Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

૧૦ વર્ષનો પુત્ર હોસ્પિટલમાં છતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અવિરત ફરજમાં

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા મેસેજને પગલે અધિકારીની સેવાને લોકો તરફથી સતત અભિનંદન

રાજકોટ તા. ૨૫: કોરોનાના કહેર સામે સમગ્ર ભારત દેશ ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર થયો છે. સોૈને ઘરમાં જ રહેવાનું છે. લોકો ઘરમાં રહે તે માટેની જવાબદારી પોલીસ તંત્રને સોંપવામાં આવી છે. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ લોકડાઉનનો સતત કડક અમલ કરાવવા ફરજ બજાવે છે. શહેરના ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા પણ સતત કોરોના સંદર્ભની ફરજમાં ઉપરીઓના આદેશ મુજબ સતત ફરજમાં છે. તેમના ૧૦ વર્ષના દિકરાને આંતરડામાં તકલીફ હોઇ દિકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કદાચ સર્જરી પણ આવે તેમ છે. આમ છતાં તેઓ કોરોના અંતર્ગતની ફરજમાં જરાપણ કચાશ રહેવા દેતાં નથી. દિકરા અને પરિવારજનોને થોડા સમય માટે મળી લઇ ફરીથી ફરજમાં નીકળી જાય છે.

ડીસીપી શ્રી જાડેજાની જેમ જ તબિબો, નર્સિંગ સ્ટાફ તેમજ બીજી આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકો પોતાની અને પરિવારજનોની ચિંતા વચ્ચે પણ ફરજ ચુકી રહ્યા નથી. ત્યારે લોકોએ પણ ગંભીરતા દાખવી તંત્રને સહકાર આપે તે જરૂરી છે. ડીસીપી શ્રી જાડેજાનો તસ્વીર સાથેનો મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતાં સોૈ કોઇ તેમને અભિનંદન આપી રહ્યા છે. મેસેજના અંતમાં પોલીસ અને વહિવટી તંત્રને સાથે સહકાર આપી ઘરમાં જ રહેવા સલાહ અપાઇ છે.

(1:11 pm IST)