Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

રાષ્ટ્રીય શાળા કવાર્ટરમાં સંદિપ ચારેક માસથી સોનુ મારવાડી અને સુરેશ સિંધીનો દારૂ ઉતારતો'તો

પાંચેક વખત જથ્થો ઉતારી કટીંગ કરી નાંખ્યું: સંદિપ એક બોટલ દીઠ રૂ. ૧૦૦ ભાડૂ વસુલતોઃ ૧૦ દિ'ના રિમાન્ડ મંગાયા

રાજકોટ તા. ૨: રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં જસાણી કોલેજ સામેના કવાર્ટરમાંથી એ-ડિવીઝન પોલીસે રૂ. ૫,૧૮,૦૦૦નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો. આ દારૂ જેના કવાર્ટરમાં ઉતર્યો હતો એ શખ્સ સંદિપ દિલીપભાઇ દક્ષિણી (ઉ.૩૨) મળી આવ્યો નહોતો. દરમિયાન આ શખ્સને ગઇકાલે હોમી દસ્તુર માર્ગ પરથી પોલીસે પકડી લીધો હતો. તેણે પ્રાથમિક પુછતાછમાં કબુલ્યું છે કે જંકશનના સુરેશ સિંધી અને રાજસ્થાનના સોનુ મારવાડીનો આ દારૂ હતો. તે આ બંનેને પોતાનું કવાર્ટર દારૂ ઉતારવા માટે ભાડે આપતો હતો. એક બોટલ દીઠ સો રૂપિયા ભાડુ વસુલતો હતો. ચારેક મહિનામાં પાંચેક વખત આ રીતે દારૂનો જથ્થો ઉતારી 'કટીંગ' કરી નાંખવામાં આવ્યો હતો. પોલીસ તેની આ કેફીયત ચકાસવા વિશેષ પુછતાછ કરી રહી છે અને ૧૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. વી. સાખરા, એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્સ. હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નરેશભાઇ ઝાલા, મોૈલિકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક, મેરૂભા ઝાલા સહિતે રવિવારે બાતમી પરથી સંદિપને સકંજામાં લઇ લીધો હતો. એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીએસઆઇ સાખરા અને ટીમે આ કામગીરી કરી હતી. સંદિપે એવું રટણ કર્યુ છે કે પોતાને પૈસાની જરૂર હોઇ જંકશનના સુરેશ સિંધીનો સંપર્ક થતાં તેણે દારૂ ઉતારવાની જગ્યા માટે વાત કરતાં પોતે બોટલ દીઠ સો રૂપિયા ભાડુ વસુલી માલ ઉતારવા દેવા તૈયાર થયો હતો. રાજસ્થાનના સોનુ મારવાડી અને જંકશનના સુરેશ સિંધીએ ચાર-પાંચ વખત આ રીતે દારૂ ઉતાર્યો હતો. (૧૪.૧૨)

(1:10 pm IST)