીયાપરામાંથી તે નવાગામ પોતાના કવાર્ટરે આટો મારવા આવ્યો હતો અને હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર અશરફભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો તથા નવાગામમાં છોટાહાથીના ફેરા કરી ગુજરાન ચલાવતો હતો. તેના પત્નિ અમીનાબેને આક્ષેપો સાથે જણાવ્યું હતું કે મારા પતિએ લોકડાઉન પહેલા ધંધાના કામ માટે રૂખડીયાપરાના બે શખ્સો પાસેથી વ્યાજે પાંચેક હજાર રૂપિયા લીધા હતાં. એ શખ્સોને રોજ ૧૫૦૦ અને ૨૦૦ લેખે વ્યાજ ચુકવતાં હતાં. લોકડાઉન આવી જતાં મારા પતિ વ્યાજ ન ચુકવી શકતાં આ શખ્સોએ પાંચ હજારના પાંચ લાખ કરી નાંખી વ્યાજની આકરી ઉઘરાણી શરૂ કરી હતી. આપઘાત કર્યો એ દિવસે પણ નવ જેટલા ફોન આવ્યા હતાં. અમને વ્યાજખોરોના ટુંકા નામ મળ્યા છે જે અમે પોલીસને આપ્યા છે.

વ્યાજખોરોના ત્રાસથી મારા પતિ મરી જવા માટે મજબૂર થયા છે. અમે આજે આ બાબતે ડીસીપી ઝોન-૨ને પણ બપોરે રજૂઆત કરવા ગયા હતાં. પોલીસ ઝડપથી તપાસ કરી મારા પતિને મરવા માટે મજબૂર કરનારા સામે કાર્યવાહી કરી અમને ન્યાય અપાવે તેવી માંગણી છે. તેમ વધુમાં અમીનાબેને તેમજ મૃતકના ભાઇ સાજીદભાઇએ જણાવ્યું હતું.

(2:16 pm IST)