Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વેલેન્ટાઇનના વાયરા વચ્ચે બહાર આવેલો એક એવો કિસ્સો જેમાં હવે પ્રેમીને લાગી ગયું ગુનેગારનું લેબલ!

ફ્રેન્ડશીપ થઇ, ચોકલેટો ખાધી કિસ-હગનો ઘટનાક્રમ પત્યો પછી વાત અપહરણ કરી ગોંધી રાખવા સુધી પહોંચી : નાડોદાનગરના સાગર મેસવાણીયાએ સગીરાનું અપહરણ કરી ભગવતીપરામાં પોતાની ફ્રેન્ડ અબુના ઘરે ગોંધી રાખ્યાની ફરિયાદઃ પોલીસે સાગર, તેને મદદ કરનાર મિત્ર વિશાલ અને અબુ નામની છોકરી સામે ગુનો નોંધ્યોઃ સગીરાની પિત્રાઇ બહેનને સાગરનો મિત્ર વિશાલ પરમાર ભગાડી ગયો'તો...તેણે લિવ ઇન રિલેશનશીપ કરાર કરી લીધા

રાજકોટ તા.૧૨: વેલેન્ટાઇન વીકની વિશ્વભરમાં ઉજવણી થઇ રહી છે અને સર્વત્ર પ્રેમનો વાયરો ચાલી રહ્યો છે એ વચ્ચે શહેરમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ફ્રેન્ડશીપ, ચોકલેટ, હગ, કિસીંગ સહિતનો ઘટનાક્રમ પસાર થઇ ગયા બાદ વાત અપહરણ કરી ગોંધી રાખવા સુધી પહોંચી ગઇ છે!...હાલ પુખ્તવયની થવામાં નવેક મહિના ઓછા પડે છે તેવી સગીરાને પોતે આઠમા ધોરણમાં ભણતી હતી ત્યારે સાગર નામના યુવાન સાથે ફ્રેન્ડશીપ થયા બાદ બે દિવસ પહેલા સાગર તેણીને નંદા હોલ પાસેથી ભગાડી જઇ ભગવતીપરામાં પોતાની બીજી ફ્રેન્ડના ઘરે એક રાત ગોંધી રાખતાં અને આ કામમાં તેના મિત્રએ પણ મદદ કરી હોવાનું ખુલતાં ત્રણેય સામે ગુનો નોંધી પોલીસે સાગરને પકડી લીધો છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે ૧૭ વર્ષ ૩ મહિના અને ૩૦ દિવસની વયની સગીરાની ફરિયાદ પરથી નાડોદાનગર-૮માં રહેતાં સાગર વસંતભાઇ મેસવાણીયા (બાવાજી) તથા તેના મિત્ર નાડોદાનગર-૫માં રહેતાં વિશાલ પરમાર અને ભગવતીપરાની અબુબેન વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૪૨, ૧૧૪ અને પોકસો હેઠળ ગુનો નોંધી સાગરને સકંજામાં લીધો છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ માતા-પિતા સાથે રહુ છું અને ધોરણ-૧૦ સુધી અભ્યાસ કર્યો છે. હું જ્યારે ૮મા ધોરણમાં ભણતી હતી ત્યારે સાથે એક બહેનપણી ભણતી હતી જે સાગર મેસવાણીયાની બાજુમાં રહેતી હોઇ જેથી સાગર તેને સ્કૂલે મુકવા આવતો હોઇ તેની સાથે ઓળખાણ થઇ હતી અને તેનું પુરૂ નામ જાણવા મળ્યું હતું. એ પછી તે અવાર-નવાર નીકળતો અને સામુ જોયા કરતો હતો. પરિચય આગળ વધતાં ફ્રેન્ડશીપ થઇ હતી. એક વખત તે મને ઇશ્વરીયા ફરવા લઇ ગયો હતો અને ડેરીમિલ્ક ચોકલેટ આપી હતી. ત્યારબાદ અવાવરૂ જગ્યામાં લઇ જઇ શરીરે અડપલા કર્યા હતાં. ના પાડતાં તેણે 'આપણે લગ્ન કરી લઇશું' તેમ કહી કિસ કરી, હગ કરતાં મને તે ગમવા માંડ્યો હતો.

એ પછી તા. ૧/૨/૨૦૨૦ના રોજ મારા ઘરના સભ્યો લગ્ન પ્રસંગમાં હોઇ હું દાદી સાથે એકલી હતી. ત્યારબાદ હું મારી પિત્રાઇ બહેનને મળવા ગઇ હતી. પિત્રાઇ બહેન મને નંદા હોલ બગીચા પાસે કામ છે તેમ કહી એકટીવામાં સાથે લઇ ગઇ હતી. બપોરે પોણા ત્રણેક વાગ્યે બહેને તેના મિત્ર વિશાલને ફોન કરી બોલાવ્યો હતો. વિશાલે આવીને કહ્યું હતું કે આ તારી બહેન મારી સાથે આવે છે અને તારે સાગર સાથે ભાગી જવાનું છે. આમ વાત થયા બાદ વિશાલે સાગરને ફોન કર્યો હતો. ત્યાં સાગર પણ આવી ગયો હતો.  વિશાલ અને સાગરે એકબાજુ જઇ કંઇક વાતો કરી હતી. એ પછી વિશાલ અને મારી બહેન બાઇક પર નીકળી ગયા હતાં. સાગર મને તેના બાઇકમાં બેસાડી ભગવતીપરામાં રહેતી તેની અબુ નામની ફ્રેન્ડના ઘરે મુકી ગયો હતો. ત્યારે સાંજના પાંચેક વાગ્યા હતાં. ત્યારબાદ સાગરે અબુને કહ્યું હતું કે હું જ્યાં સુધી ફોન ન કરું ત્યાં સુધી આ છોકરીને તારે જવા દેવાની નથી. આમ કહી તે બાઇક લઇની નીકળી ગયો હતો.

બીજા દિવસે રાતે બારેક વાગ્યે સાગર અને બીજા એક ભાઇ આવ્યા હતાં. મને એકટીવામાં બેસાડી સાગરે રસ્તામાં સમજાવ્યું હતું કે પોલીસ પુછે તો કહેજે કે હું એકલી જ ગઇ હતી, સાચુ કહેવાનું નથી. એ પછી અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. જ્યાં ઘરના બધા સભ્યો પણ હતાં. સાગરે તેના મિત્ર વિશાલના કહેવાથી મને ભગવતીપરામાં લઇ જઇ તેની ફ્રેન્ડના ઘરે ગોંધી રાખી હતી. જે તે સમયે હું ગભરાઇ ગઇ હતી અને સાગરે સમજાવી હોઇ મેં ઘરે કોઇની વાત કરી નહોતી. પછી સ્વસ્થ થઇ ઘરમાં વાત કરતાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. કાયદાની નજરે આ ઘટનામાં ગુનો બનતો હોઇ પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એસ. એન. જાડેજા, મહિલા કોન્સ. દક્ષાબેન ગુજરાતી, મહિલા સામાજીક કાર્યકરોની હાજરીમાં સગીરાની ફરિયાદ પરથી સાગર અને તેના મિત્ર વિશાલ તથા તેની ફ્રેન્ડ અબુ વિરૂધ્ધ અપહરણ, મદદગારી, જાતિય સતામણી, ગેરકાયદે ગોંધી રાખવાની અને પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી સાગર વસંતભાઇ મેસવાણીયા (ઉ.૨૩)ને સકંજામાં લીધો છે. તેના કહેવા મુજબ મિત્ર વિશાલ સાથે ભાગેલી સગીરાની બહેને લિવ ઇન રિલેશનશીપ કરાર કરી લીધા છે.   પોતાને સગીરા સાથે પ્રેમ હોઇ ભગાડી હતી, પોતે પણ લગ્ન કરવાના હતાં. પણ છોકરીની ઉમર ઓછી પડી ગઇ હતી. તેના અવા રટણ અંગે પીઆઇ વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

(11:49 am IST)