Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

તાયફાથી લોકો નારાજ ? પુરતી સંખ્યા ન થઇઃ આયોજકો માટે ખતરાની ઘંટડી

તિરંગા યાત્રાના ઢમઢોલમાં પોલઃ લોકો ઓછા, વિદ્યાર્થીઓએ આબરૂ સાચવીઃ રેલીઓ-યાત્રાઓ સંદર્ભે સામાન્ય શહેરીજનોમાં થઇ રહયો છે ગણગણાટ...: અનેક રસ્તાઓ પર ટ્રાફીકજામઃ સીટી બસો બંધ રહીઃ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતાં વાલીઓમાં કચવાટ

રાજકોટ, તા., ૧૩: આજે રાષ્ટ્રીય એકતા સમીતી દ્વારા વિશાળ તિરંગા યાત્રાનું સવારે આયોજન કર્યુ હતું. જેમાં મોટા ભાગે સ્કુલનાં વિદ્યાર્થીઓની જ સંખ્યા જોવા મળતાં આ યાત્રાને સફળ બનાવવામાં વિદ્યાર્થીઓએ આયોજકોની આબરૂ સાચવી હોવાની અને સાથોસાથ યાત્રાઓને કારણે સર્જાતી ટ્રાફીકજામની હાડમારી અને સ્કુલનાં વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર થતી માઠી અસર સહીતની બાબતોએ કચવાટ સાથે ગણગણાટ થતો હતો.

આજની યાત્રા સંદર્ભે સામાન્ય શહેરીજનો અને વિદ્યાર્થીઓ વાલીઓમાં ચર્ચાતી વિગતો મુજબ વિશાળ યાત્રા શહેરના રાજમાર્ગો-મુખ્ય ચોક વગેરેમાંથી પસાર થતા ધોરીનસ સમાન રસ્તાઓ બંધ હતા. ઠેર-ઠેર ટ્રાફીકજામ સર્જાયો હતો. જેના કારણે અનેક નગરજનો પોતાના ધંધા-રોજગારનાં સ્થળે મોડા પહોંચતા તેઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

તેવી જ રીતે આ યાત્રામાં સ્કુલનાં વિદ્યાર્થીઓને હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ ઉપસ્થિત રહેવા ફરજ પાડવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને સ્કુલ અને ટયુશનમાં રજા પડી હતી અને અભ્યાસમાં ખલેલ પહોંચી હતી. વિદ્યાર્થીઓ સાથે વાલીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ત્યારે આવી યાત્રાનાં આયોજનમાંથી વિદ્યાર્થીઓને મુકિત મળે તેવી લાગણી પણ વાલીઓએ વ્યકત કરી રહયા હતા.

આમ લોકોને ખોટી હેરાનગતી ન થાય તે પ્રકારે આયોજન બધ્ધ રીતે શહેરમાં રેલી તથા યાત્રા વગેરે યોજવામાં આવે તેવું સુચન શહેરીજનોમા કરી રહયા છે.

વિદ્યાર્થીઓને નાગરીક ગણાવી દેવા યુનિફોર્મ ન પહેરવા સૂચના

રાજકોટ તા. ૧૩ : આજે ભાજપ પ્રેરિત તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડવામાં આવેલ અમૂક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સંસ્થાના યુનિફોર્મ સિવાઇના કપડા પહેરીને આવવા સૂચના અપાયાનું ચર્ચાઇ રહ્યું છે. શૈક્ષણીક સંસ્થાઓને સૂચના આપીને ભેગા કરાયેલા વિદ્યાર્થીઓની ઓળખ છુપાવીને તેને સામાન્ય નાગરીક ગણાવવાનો પ્રયાસ થયાનો ગણગણાટ છે. યાત્રાને સ્વયંભૂ સફળ ગણાવવાનો આ કીમીયો હોવાનું કહેવાય છે.

(4:31 pm IST)