Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પ્રદેશ કોંગ્રેસ માળખામાં મોવડી મંડળ યુવા-સિનિયરોનું સમતુલન જાળવશે

આગામી ચૂંટણીઓને ધ્યાને લઇને મજબૂત માળખા માટેની કવાયત

રાજકોટ, તા. ર : આગામી વર્ષે યોજાનાર મહાનગર પાલિકા તથા પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ મોવડી મંડળે હવે જમ્બો નહીં પરંતુ નાનુ પરંતુ વધુ અસરકારક અને મજબૂત માળખુ બનાવવા કવાયત આદરી છે. સુત્રોના જણાવ્યા મુજબ હવે યુવા અગ્રણીઓ અને સીનિયર અગ્રણીઓને સમતુલીત રીતે સમાવીને મોવડી મંડળ સંતુલન જાળવશે. ગુજરાત કોંગ્રેસમાં એવો સૂર ઉઠયો છે કે, કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવવી જોઇએ. આ જોતા કોંગ્રેસે ભાજપ સરકાર વિરૂદ્ધ ખેડૂતોની સમસ્યાથી માંડીને બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દા ઉઠાવી પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત કોંગ્રેસે હવે સંગઠનને વધુ મજબૂત કરવાની દિશામાં તૈયારીઓ કરી છે.

હાઇકમાન્ડના આદેશ મુજબ, આ વખતે ગુજરાત કોંગ્રેસનું માળખુ ૧૦૦ સભ્યોનું હશે. ગત વખતની જેમ ૪૦૦ સભ્યોનું જમ્બો સંગઠન નહીં રચવા દિલ્હીથી આદેશ અપાયો છે. હાલમાં પ્રદેશ માળખાની રચનાને લઇને પ્રદેશ નેતાગીરીએ કવાયત શરૂ કરી દીધી છે. અત્યારે સંગઠનના પૂર્વ હોદ્દેદારો ના પર્ફમન્સ રિપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે જે હોદ્દેદારોની કામગીરી સારી હશે તેને જ પુનઃ હોદ્દો આપવામાં આવશે. નબળી કામગીરી ધરાવતા હોદ્દેદારોને ઘર ભેગા કરાશે. આ વખતે યુવા નેતા અને સિનિયર નેતાઓનો સમન્વય કરીને માળખુ રચાશે.

આ સપ્તાહમાં બેઠકોનો દોર શરૂ થશે. જેમાં ર૮મી ડિસેમ્બરથી શરૂ થનારી સભ્ય નોંધણી ઝુંબેશ ઉપરાંત ૧૪મી ડિસેમ્બરે દિલ્હી ખાતે યોજાનારા કોંગ્રેસના દેખાવો અંગે ચર્ચા થશે. આ બંન્ને કાર્યક્રમ બાદ પ્રદેશ સંગઠનની કામગીરી શરૂ થઇ જશે. આગામી દિવસોમાં રાજયમાં મહાનગર પાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબુત કરવા પ્રદેશ નેતાગીરી સક્રિય બની છે.

(11:44 am IST)