Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

રાજકોટ જેલમાં સંડાસના પોખરા-ચોકડીમાં દાટેલા ૪ મોબાઇલ મળ્યા

હમારી જેલ મેં સુરંગ નહિ...ફીર સે મોબાઇલઃ સેલોટેપ વીંટાળેલા દડા સાથે ફોન, તમાકુ, ફાકી, સીગારેટ, મોબાઇલ, ચાર્જરના ઘા થતાં જ રહે છે ત્યાં હવે જડતી સ્કવોડે ફોન શોધ્યા : નવી જેલ વિભાગ-૧ યાર્ડ નં. પની બેરેક નં. ૪માં જમણી બાજુના સંડાસના પોખરામાં ખાડો કરી પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવેલા ૩ તથા બેરેક નં. ૨માં ડાબી બાજુના સંડાસમાં ચોકડીની ધારીમાં ખાડો કરી છુપાવેલો ૧ ફોન મળ્યોઃ અમદાવાદની સ્કવોડના જેલર ડી. આર. કરંગીયાએ અજાણ્યા કાચા કામના કેદી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૨૨: રાજકોટ જીલ્લા જેલમાં સમયાંતરે સેલોટેપથી દડામાં બાંધેલા મોબાઇલ ફોન, તમાકુ, બીડી, સિગારેટ, મોબાઇલના ચાર્જર, કેબલ, ફાકીઓ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ ફેંકવામાં આવે છે. આવા બનાવોમાં અગાઉ અનેક વખત ગુના નોંધાઇ ગયા છે. એક વખત તો દડો ફેંકનાર રંગેહાથ પકડાઇ પણ ગયો હતો. ત્યાં હવે આ વખતે અમદાવાદની જડતી સ્કવોડે ગઇકાલે અચાનક રાજકોટ જેલમાં ત્રાટકી જેલની જડતી કરતાં નવી જેલ વિભાગ-૧માં આવેલા સંડાસના પોખરામાં ખાડો કરી પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવાયેલા ૩ મોબાઇલ ફોન શોધી કાઢતાં તેમજ આ બેરેકની ચોકડીની ધારીમાં ખાડો કરી દાટી રખાયેલો વધુ એક ફોન મળતાં ખળભળાટ મચી ગયો હતો. જડતી સ્કવોડના જેલરે આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અમદાવાદ જડતી સ્કવોડના જલર ડી.આર. કરંગીયાની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા કાચા કામના કેદી વિરૂધ્ધ ધ પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કર્યો છે. શ્રી કરંગીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહિવટની કચેરી સુભાષ બ્રીજ સર્કલ અમદાવાદ ખાતે હું જડતી સ્કવોડના ગ્રુપ-૨માં જેલર તરીકે ફરજ બજાવુ છું. ૨૧મીએ સુચના અનુસાર હું તથા રેડ પાર્ટીના સુબેદાર હિતેન્દ્રકુમાર ગોવિંદભાઇ પટેલ, હવાલદાર જયરામભાઇ સાગરભાઇ દેસાઇ, હવાલદાર અરજણસિંહ ઉદેસિંહ રાઠોડ, સિપાહી કેતનભાઇ પ્રવિણભાઇ પટેલ, સિપાહી જયદિપસિંહ વિજયસિંહ રાઠોડ, જેલ સિપાહી સંદિપભાઇ કાળુભાઇ ચોૈધરી એમ બધા સરકારી ગાડીમાં રાજકોટ જેલ ખાતે આવ્યા હતાં.

જેલના મુખ્ય ગેઇટ પર અમલદાર પાસે અમારા બધાની જડતી કરાવી જેલમાં સાંજના ૪:૧૦ થી ૭:૦૫ સુધી જડતી ચકાસણી કરી હતી. એ દરમિયાન નવી જેલ વિભાગ-૧ યાર્ડ નં. ૫ની બેરેક નં. ૪માં પ્રવેશતા જમણી બાજુ આવેલા પ્રથમ સંડાસના પોખરાની અંદર ખાડો દેખાતા તપાસ કરતાં અંદરથી પ્લાસ્ટીકની કોથળી મળી હતી. જેમાંથી સેમસંગ કંપનીનો વાદળી રંગનો એક મોબાઇલ ફોન, કેચુડા કંપનીના કાળા-ગોલ્ડન રંગના બે મોબાઇલ ફોન એમ ત્રણ ફોન સુબેદાર હિતેન્દ્રભાઇ પટેલે બધાની હાજરીમાં શોધી કાઢ્યા હતાં.

આ ફોન મળી આવતાં આ બેરેકમાં રખાયેલા કાચા કામના ૩૦ કેદીઓને કોના ફોન છે? કોણ ઉપયોગ કરતું હતું? તે અંગે પુછતાછ કરી હતી. પરંતુ કોઇએ ફોન બાબતે કબુલાત આપી નહોતી. એ પછી નવી જેલ વિભાગ-૧ યાર્ડ નં. ૫ની બેરેક નં. ૨માં પ્રવેશતા ડાબી બાજુ આવેલા સંડાસની સામેની પાણી નિકાલની ચોકડીની ધારીમાં ખાડો કરી પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવી રાખેલો આઇટેલ કંપનીનો કાળા રંગનો મોબાઇલ ફોન હવાલદાર અરજણસિંહ રાઠોડે શોધી કાઢ્યો હતો. આ બેરેકના ૩૩  કાચા કામના કેદીઓને આ ફોન બાબતે પુછાયું હતું. પરંતુ કોઇએ કબુલાત આપી હતી. જે ફોન મળ્યા તેમાં એક ફોન ડબલ સીમ સ્પેસવાળો સિમ કાર્ડ વગરનો ચાલુ હાલતમાં છે. બીજો બેટરી સાથે સિમ કાર્ડ વગરનો ચાલુ હાલતમાં તથા બીજા બે ફોન બેટરી સાથે સિમકાર્ડ વગરના બંધ હાલતમાં છે.   જેલ પ્રતિબંધીત એવા આ ચારેય ફોનને એફએસએલમાં ચકાસણી માટે મોકલવા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)