Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કાલથી પછાત વિસ્તારોમાં ગરીબોને ૧૦ દિવસનું રાશન વિનામૂલ્યે અપાશેઃ કોંગ્રેસને મ્યુ.કમિશ્નરની ખાત્રી

રાશન મેળવવા પડાપડી નહીં કરવા અને અધિકારીઓને સહકાર આપવા વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયાની અપીલ

રાજકોટ,તા.૨૫: મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં આજરોજ તા.૨૫ના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોનું ડેલિગેશન કલેકટર કચેરી ખાતે રાજકોટના કલેકટરશ્રી અને મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને રજૂઆત કરવા ગયા હતા તેમજ આ તકે રાજકોટ મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા રાજકોટ શહેરમાં અલગ અલગ પછાત અને ગરીબ વિસ્તારોમાં વિનામુલ્યે રાશન આપવા અથવા ટીફીન વ્યવસ્થા કરવાની  રજૂઆત કરાયેલ.

જેમાં અલગ-અલગ વિભાગના મુખ્ય અધિકારીઓ સાથેની બેઠકમાં રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરોના ડેલીગેશનની રજૂઆતમાં કલેકટરશ્રી અને કમિશ્નર શ્રી દ્વારા કોંગ્રેસના ડેલીગેશનને ખાતરી આપવામાં આવી હતી કે બને તો આજ સાંજથી જ દરેક વિસ્તારમાં ૧૦ દિવસ ચાલે તેટલું રાશનની વ્યવસ્થા દરેક લોકોના દ્યર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ, જો આજે સાંજે ન થાય તો આવતીકાલ થી ફરજીયાત તમામ ગરીબ અને પછાત વર્ગના લોકોને વિનામુલ્યે રાશનની વ્યવસ્થા કરી આપવાની રાજકોટ કલેકટરશ્રી અને મ્યુનિસિપલશ્રીએ ખાતરી આપેલ હતી.

કોંગ્રેસ પક્ષના ડેલિગેશનની માંગણી હતી કે ગરીબ અને પછાત વર્ગની યાદી તંત્ર પાસે છે તેમજ ગઈકાલે રાત્રે વડાપ્રધાન દ્વારા જાહેરાત થઈ છે કે ૨૧ દિવસ સુધી સંપુર્ણ લોકડાઉન ની જાહેરાત કરી પરંતુ અમારી માંગણી છે કે કલેકટરશ્રી તેમજ કમિશ્નરશ્રી એ મળી રાજકોટ ના ગરીબ વિસ્તારમાં રાશનની વ્યવસ્થા કરી દેવી જોઈએ અથવા ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપવી જોઈએ તેવી અમારા કોંગ્રેસ પક્ષની માંગણી કરેલ છે જે સંપૂર્ણ પણે રજૂઆત સ્વીકારી અને વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની રજૂઆતને સફળ બનાવેલ છે તે બદલ મનપાના કોંગ્રેસપક્ષના  નેતા વશરામભાઈ સાગઠીયાએ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન (IAS) અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ (IAS)ને હૃદયપૂર્વક આભાર માન્યો છે.

તેમજ આ તકે દુકાનદારો અને વ્યાપારીઓ દ્વારા જયારે લોકોને લુંટવાનું કામ ચાલુ થયું છે તેના ઉપર નિયંત્રણમાં રહે તે માટે કાળાબજારીયાઓ સામે કડક પગલા લેવા અને ભાવ બાંધણા મુજબ જ ભાવ-તાલ રહે તેવી માંગણી કરતા કલેકટરશ્રીને અને કમિશ્નરશ્રીને પણ આ રજૂઆત અંગે ખાતરી આપેલ છે અને કમિશ્નર દ્વારા આજે જ વોર્ડ ઓફિસરોને અને ઇન્સ્પેકટરોને આ કામગીરી કરવા માટે સોંપાયેલ છે જેથી કોઈપણ વ્યાપારી કે દુકાનદાર લોકો પાસેથી નાણા પડાવતા હોય તો તેની ફરિયાદ કલેકટર ઓફિસે કરવા જાહેર જનતા જોગું મનપાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ કરી છે.

દરમિયાન શ્રી સાગઠિયાએ રાજકોટની પ્રજાને વિનંતી  કરી છે કે  કલેકટર દ્વારા કે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જે વિનામુલ્યે રાશનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં આપણે સૌનો સાથ સહકાર આપવો અને ખોટી અફડાતફડી ન કરવી તેમજ તંત્રના અધિકારીઓ- કર્મચારીઓને મદદરૂપ બનવું અને કોરોના વાઈરસથી બચવા માટે ખોટી રીતે ઘરની બહાર ના નીકળવા જાહેર જનતાજોગ વિનંતી કરી છે.

આ રજૂઆતમાં ઉપસ્થિત રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર ઘનશ્યામસિંહ નટુભા જાડેજા, વલ્લભભાઈ પરસાણા, દિલીપભાઈ આસવાણી, સુરેશભાઈ ગરૈયા, મયુરસિંહ જાડેજા, વગેરે રજૂઆતમાં જોડાયા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવાયું છે.

(3:52 pm IST)