Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

રાજકોટ મહાપાલિકાએ આવાસ યોજનાના વેઇટીંગ લીસ્ટ અરજદારોને અન્યાયઃ લાખોની ડીપોઝીટનું વ્યાજ તંત્રએ ખાધુ?: કોંગ્રેસ

૨૦૧૪માં ૨૦ હજારની ડીપોઝીટ વસુલાયેલ જેનાં વેઇટીંગ લીસ્ટના અનેક અરજદારોને મકાન નહી ફાળવી તંત્રએ અન્યાય કર્યોઃ વિપક્ષીનેતા વશરામ સાગઠિયાનો આક્ષેપ

રાજકોટ તા.૯: મ્યુ.કોર્પોરેશનની આવાસ યોજનાના વેઇટીંગ લીસ્ટના અનેક લાભાર્થીઓને પાંચ-પાંચ વર્ષથી મકાન નહી ફાળવી અને તંત્રએ તેઓને અન્યાય કર્યાનો અને આ લાભાર્થીઓની ડીપોઝીટનુ વ્યાજ વર્ષો સુધી તંત્રએ ખાધુ હોવાનો ગંભીર આક્ષેપ વિપક્ષીનેતાં વશરામભાઇ સાગઠિયાએ કર્યા છે. આ અંગે શ્રી સાગઠિયાએ એક નિવેદનમાં જણાવ્યુ છે કે વર્ષ ૨૦૧૪માં મુખ્યમંત્રી આવાસ યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવેલ હતા જેમાં ૧-બીએચકેના ૭,૫૦૦ અને ૨-બીએચકેના ૨૦૦૦૦ જેવી ડીપોઝીટ લેવામાં આવેલ છે જેના ડ્રોમાં મોટા પાયે ગેરરીતી થયાનું પણ જાહેર ફોર્મ ભરેલા લોકોની પાંચ-પાંચ વર્ષથી ડીપોઝીટના વ્યાજ તંત્રએ ખાધુ હતુ.

આમ તંત્ર વાહકો નાના અને મધ્યમ વર્ગના લોકો સાથે લાપરવાહી દાખવી રહેલ જયારે વર્ષ ૨૦૧૪માં જે ડ્રો થયો હતો તે ડ્રો થઇ ગયા બાદના વેઇટીંગ લીસ્ટના અનેક લાભાર્થીઓને હજુ પણ આશા અને અપેક્ષા છે કે તેઓને રહેવા માટે મકાન (આવાસ) મળશે અને મ.ન.પા.ઉપર ભરોસો રાખ્યો છે તે ભરોસો ના તૂટે તે અંગે મ્યુ.નીકમીશનરે અને અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેથી આ લોકોને સત્વરે ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવા અને લોકોનો ડ્રો થાય તેમજ આવાસ યોજનામાં રહેવા માટે મકાન મળે તેવી માંગ વશરામભાઇ સાગઠીયાએ નિવેદનના અંતમાં ઉઠાવી છે.

(3:47 pm IST)