Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાજકોટમાં એકસાથે ૧૭ લોકોને ફાંસી : દિલધડક સીન

હાસ્ય કલાકાર સાંઈરામ દવેની નચિકેતાના એન્યુઅલ ફંકશનમાં કોર્ટ ઓફ માર્ટયર દ્વારા શહિદ ગાથાઓ રજૂઃ ૫૭૦ થી વધુ બાળકો દ્વારા ૧૮૫૭ના વિપ્લવથી લઈ ૧૯૪૭ની આઝાદી સુધીની કંઈક વણ કહેવાયેલી વાતો બખૂબી રજૂ : ત્રણેક હજારથી વધુ વાલીઓની ઉપસ્થિતિમાં શાનદાર કાર્યક્રમ

રાજકોટ : હાસ્ય કલાકાર સાંઈરામ દવેની સ્કુલમાં દર વર્ષે એક નવા કોન્સેપ્ટ પર એન્યુઅલ ફંકશન થાય છે. જેમાં આ વર્ષે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભકિતના બીજ રોપવા કોર્ટ ઓફ માર્ટયર નામનો મલ્ટીમીડીયા શો યોજાયો હતો. જેમાં ૫૭૦થી વધુ નચિકેતાઓએ ૧૮૫૭ના વિપ્લવથી લઈ ૧૯૪૭ની આઝાદી સુધીની કંઈક વણ કહેવાયેલી વાતોને બખૂબી રીતે રજૂ કરી. ક્રાંતિવીર ગરબડદાસ પટેલથી લઈને એવા કેટલાય શૂરવીરો છે જેમનો ભાગ્યે જ કયાંય ઉલ્લેખ છે તેવા વણ કહેવાયેલા હીરોને નચિકેતાઓએ ન્યાય આપવાની કોશિષ કરી હોવાનું યાદીમાં જણાવાયુ છે.

ત્રણેક હજારથી વધારે વાલીઓની તથા મહેમાનોની ઉપસ્થિતિમાં છ જેટલા સૂત્રધાર બાળકો દેશના કેટલાક પાત્રોને કોર્ટમાં ઘસડી લાવે છે. સતત સાડા ત્રણ કલાક સુધી દિલધડક ડાયલોગ સાથે એક સ્ટેજ પર ક્રાંતિવીરોની કોર્ટ ચાલે છે. જેમાં જહાંગીર, ભગતસિંહની જનેતા, અજીમુલ્લા ખાન, ગરબડદાસ પટેલ તથા સુભાષચંદ્ર બોઝ પર નચિકેતાઓ મુકદ્દમો ચલાવે છે અને ઈ.સ. ૧૮૫૭માં હાંસીયામાં ધકેલાયેલા પાત્રોને સુપેરે મંચ પર લાવે છે. સાથે બીજા સ્ટેજ પર દેશની આઝાદી માટે મથતા નરમદલ અને ગરમદલની હૃદયસ્પર્શી વાત રજૂ થાય છે.

મંગલ પાંડેથી માંડી ભગતસિંહ સુધીના સત્તર ક્રાંતિવીરોને એક સાથે ફાંસી જયારે  આપવામાં આવે છે ત્યારે મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટનું આંખુ ઓડીયન્સ ઉભુ થઈને સલામી આપે છે.

મંગલ પાંડેની શહાદતથી લઈ પાકિસ્તાનના ભાગલા સુધીની આઝાદીની આખી યાત્રા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખે છે.

'કોર્ટ ઓફ માર્ટયર્સ' કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષપદે શહીદ જયોતિન્દ્રસિંહ ઝાલાના પરીવારના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ. તેમજ આર્મીના નિવૃત અધિકારીઓ કેપ્ટન જયદેવ જોષી, રઘુવીરસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ પરમાર તેમજ વનરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંઘ પરિવારના ડો.ભાડેશીયા તથા પ્રદીપસિંહ વાઘેલા અમદાવાદથી ઉપસ્થિત રહ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય સમગ્ર કાર્યક્રમ જોઈને કહયુ હતું કે માત્ર દેશભકિતની થીમ ઉપર બાળકો પાસે આખો કાર્યક્રમ કરાવવો એ માત્ર નચિકેતા જ કરી શકે. નચિકેતા સ્કુલ જયાં માર્કશીટ કરતા ટેલેન્ટને જ સર્વપરી ગણવામાં આવે છે.

આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાય, કેપ્ટન જયદેવ જોષી, ડો.ભાડેશીયા (આર.એસ.એસ.) વિ. ઉપસ્થિત રહ્યા હતા.

(4:12 pm IST)