Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

સામા કાંઠાના ચાંદીના વેપારી મોહનભાઇ ડોડીયા સાથે કડીયા પિતા-પુત્રોની ૨૭.૨૨ લાખની ઠગાઇઃબે પકડાયા

ફરિયાદી કરણી સેનાના અધ્યક્ષ છેઃ ગાયત્રીનગરમાં રહેતાં અને સોની બજારમાં અક્ષર આર્ટ નામે ધંધો કરતાં કડીયા મુકેશ જેઠવા તથા તેના બે પુત્રો નિખીલ તથા દિપેશ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસે ઠગાઇનો ગુનો નોંધી કાર્યવાહી કરી

જેના વિરૂધ્ધ ઠગાઇનો ગુનો દાખલ થયો છે તેની ફાઇલ તસ્વીર ફરિયાદીએ મોકલી હતી, આમાંથી બેની પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ તા. ૧૩: સામા કાંઠે પેડક રોડ પર રહેતાં ચાંદીના ધંધાર્થી કારડીયા રાજપૂત વેપારી સાથે ગાયત્રીનગરમાં રહેતાં અને સોની બજારમાં દૂકાન ધરાવતાં તથા ચાંદીનો ધધો કરતાં કડીયા વેપારી તથા તેના બે પુત્રોએ  રૂ. ૨૭,૨૨,૮૬૮નો ચાંદીનો માલ મેળવી લઇ રૂપિયા ઓળવી જઇ ઠગાઇ કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે ગુનો નોંધી પિતા અને પુત્રની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક પુત્રની ધરપકડ બાકી છે.

બી-ડિવીઝન પોલીસે આ બનાવમાં પેડક રોડ સિતારામ સોસાયટી-૧માં રહેતાં અને એમઆરડી સિલ્વર નામે ચાંદીના દાગીના બનાવવાનો અને વેંચવાનો વેપાર કરતાં મોહનભાઇ રણમલભાઇ ડોડીયા (રાજપૂત) (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી ગાયત્રીનગર-૧૦માં હનુમાનજીની ડેરી સામે રહેતાં મુકેશ જેઠવા તથા તેના બે પુત્રો નિખીલ અને દિપેશ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. મોહનભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ત્રણેય પિતા પુત્રો સોની બજાર સવજીભાઇની શેરીમાં શરદ ચેમ્બરના પહેલા માળે અક્ષર આર્ટ નામની દૂકાનમાં બેસી ચાંદીનો વ્યવસાય કરે છે. મુકેશ અને નિખીલ જેઠવાએ ઇન્ડિયા આર્ટ મારફત મારા મેનેજર હિતેષભાઇ ખત્રીનો કોન્ટેકટ કર્યો હતો અને ધંધા બાબતે વાત કરી હતી. આ વાત મેનેજરે મને કરતાં મેં આ લોકોની દૂકાનની ખાત્રી કરવા કહ્યા બાદ મેનેજેર તપાસ કરી હતી. એ પછી ડિસેમ્બ્ર-૨૦૧૭ના એન્ડમાં મુકેશ  જેઠવા અને નિખીલ જેઠવા મારી દુકાને આવ્યા હતાં અને ચાંદીના દાગીના જોઇએ છે તેવી વાત કરી હતી. તેમજ અઠવાડીયામાં પેમેન્ટ ચુકતે કરી આપવાની ખાત્રી આપી હતી.

પ્રારંભે અમે તેને ૨૮ કિલો ૪૧૦ ગ્રામ ચાંદીની પાયલો ા. ૩૪૦૯૨ની ખરીદી ગયા હતાં. એ પછી ઉધાર માલ પેટે મને ૫ કિલો ૧૯૪ ગ્રામ ચાંદી પાછી આપી હતી. મજુરીના રૂ. ૧૪૦૯૨ લેવાના હતાં. આ પછી તેઓએ અલગ-અલગ વજનની ચાંદીના સોદા કર્યા હતાં. ૨૦૧૮માં ૨૫ કિલો ચાંદી, એ પછી ૫૦ કિલો, ૧૦ કિલો સહિતનો માલ ખરીદ કર્યો હતો. ૧૨/૦૨/૧૮ના રોજ મુકેશ જેઠવાએ બાકીના ૨૫ હજાર ચુકવ્યા હતાં.  ફરીથી આ સિલસિલો ચાલુ રહ્યો હતો અને અવાર-નવાર અલગ-અલગ વજનની ચાંદી-દાગીના તેઓ ખરીદી જતાં હતાં અને સામે પૈસા કે ચાંદી પરત આપતાં હતાં. આ રીતે  વેપાર ચાલતો હતો. છેલ્લે તેની પાસેથી મજૂરીના રૂ. ૧૭૬૨૫ લેવાના હતાં અને ફાઇન ચાંદી ૬૫ કિલો ૭૧૫ ગ્રામ અમારે લેવાની થતી હતી. તેની ઉઘરાણી કરતાં તેઓ થોડા દિવસમાં આપી દેશે તેવી વાતો કરતાં હતાં.

એ પછી વારંવાર ઉઘરાણી કરી તા. ૭/૩/૧૮ના રોજ તેની દૂકાને જતાં તેણે ફાનઇ ચાંદી ૯ કિલો ૦૮૬ ગ્રામ પાછી આપી હતી. છેલ્લે ૫૬ કિલો ૬૨૯ ગ્રામ ચાંદી તેની પાસેથી લેવાની નીકળતી હતી. આ માલની ફરી ઉઘરાણી કરતાં મને ૧૯/૩/૧૮ના ત્રિકોણબાગ પાસે બોાલવતાં મેંમારા મેનેજરને મોકલતા મુકેશ જેઠવાએ ૭૫ હજાર આપ્યા હતાં અને આગલુ પેમેન્ટ જોઇતું હોય તો વધુ માલ આપો તેમ કહ્યું હતું. ૭૫ હજાર તથા કુલ ૫૬ કિલો ૬૨૯ ગ્રામ ફાઇન ચાંદીમાંથી  બાદ કરતાં મારે ત્રણેય પાસેથી ૫૪ કિલો ૭૩૪ ગ્રામ ચાંદી લેવાની બાકી છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં આ લોકો પરત આપતાં નથી. ચાંદીની કિંમત રૂ. ૨૫,૪૭,૮૬૮ થાય છે.

આ ઉપરાંત બીજા વેપારી જેનીશભાઇને પાયલના રૂ. ૧,૭૫,૦૦૦ લેવાના છે. આમ ત્રણેય પિતા પુત્રએ મળી કુલ રૂ. ૨૭,૨૨,૮૬૮ની ઠગાઇ કરી હોઇ વાંરવાર માલની, પૈસાની ઉઘરાણી કરવા છતાં આપતાં ન હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે. બી-ડિવીઝન પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, વિજયગીરી, ચંદ્રસિંહ સહિતની ટીમે તપાસ શરૂ કરી બે આરોપીઓ મુકેશ જેઠવા અને એક પુત્ર નિખીલ મુકેશ જેઠવાની ધરપકડ કરી છે. બીજા પુત્રની શોધખોળ થઇ રહી છે. પોતે કોઇ ચીટીંગ નહિ કર્યાનું રટણ કરી રહ્યા હોઇ વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. 

ફરિયાદી મોહનભાઇ ડોડીયાએ જણાવ્યું હતું કે તેઓ કરણી સેનાના અધ્યક્ષ પણ છે. કડીયા પિતા-પુત્રોએ માત્ર પોતાની સાથે નહિ પરંતુ ચાલીસ-પચાસ વેપારીઓ સાથે આ રીતે ઠગાઇ કરી છે. જો કે કોઇ ફરિયાદ નોંધાવવા આગળ આવ્યું નથી.

(12:50 pm IST)