Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

નોકરી માટે ઇન્ટરવ્યુ આપીને આવતાં ભુજના ધારાપરના રબારી યુવાનનું અકસ્માતમાં મોત

લોકડાઉનને કારણે પોતે જ્યાં નોકરી કરતો એ કંપની બંધ હોઇ બીજુ કામ શોધવા નીકળ્યો'તો : સેનટરી ગામ પાસે ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપઃ રાજકોટમાં દમ તોડ્યોઃ પરિવારનો એકનો એક પુત્ર હતો

રાજકોટ તા. ૨૨: ભુજના સેનટરી ગામ પાસે જખરા પીરના મંદિર નજીક ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થઇ જતાં બાઇક ચાલક ભુજના ધારપર ગામના પાલાભાઇ ભચાભાઇ રબારી (ઉ.વ.૩૧) નામના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

પાલાભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ભુજ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પાલાભાઇ માતા-પિતા પરિવારનો એક જ પુત્ર હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. સંતાનમાં ચોૈદ વર્ષની પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો છે.

પરિવારજનના કહેવા મુજબ લોકડાઉનને કારણે પાલાભાઇ હાલ જ્યાં નોકરી કરે છે ત્યાં હજુ કામ ચાલુ થયું નથી. આથી તે ગઇકાલે બીજી નોકરી શોધવા માટે બાઇક લઇને નીકળ્યા હતાં. ભુજ એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપીને પરત ધારાપર આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતાં અકસ્માત સર્જાયો હતો.

(12:43 pm IST)