Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પ્લીઝ સમજો, શેરી ગલીઓમાં ટોળી ટપ્પા અને ઓટલા ગોષ્ઠી અત્યારે ન શોભે

ચોકમાં ક્રિકેટ રમવુ, ગંજીપાના પાના ટીચવા કે કેરમ રમવા ટોળી જમાવવાથી કર્યા કારવ્યા પર પાણી ફેરી ન જાય જોજો : સરકારની ગાઇડ લાઇનને સંપુર્ણ અનુસરીએ : પોલીસ બાપડી મુખ્ય માર્ગો સાચવશે કે તમારી શેરી ગલીઓનું ધ્યાન રાખવા આવશે? : આ બધુ નાસમજદારીમાં થતુ હોય તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને બંધ કરીએ

રાજકોટ તા. ૨૫ : સરકારે તો લોકડાઉન જાહેર કર્યુ. પણ અમલવારી કરવી એ જનતાના હાથની વાત છે. આ આપણા હીતની વાત છે તેની ગંભીરતા દાખવીએ.

એક તરફ ઘરમાં રહેવાની અપીલો થાય છે ત્યારે રોડ ઉપર ન નીકળવાથી કાયદાનો અમલ થયો એમ માની ન લેવાય. આપણે ઘરની આસપાસ પણ ટોળા ન જમાવવાની સમજદારી દાખવવી પડશે.

નોકરી ધંધામાં રજા મળી ગઇ એટલે ઘરમાં બેસીને સમય પસાર કરવાને બદલે ઘણા ટીખળખોરો શેરી અને ચોકમાં બેટ દડા લઇને ક્રિકેટ રમવા નીકળી પડયા. કોઇએ ગંજીપાના પાના તો કોઇએ કેરમની રમતો માંડી શેરી અને ચોકમાં ટોળીઓ જમાવવાનું શરૂ કરી દીધુ.

અરે સમજો પ્લીઝ! આ સમય ગંભીર બનવાનો છે. પોલીસ બાપડી મુખ્ય માર્ગો સાચવશે કે તમારી શેરી ગલીઓનું ધ્યાન રાખવા આવશે? આવુ કોઇ કરતુ હોય તો શેરીના જ સમજદારોએ બંધ કરાવવુ જોઇએ.

ઘણી જગ્યાએ મહીલાઓ પણ ઓટલા ગોષ્ઠી કરતી જોવા મળે છે. આ બધુ નાસમજદારીમાં થતુ હોય તો હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને બંધ કરવા આગળ આવવુ પડશે. શેરી બહાર ટોળા જમાવવાને બદલે આપણા મકાનની ગેલેરીમાં ઉભા રહીને કે અગાસી ઉપર ઉભા રહીને વાતો કરીએ તો જ ખરી સમજદારી દાખવી ગણાશે.

જે રીતે એક દિવસના જનતા કર્ફયુ સમયે સાંજે તાળી વગાડવા અને થાળી વગાડવા અપીલ થઇ તો લોકોએ ઉત્સાહમાં આવી રાસડા લીધા અને અતિરેકમાં ટોળે વળી જુસ્સો પ્રગટ કર્યો. આખો દિવસ ઘરમાં પુરાય રહ્યાની મહેનત પર પાણી ફેરવી દીધુ.

બસ હવે સમજીએ! આ સમય ગંભીરતા દાખવવાનો છે. ઘરમાં રહીને મનોરંજન માણો, પર પરશન ડીસ્ટન્સ રાખવુ સૌના માટે હીતાવહ ભરેલુ છે.

સરકારની ગાઇડ લાઇનને સંપૂર્ણ અનુસરીએ અને અચાનક આવી પડેલ આ આપતીકાળમાંથી હેમખેમ પાર ઉતરીએ.

(1:12 pm IST)