Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

શહેરીજનો ગભરાય નહિં... આવશ્યક ચીજ વસ્તુઓ ઘરે પહોંચાડવા કોર્પોરેશનની વિચારણા

શહેરમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના પુરવઠાની કોઈ કમી નથી : ઉદિત અગ્રવાલ

રાજકોટ : કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ શહેરમાં વાઈરસ સંક્રમણ પ્રસરતું અટકાવવાના પ્રયાસોના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા લોકોને તેશકય હોય ત્યાં સુધી પોતાના ઘરની બહાર ન નીકળવું પડે તે પ્રકારે જીવન જરૂરી ચીજ વસ્તુઓ તેમણે ઘેર બેઠા બેઠા જ કે પછી પોતાના ઘરની નજીકમાં આવેલી કરીયાણાની દુકાનેથી જ અનાજ, કઠોળ ઇત્યાદિ આવશ્યક વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી રહી છે, તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.  સાથોસાથ તેમણે એમ પણ કહ્યું કે, શહેરમાં જીવનજરૂરી ચીજ વસ્તુઓની કોઈ જ કમી નથી. નાગરિકોને ચિંતા કરવાની જરાકારવા પણ જરૂર નથી. લોકો તેમના ઘરમાં આવશ્યક ચીજોનો બિનજરૂરી સંગ્રહ ના કરે.

થઇ રહેલી વ્યવસ્થા વિશે જાણકારી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં કહ્યું હતું કે, લોકલ કરીયાણાના વેપારીઓ બેડી માર્કેટિંગના મોટા હોલસેલ વેપારીઓ તેમજ દાણા પીઠના હોલસેલ વેપારીઓ પાસેથી પોતાના ગ્રાહકોની જરૂરિયાત મુજબનું અનાજ કઠોળ ખરીદી શકે છે. કરીયાણાની દુકાનની બંને બાજુ શાકભાજી અને ફળફળાદી માટે એક એક થડો પણ રાખવા દેવામાં આવશે જેથી એક જ સ્થળેથી જ અનાજ, કઠોળ અને શાકભાજી લોકોને મળી રહે. કરીયાણાની દુકાને પણ વેપારીએ ગ્રાહકોની ભિદ્રા થાય તેની તકેદારી રાખી લોકોને ચોક્કસ સલામત અંતરે જ ઉભા રાખવાના રહેશે.

કમિશનરશ્રીએ વધુમાં અન્ય એક વ્યવસ્થા વિશે વાત કરતા જણાવ્યું કે, કરીયાણાના નાના વેપારીઓ મોટી સુપર માર્કેટ જેવી કે, બિગ બઝાર, રિલાયન્સ, ડી માર્ટ, ગોલ્ડન સુપર માર્કેટ વગેરેને ફોન કરીને તેઓની પાસેથી આવશ્યક ચીજ વસ્તુઓ મંગાવી શકશે. આ સુપર માર્કેટ અને મોલમાં રીટેઈલ એટલે કે છુટક વેંચાણ બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને લોકો ત્યાં ભીડ ના કરે. સુપર માર્કેટ અને મોલ હવે હોલસેલ વેંચાણ જ કરશે.

દરમ્યાન શહેરમાં દૂધ વિતરણ વ્યવસ્થા હાલમાં જે પ્રકારે ગોઠવાયેલી છે તે પ્રકારે જ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેશે. લોકોને હાલ જે રીતે દૂધ મળે છે તે પ્રકારે જ મળતું રહેશે. શહેરમાં હવે તમામ શાકમાર્કેટનો ફકત હોલસેલ વેપારીઓ પાસેથી નાના છુટક વેપારીઓ દ્વારા જ શાકભાજીની ખરીદી કરવા માટે જ ઉપયોગ કરવા દેવામાં આવશે.

મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં એમ પણ જણાવ્યું કે, નાગરિકોને આવશ્યક ચીજ વસ્તુઓ દ્યેર બેઠા મળી રહે તે માટે અન્ય એક વ્યવસ્થા ગોઠવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. લોકો લોકડાઉન પીરીયડ દરમ્યાન જરા પણ ઉચાટ ના અનુભવે અને વહીવટી તંત્ર તેઓની ચિંતા કરી રહયું છે. આવશ્યક ચીજોની કોઈ જ કમી નથી એટલે એ વિષયમાં લોકો નિશ્ચિંત જ રહે. બસ લોકો માત્ર પોતપોતાના ઘરમાં જ રહી કોરોના સામેના આ સમયમાં સરકારશ્રી અને તંત્રને સહયોગ પ્રદાન કરે.

(4:17 pm IST)