Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોટી નાગાજણ ખાતે મોમાઈ માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા

વાંક પરિવાર દ્વારા ધાર્મિક આયોજન : આહિર સપૂત પૂ.દેવાયતબાપા બોદરની પ્રતિમા - મુખ્ય પ્રવેશદ્વારનું અનાવરણ : તા.૬ થી ૮ ડિસેમ્બર ધર્મોત્સવ : દેવ ડાયરા (ડાક), સંતવાણીના કાર્યક્રમો : મહંત પૂ.ઈન્દ્રભારતી બાપુ આર્શીવચન પાઠવશેઃ સર્વજ્ઞાતિની ૧૩ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : સમસ્ત આહિર સમાજને જાહેર આમંત્રણ પાઠવતા વિજયભાઈ વાંક

રાજકોટ, તા. ૨ : વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિ સાથે સંકળાયેલ વાંક પરિવાર દ્વારા તા.૬ થી ૮ ડિસેમ્બરના રાજકોટથી ૬૦ કિ.મી. દૂર આવેલ મોટી નાગાજણ ગામ ખાતે શ્રી મોમાઈ માતાજીના નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાથે સાથે ભારત રાષ્ટ્રનું ગૌરવ આહિર વીર સપૂત શ્રી દેવાયત બાપા બોદરની મૂર્તિ (પ્રતિમા) અનાવરણ તેમજ મોટી નાગજણ ગામના મુખ્ય પ્રવેશ દ્વારા અનાવરણ કાલાવડ (શીતલા) મોટી નાગાજણ ગામ ખાતે વાંક પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના નૂતન મંદિરનું વાજતે - ગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિ-દિવસીય આયોજન કરવામાં આવ્યુ છે.

કાર્યક્રમની વિગતવાર માહિતી આ મુજબ છે. તા.૬ ડિસે. હેમાદ્રી પૂજન, સૂર્યવંદના, દેવીપૂજન, પ્રસાદ - વાસ્તુ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. તા.૭ ડિસે.માં મોમાઈના પટાંગણમાં દેવ ડાયરા (ડાક)નું આયોજન થશે. જેમાં ગુજરાતનું ગૌરવ હિતેષભાઇ રાવળ, જીતેશભાઈ રાવળ, ધર્મેશભાઈ રાવળ તેમજ કરના રાવળદેવ ભરતભાઈ બોડા માતાજીના ગુણગાન ગાશે જયારે સાંજના ૮:૩૦ કલાકે આયોજીત સંતવાણી કાર્યક્રમમાં શ્રી દેવાયતભાઈ ખવડ, કાઠીયાવાડી કોયલ બહેન શ્રી મીરાબેન આહીર, લોકગાયક રીયાજ મીર લાખાભાઈ કુંભરવાડીયા વગેરે કલાકારો જમાવટ કરશે.

જયારે તા.૮ ડિસે.ના બીડુ હોમવાનું મહાઆરતી તેમજ બપોરે મહાપ્રસાદ રાખેલ છે. આજુબાજુના ૧૧ ગામોને ધુવાણાબંધ મહાપ્રસાદનું આયોજન કરેલ છે.

શ્રી મોમાઈ માતાજીના પટાંગણમાં વાંક પરિવાર દ્વારા ૨૩માં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે. જેમાં ૧૩ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે સાથે સાથે ગામની જ દેવીપૂજક સમાજની બે દિકરીઓ સાસરે વળાવશે. વાંક પરિવાર આ લગ્ન ઉત્સવને યાદગાર બનાવવા માટે અષાઢી ગાયક ઉમેદ ગઢવી કોયલકંઠી કિરણ બારોટ ભાતીગણ લગ્ન ગીત રજૂ કરશે. દીકરીઓને સંપૂર્ણ કરીયાવર તેમજ મહાપ્રસાદના યજમાન શ્રી બાબુભાઈ રામસુરભાઇ વાંક રહેશે.

આ કાર્યક્રમમાં સ્વ.રામસુરભાઈ ગોરાભાઈ વાંક, સ્વ.શિવમાં રામસુરભાઈ વાંક, સ્વ. બટુકભાઈ રામસુરભાઈ વાંક, સ્વ.રાધાબેન વિજયભાઈ વાંક, સ્વ.યજ્ઞ વિક્રમભાઈ વાંકના સ્મરણાર્થે ગામના મુખ્ય પ્રવેશ દ્વાર અનાવરણ અને ભારત રાષ્ટ્રને ગૌરવ અપાવનાર આહિર વીર સપૂત શ્રી દેવાયતબાપા બોદરની પ્રતિમા અનાવરણ ઉદ્દઘાટન સમારોહ શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત શ્રી ઈન્દ્રભારતી બાપુ ગુરૂ શ્રી પ્રેમભારતી બાપુ દ્વારા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સમસ્ત આહિર સમાજના આગેવાનો સાંસદ સભ્ય શ્રી, ધારાસભ્યશ્રીઓ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

વાંક પરિવારના ભાઈઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં કોંગી કોર્પોરેટર અને આહિર સમાજના આગેવાન સર્વેશ્રી વિજયભાઈ વાંક, રમેશભાઈ વાંક, મહેશભાઈ વાંક, મયુરભાઈ વાંક, સંદિપ વાંક, નીડર વાંક, હાર્દિક વાંક અને મયુર વાંક નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:32 pm IST)