Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આજીડેમના મેલડી માતાના મંદિરના નામે ફાળો ઉઘરાવતા લેભાગુઓ વિરૂદ્ધ રજૂઆત

બોગસ પહોંચ બુક-ખોટા કાગળો ઉભા કરીને થતા ઉઘરાણા : મંદિરનો વહીવટ સંભાળતા દિવાળીબેન સેલાણીની પોલીસ કમિશનરને ફરીયાદ

રાજકોટ, તા. ૧૩ : આજીડેમ પાસે આવેલા સુપ્રસિદ્ધ હાથીધરાવાળા મેલડી માતાજીના મંદિરના નામે ફંડ-ફાળો ઉઘરાવતા લેભાગુ શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

નવા થોરાળામાં રામનગરમાં રહેતા દિવાળીબેન સવસીભાઇ સેલાણીએ પોલીસ કમિશનરને લેખિત ફરીયાદ કરી છે. રામનગરમાં રહેતા દિવાળીબેને લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે, આજીડેમ વિસ્તારમાં આવેલા શ્રી હાથીધરા વાળા મેલડી માતાજીના મંદિરના નામે ફંડફાળો ઉઘરાવતા લેભાગુ શખ્સો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી માંગણી છે. પોતે ઘણા સમયથી મંદિરનું સંચાલન કરે છે. અમુક શખ્સો મંદિરના નામથી બોગસ પહોંચ બુક અને ખોટા દસ્તાવેજો ઉભા કરી ધર્મપ્રેમી જનતા તથા ભકત સમુદાય પાસેથી ફંડફાળો ઉઘરાવી રહ્યા છે તેમની માનતા પૂરી કરવા તથા તાવો કરવા માટે આવતા ભકતજનો પાસેથી ફંડફાળો ઉઘરાવી રહ્યા છે. અમો શ્રી હાથીધરા વાળા મેલડી માતાજીના મંદિરની જગ્યા દ્વારા કોઇપણ પ્રકારનો ફંડ-ફાળો ઉઘરાવવા કોઇ પહોંચ બુક કે કાગળો છપાવેલ નથી કે કોઇને માતાજીની જગ્યાના નામે કે માતાજીની જગ્યાના વિકાસ કે બાંધકામ માટે કે, કોઇ ટ્રસ્ટ બનાવવા માટે કોઇને સત્તા કે અધિકાર આપેલ નથી કે આવી કોઇ કાર્યવાહી મંદિર તરફથી કરવામાં આવી નથી, તેમ જણાવાયું છે. અમુક લેભાગુ તથા મંદિરની જગ્યાના નામે લોકો પાસેથી ખોટુ બોલીને ફંડફાળો ઉઘરાવી રહેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

(11:48 am IST)