Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ભરત ભકતાણીનો પ્ર.નગર પોલીસ મથક સામે આપઘાતનો પ્રયાસ

રેલનગરનો સાગર વલેચા અને પરસાણાનગરનો મુસ્તાક ખીયાણી સામે મનીલેન્ડ હેઠળ ગુનો

રાજકોટ તા.૯: શહેરના પોપટપરા નજીક નાલા સામે શાસ્ત્રીનગરમાં રહેતા સીંધી યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રદ્યુમનનગર પોલીસ મથકની સામે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખસેડાયો છે. આ બારામાં પ્ર.નગર પોલીસે બે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ જંકશન મેઇન રોડ પોપટપરા નાલાની સામે શાસ્ત્રીનગર શેરી નં.૩માં રહેતા લાજવંતી બેન ઉધારામભાઇ ભકતાણી (ઉ..વ૫૦)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં રેલનગરના સાગર રમેશ વલેચા અને પરસાણાનગર-૭ના મુસ્તાક હુસેનભાઇ ખોયાણીના નામ આપ્યા છે. લાજવંતીબેને ફરીયાદમાં જણાવ્યુ છે કે , પોતે ઘરે શિવણ કામ કરે છે. રવી અને નાનો ભરત (ઉ.વ.૨૬)નો છે. ભરત છેઁુટક કાપડની ફેરી કરે છે. પતિ દાળ પકવાનની રેકડી ચલાવે છે. ત્રણ માસ પહેલા નાના દીકરા ભરતનો મિત્ર સાગર વલેચા ઘરે આવેલ  અને કહેલ કે તમારા દિકરા ભરતને મે ૬૦ હજાર વ્યાજે આપ્યા છે. તે રૂપીયા તથા વ્યાજ મને આપી દો' તેમ વાત કરતા જે તે વખતે પુત્ર ભરતને વાત કરતા તેણે કહેલ કે પોતે રૂ. ૬૦ હજાર ૧૦ ટકા લેખે વ્યાજે સાગર પાસેથી લીધા છે. અને તે મારી પાસે પઠાણી ઉઘરાણી કરે છે. જેથી આ બાબત મારા ધ્યાન ઉપર આવતા પોતાના પુત્રના પ્રશ્નના નિરાકરણ માટે વ્યાજ બાબતેના પ્રશ્ન અનુસંધાને પોતે અગાઉ હેમુ ગઢવી હોલ ખાતે વ્યાજખોરો સામેના લોકદરબારમાં ગયા તે વખતે પોલીસે પોતાને વ્યવસ્થિત સાંભળેલ અને પ્રશ્ન દુર કરી અન્ય સામાવાળાઓ સાથે  ઘરમેળ સમાધાન થયુ હતુ. પરંતુ જે તે વખતે પોતે આ સાગર વિરુધ્ધમાં કોઇ ફરીયાદ કરી ન હતી. ત્યારબાદ આ સાગર છેલ્લા એક અઠવાડીયાથી પુત્ર ભરતને ધાકધમકી આપી હેરાન પરેશાન કરી પૈસા આપવાનુ દબાણ કરતો હોઇ, ગઇકાલે રાત્રે સાગર તથા પરસાણાનગરનો મુસ્તાક હુસેનભાઇ ખીયાણી ઘરે આવી ગાળો આપી અમારા પૈસા જે વ્યાજ સાથેના છે. તે આપી દો. તેમ કહી ગાળો આપી પૈસાની પઠાણી ઉઘરાણી કરી જતા રહ્યા હતા. બાદ પોતે આ બંને વિરુધ્ધ ફરિયાદ કરવા માટે પ્ર.નગર પોલીસ મથકે આવતા હતા તે દરમ્યાન સાગર અને મુસ્તાક અમારી પાછળ આવતા પોલીસ સ્ટેશન બહાર મળી જતા બનેએ ફરીયાદ નહી કરવાનુ દબાણ કરતા પુત્ર ભરતે એકટીવાની ડેકીમાંથી બોટલ કાઢી એસીડ પી લીધુ હતુ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે પ્ર.નગર પોલીસે લાજવંતીબેનની ફરિયાદ પરથી સાગર અને મુસ્તાક વિરુધ્ધ મનીલેન્ડ એકટ હેઠળની તથા આઇપીસી ૩૮૬,૩૮૭, ૫૦૬(૨), ૫૦૪ તથા ૧૧૪ મુજબની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ આર.એન. હાપલીયાએ તપાસ આદરી છે.

(3:51 pm IST)