Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

રાજકોટ ટેલીકોમમાં ગ્રાહકોની માઠી દશાઃ ફોલ્ટમાં કલાકોએ વારોઃ બીલ ભરવામાં પણ લાંબી લાઈનો

નિવૃત થનાર કે હયાત-તમામના બે મહિનાના પગાર થયા નથીઃ હવે ભૂખ હડતાલઃ વીઆરએસમાં ૫૭૬ કર્મચારી-અધિકારીઓ નિવૃત થતા અને સ્ટાફ નહિ મુકાતા સ્થિતિ ભારે ખરાબ

બીલ ભરવામાં, બીલ ઈન્કવાયરી, ફોલ્ટમાં રાજકોટ ટેલીકોમમાં લાંબી લાઈનો લાગી રહી છે. ગ્રાહકો હેરાન-પરેશાન થઈ ગયા છે તે નજરે પડે છે

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ ટેલીકોમ તંત્રમાં હવે ગ્રાહકોની માઠી દશા ઉદ્ભવી છે.

ટેલીકોમ ખાતામાં વીઆરએસ સિસ્ટમ આવી તેમાં રાજકોટના ૫૭૬ કર્મચારી-અધિકારીઓ સહિત દેશભરમાં એકી સાથે ૮૦ હજાર જેટલા નોકરીયાતોએ બીએસએનએલને રામરામ કરી દીધા અને તેના પરિણામે હવે સ્ટાફની તોતીંગ અછત ઉદ્ભવી છે.

એકલા રાજકોટની જ વાત કરીએ તો રાજકોટના ૧૨ એક્ષચેન્જમાં થઈને કુલ ૮૫૦માંથી ૫૭૬ના સ્ટાફે વીઆરએસ લઈ લીધુ છે, પાછળ હવે ૨૪૦થી ૨૫૦નો સ્ટાફ રહ્યો છે અને પરિણામે એક એક કર્મચારી પાસે ૩ થી ૪ ટેબલનું કામ થઈ પડયુ છે. વિગતો મુજબ ખાસ કરીને રાજકોટના લેન્ડલાઈન ગ્રાહકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અંદાજે ૧ લાખમાં વધુ ગ્રાહકોમાંથી રોજની ફોલ્ટની ૩૦થી ૪૦ ફરીયાદો સામે ફોલ્ટ રીપેરમાં કલાકો સુધી વારો આવતો ન હોવાની ફરીયાદો છે, ગ્રાહકો ફરીયાદ કરવા દોડે છે, પણ કોઈ જવાબદાર અધિકારી હાજર નથી.

આ ફોલ્ટ જ નહી, લોકોને અન્ય કામગીરી માટે કલાકો લાઈનોમાં ઉભા રહેવુ પડે છે. બીલીંગમાં, બીલની ઈન્કવાયરીમાં ૧ કલાક લાઈનોમાં ઉભા રહેવુ પડે છે. સિનીયર સીટીઝનો હેરાન થઈ ગયા છે, માત્ર ૨ થી ૩ કાઉન્ટરને કારણે દેકારો મચી ગયો છે.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ ફોલ્ટ રીપેર માટે જે પુરતો સ્ટાફ હોવો જોઈએ તે છે જ નહીં, માંડ ૨ થી ૩નો સ્ટાફ કેટલે પહોંચે ?

આ ઉપરાંત વીઆરએસ લેનાર અને હાલ જે નોકરી ઉપર છે તે સ્ટાફમાં પણ પ્રચંડ રોષ છે, ડીસેમ્બર-જાન્યુઆરી બે મહિનાનો પગાર થયો નથી, તો ગ્રેચ્યુટી પણ ચૂકવાઈ નથી, ગઈકાલે દેખાવોે બાદ હવે ભૂખ હડતાલનું એલાન અપાયુ છે.  સ્ટાફ અને ગ્રાહકોની ભારે ખરાબ દશા બીએસએનએલના તંત્રે કરી નાખી છે.

(3:56 pm IST)