Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

પીજીવીસીએલના ડે. ઇજનેર ગોહેલની બદલી ખોટી રીતે થતા જીબીઆ લાલઘુમઃ મચી ગયેલો દેકારોઃ બદલી રોકો નહીં તો દરરોજ રામધૂન

અધીક્ષક ઇજનેરને પાઠવાતું આવેદનઃ મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન ફીડર માત્ર પ સેકન્ડ માટે બંધ થયો હતો

એચટી-૩ના ડે. ઇજનેર શ્રી ગોહેલની બદલીના વિરોધમાં જીબીઆના બી. એમ. શાહ તથા અન્યોએ દેખાવો યોજી આવેદન પાઠવ્યું હતું.

રાજકોટ તા. ૯: જીઇબી એન્જીનીયર્સ એસો. એ પીજીવીસીએલના અધીક્ષક ઇજનેરને આવેદન પાઠવી નાયબ ઇજનેર એમ. એમ. ગોહેલની કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધ થયેલ બદલી તાત્કાલિક અસરથી રદ કરવા ન થાય ત્યાં સુધી શહેર વર્તુળ કચેરીના તમામ ઇજનેરો શહેર વર્તુળ કચેરી પાસે રામધુન બોલાવશે તેમ ચેતવણી આપી છે.

આવેદનમાં ઉમેર્યું છે કે, જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનના ધ્યાને આવેલ છે કે વિજયાદશમીના તહેવારના દિવસે રાજકોટ ખાતે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હોય-સંપૂર્ણ વ્યવસ્થા પાવર સપ્લાય માટે ગોઠવવામાં આવેલ, જે નિયમિત રીતે હોય જ છે. ગઇકાલે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સમયે ૧૧ કે. વી. કસ્તુરી ફીડરમાં લાઇટીંગ એરેસ્ટર ફાટતા ફીડર આશરે ૪ થી પ સેકન્ડ માટે બંધ થયેલ હતો અને તે દરમ્યાન તુરંત નિયમ મુજબ જનરેટર ઉપર પાવર લઇ લેવામાં આવેલ. સભામાં આના કારણે કોઇ વિક્ષેપ પડેલ ન હતો. આપણું નેટવર્ક ખુલ્લું હોય ટ્રીપીંગ આવવાની શકયતાઓ ખૂબ રહેતી હોય અને તે આપણા હાથની વાત પણ નથી અને તેથીજ તો જનરેટર સેટ અવશ્ય રાખવામાં આવેછે.  પરંતુ ઘણા દુઃખ સાથે જણાવવાનું કે નાયબ ઇજનેર એચટી-૩ સબ ડીવીઝનના શ્રી એમ. એમ. ગોહેલનો આ બાબતે કોઇ વાંક ના હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા કુદરતી ન્યાયના સિદ્ધાંતને અનુસર્યા વગર રાજકોટથી અંજાર બદલી કરવામાં આવેલ છે તેનો જીબીઆ સખત વિરોધ કરે છે અને આ ઓર્ડર તાત્કાલિક અસરથી રદ કરવા માટે અમારો આગ્રહ છે.

ટોપ મેનેજમેન્ટ સમક્ષ વર્ષોથી શ્રી ગોહેલ દ્વારા એચટી-૩ સબ ડીવીઝનમાં અસહ્ય વર્ક લોડ હોય સબ ડીવીઝન બાયફરકેશન માટે પ્રપોઝલ મોકલાવેલ છે. સ્ટાફની અછત હોય પુરતો સ્ટાફ આપવા જણાવેલ છે. પોતાના વિસ્તારમાં નવા ૬૬ કે.વી. સબ સ્ટેશનોની તાત્કાલિક જરૂરીયાત હોય ટોપ મેનેજમેન્ટને પ્રપોઝલો મોકલાવેલ છે. ટોપ મેનેજમેન્ટને ધ્યાન ઉપર છે કે રાજકોટનો ઘણો ખરો વિસ્તાર તથા ડેવલોપમેન્ટ પણ એચટી-૩ સબ ડીવીઝન હેઠળ તથા એચટી વીજ જોડાણો પણ મોટેપાયે તેમની નીચે આવેલ છે.

શ્રી ગોહેલ વર્ષોથી અડધા સ્ટાફથી સબ ડીવીઝન ચલાવે છે. જ ીબીઆ દ્વારા પણ અવારનવાર પુરતો સ્ટાફ તમામ સબ ડિવિઝનોમાં મળી રહે-સબ ડીવીઝનની બાયફરકેશન-ડીવીઝન સ્ટોર, ટીએમએસ-૩ વગેરે માટે રજુઆતો કરવામાં આવેલ છે, પરંતુ પરિણામ મળતું નથી. આમ, મેનેજમેન્ટની નિષ્ફળતાઓ જોવામાં આવતી નથી અને નાના ઇજનેરોની કોઇપણ પ્રકારની ભૂલ ના હોય તો પણ તેને સજા કરવામાં આવે છે. આ તકે આપને જણાવીએ છીએ કે શહેર વર્તુળ કચેરી હેઠળ એક પણ ઇજનેરને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તેનો તુરંત જ પ્રતિકાર કરવામાં આવશે. વર્ષોથી જે કોઇ સારા પરિણામો મળે છે તે ઇજનેરો અને કર્મચારીઓની મહેનતના કારણે જ છે તે મેનેજમેન્ટે ધ્યાને લેવું જરૂરી છે.આપને વિનંતી છે કે ટોપ મેનેજમેન્ટ સમક્ષ સત્ય હકીકત રજુ કરી તાત્કાલિક અસરથી આ બદલીનો ઓર્ડર રદ કરી શ્રી ગોહેલને ન્યાય આપવો. શ્રી ગોહેલનો બદલીનો ઓર્ડર રદ નહિં થાય ત્યાં સુધી શહેર વર્તુળ કચેરીના તમામ ઇજનેરો શહેર વર્તુળ કચેરી પાસે રામધુન બોલાવશે અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનો કરવાની ફરજ ઉભી થશે. પીજીવીસીએલના અન્ય વર્તુળ કચેરીના હોદેદારોએ ભવિષ્યમાં આંદોલનમાં જોડાવવા માટે રાજકોટ શહેરને ટેકો આપેલ છે. જે આપણી જાણ માટે આ અંગે જે કોઇ પરિણામ આવશે તેની સંપુર્ણ જવાબદારી મેનેજમેન્ટની રહેશે.

(3:48 pm IST)