Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દ્વારકાધીશ સોસાયટીમાં થયેલી ૧.૭૮ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો : રીઢો ચોર પ્રદીપ ઉર્ફે પદીયો પકડાયો

ધોળા દિવસે જ બંધ મકાનને ટાર્ગેટ બનાવતો : એક રાજકોટ અને બે સુરેન્દ્રનગરની ચોરીનો ભેદ ખૂલ્યો : માલવીયાનગર પોલીસ મથકના કોન્સ ભાવેશભાઇ, હરપાલસિંહ અને દેવાભાઇની બાતમી

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, પીઆઇ ચુડાસમા બાજુમાં પકડાયેલો પ્રદીપ ઉર્ફે પદીયો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ : મવડી દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં થયેલી રૂા. ૧.૭૮ લાખની ચોરી અને ચોટીલામાં બે મકાનમાં થયેલી ચોરીનો માલવીયાનગર પોલીસે ભેદ ઉકેલી ગુલાબનગરમાં રહેતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એસ. ગેડમની સૂચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ. ચંપાવત તથા હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, મસરીભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, દેવાભાઇ તથા ભાવીનભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. ભાવેશભાઇ, હરપાલસિંહ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે ખોડીયારનગર ગૌશાળા સામેથી રીઢો તસ્કર પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયા (ઉ.ર૦) (રહે. ગુલાબનગર શેરી નં. ૬, કોઠારીયા રોડ)ને જીજે૩-એલએ-૪૧૧૮ નંબરના બાઇક સાથે પકડી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા પ્રદીપ ઉર્ફે પદીયો કાળુભાઇ પઢારીયાએ ચાર દિવસ પહેલા દ્વારકાધીશ સોસાયટી શેરી નં.  ૩ શ્રી ક્રિષ્ના આર્કેટ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૬ માં રહેતા નીતિનભાઇ ભીખુભાઇ મહેતાના ફલેટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂા. ૧,૭૮,૬૦૦ની મતાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. ઉપરાંત તેણે સાત મહિના પહેલા ચોટીલામાં બે મકાનમાં પણ બંધ મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોતે એકલો દિવસ દરમ્યાન પોતાનું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને જુદા જુદા વિસ્તારોમાં ફરતો અને જયાં મકાન બંધ જોવે ત્યાં ચોરી કરતો હતો અને ડીસમીસ પણ સાથે રાખતો હતો તે અગાઉ ગાંધીગ્રામ, માલવીયાનગર, આજીડેમ અને જસદણ પોલીસ મથકમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(4:14 pm IST)