Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

જંગલેશ્વરના નદિમને કોરોનાની બિમારી નથી, છતાં સારવારમાં રાખ્યો છે...આવી અફવા ફેલાવતાં રજાક કુરેશી સામે ફોજદારી

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીએ પોતાને મળેલા વિડીયોના આધારે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૫: 'જંગલેશ્વરના નદિમભાઇને કોરોના વાયરસની કોઇ બિમારી નથી, છતાં સારવારમાં રખાયો છે'...આ પ્રકારનો વિડીયો જંગલેશ્વરના યુવાને  બનાવી અફવા ફેલાવતાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીએ આ બારામાં ફરિયાદી બની  જંગલેશ્વરમાં રહેતાં રજાક દાઉદભાઇ કુરેશી વિરૂધ્ધ આઇપીસી ૧૮૮ તથા જીપીએકટ ૧૩૫ (૧) મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી કોરોના વાયરસ અંગે અફવા ફેલાવવા સબબ ગુનો નોંધ્યો દાખલ કરાવ્યો છે. પીઆઇ વી. કે. ગઢવીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્તમાન સમયમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. તે અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારે કોરોના વાયરસને અટકાવવા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરી છે. તે મુજબ લોકોને કે કોઇપણ વ્યકિત અથવા સંસ્થાને કોરોના વાયરસ અંગેની અફવા પ્રિન્ટ કે સોશિયલ મિડીયા થકી ફેલાવવી નહિ તેવો આદેશ કરાયો છે. આમ છતાં કોઇ અફવા ફેલાવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી ફરજ છે.

ભકિતનગર પોલીસ સ્ટેશનની હદમાં જંગલેશ્વર ગોસીયા મસ્જીદની સામે સહકાર ચોકમાં રહેતાં નદિમ પિંજારા યુવાનનો કોરોના વાયરસ પોઝિટીવ જાહેર થયો હોઇ તે સારવાર હેઠળ છે. આમ છતાં જંગલેશ્વરના રજાક દાઉદભાઇ કુરેશીએ જંગલેશ્વર-૨૩ની સામે હુશેની ટી-સ્ટોલ નામની દૂકાન પાસે જાહેર જનતામાં ૨૨/૦૩ના રોજ મિડીયાને એવું સંબોધન કર્યુ છે કે-નદિમભાઇને કોરોના વાયરસની કોઇ બિમારી નથી, તેમ છતાં સારવારમાં રાખેલ છે. આ તથા અન્ય શબ્દો ઉચ્ચારી ૨ મિનીટ ૫૮ સેકન્ડના વિડીયોમાં તે બોલતો દેખાય છે. આવો વિડીયો અમારા વ્હોટ્સએપ નંબર પર બપોરે બે વાગ્યે આવ્યો હતો.

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ જીવલેણ હોઇ તેનું સંક્રમણ વધુ ન ફેલાય તેની તકેદારી રાખવા પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામુ બહાર પાડ્યું છે. તે અંતર્ગત અન્ય પ્રતિબંધો સાથે કોરોના સંદર્ભે ખોટી અફવા-માહિતી કોઇ ફેલાવશે તો ગુનો ગણાશે તેવો પણ જાહેરનામામાં ઉલ્લેખ છે. આમ છતાં રજાક કુરેશીએ જંગલેશ્વરના નદિમભાઇને કોઇ બિમારી નથી, છતાં તેને સારવારમાં રખાયો છે તેવી અફવાનો ફેલાવી ઉશ્કેરણીજનક શબ્દોનું ઉચ્ચારણ કરી જાહેરનામાનો ભંગ કરતાં ગુનો દાખલ કરાવાયો છે.

(12:12 pm IST)